એકનાથ શિંદે અને અન્યોની મૂવમેન્ટની જાણ સરકારને હતી

આમચી મુંબઈ

 

મહારાષ્ટ્ર પોલીસના ડીજીપીની તપાસમાં બહાર આવ્યું સત્ય સુરક્ષામાં અપાયેલા જવાનોએ ક્ધટ્રોલ રૂમને જાણકારી આપી હતી ત્રણ પ્રધાનોની તો સુરત સુધીની બધી વિગતો સરકાર પાસે હતી

બંદોબસ્ત:
રાજ્યની ગંભીર રાજકીય પરિસ્થિતિમાં સોમવારે બપોરે સેનાભવનની સામે થોડોક સમય વિશ્રામ કરી રહેલા પોલીસ જવાનો. (જયપ્રકાશ કેળકર)

યોગેશ સી. પટેલ

મુંબઈ: મહારાષ્ટ્રમાં અત્યારે પ્રવર્તી રહેલી રાજકીય કટોકટીમાં મહારાષ્ટ્ર પોલીસની ભૂમિકા પ્રત્યે વરિષ્ઠ રાજકારણી શરદ પવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં કોઈ તથ્ય ન હોવાનું જાણવા મળ્યું છે, એટલું જ નહીં એકનાથ શિંદે અને તેમની સાથે અન્ય છ પ્રધાનોની મૂવમેન્ટની વિગતો રાજ્યના પોલીસ દળ પાસે હતી અને મોટા ભાગે તેનું રિપોર્ટિંગ પણ મુખ્ય પ્રધાન કે સમકક્ષ પ્રધાનને કરવામાં આવ્યું હશે. આમ છતાં આખો ઘટનાક્રમ ઘટ્યો એની પાછળ મુખ્ય પ્રધાનની ભૂમિકા અંગે ઉપસ્થિત કરવામાં આવેલી શંકા સાચી હોવાનું જણાઈ રહ્યું છે.
રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર સામે બળવો કરનારા શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદે અને અન્ય પ્રધાનો ૨૦ જૂનની રાતે સુરત પહોંચી ગયા અને સરકાર ઊંઘતી રહી, એવી વાતો તે સમયે વહેતી થઈ હતી. વળી, પ્રધાનોની સુરક્ષા માટે તહેનાત પોલીસ જવાનોની ભૂમિકા અંગે પણ સવાલો ઊઠ્યા હતા. સંબંધિત સુરક્ષા જવાનો સામે પગલાં લેવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. જોકે આ અંગે મહારાષ્ટ્રના ડીજીએ કરેલી તપાસમાં કેટલીક બાબતો સામે આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સાત પ્રધાનોના સુરક્ષા જવાનોએ પ્રધાનો રાજ્ય બહાર જઈ રહ્યા હોવાની જાણકારી પોલીસના વીઆઈપી ક્ધટ્રોલ રૂમને આપી હતી. ચાર પ્રધાનો તેમની સાથે સુરક્ષા જવાનોને નહોતા લઈ ગયા. આ પ્રધાનોએ તેમને ફરજમાંથી મુક્ત કરી દીધા હોવાની જાણકારી સુરક્ષા જવાનોએ આપી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કોઈ પણ વીઆઈપી મૂવમેન્ટ હોય તો તેની જાણકારી સુરક્ષા જવાનો દ્વારા ક્ધટ્રોલને કરવામાં આવે છે. સુરક્ષામાંથી કોઈ જવાનને મુક્ત કરવામાં આવે કે તેની ડ્યૂટી પૂરી થતી હોય તોય તેણે ક્ધટ્રોલને જાણ કરવી પડે છે.
સાતમાંથી ત્રણ પ્રધાન એકનાથ શિંદે, અબ્દુલ સત્તાર અને સાંદીપન ભૂમરે સુરક્ષા જવાનોને પોતાની સાથે સુરત સુધી લઈ ગયા હતા. આ જવાનોએ મહારાષ્ટ્રની સરહદ પર આ મૂવમેન્ટ અંગે જાણ કરી હતી. એ સિવાય સુરત પહોંચ્યા બાદ સ્થાનિક પોલીસને પણ આ અંગે માહિતી આપી હતી. સ્થાનિક પોલીસ સાથે સમન્વય સાધ્યા પછી એ જવાનો મુંબઈ પાછા ફર્યા હતા, એવું તપાસમાં જણાયું હતું. પ્રધાનોની મૂવમેન્ટની જાણકારી પોલીસ પાસે હોય તો તે સરકાર સુધી પહોંચી હોય એ સ્વાભાવિક છે, એવી ચર્ચા હવે વહેતી થઈ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.