ઉનકા ઝિક્ર, ઉનકી તમન્ના, ઉનકી યાદ; વક્ત કિતના કીમતી હૈ ઈન દિનોં

વીક એન્ડ

ઝાકળની પ્યાલી-ડૉ. એસ. એસ. રાહી

દિલ કી ધડકન યે દે રહી હૈ સદા,
જા કોઈ તેરે ઈન્તિઝાર મેં હૈ.
‘શકીલ’ અપને દિલ કી તબાહી કા કયા ગમ,
ફસાને અભી નાતમામ ઔર ભી હૈ.
ઝિન્દગાની ખુદ હરીફે-ઝિન્દગાની હો ગઈ,
મૈંને જબ રકખા કદમ દુનિયા પુરાની હો ગઈ.
ઝિન્દગી આ તુઝે કાતિલ કે હવાલે કર દૂં,
મુઝસે યે ખૂને-તમન્ના નહીં દેખા જાતા.
-શકીલ બદાયૂંની
મોગલે આઝમ, લીડર, મધર ઈન્ડિયા, ગંગા જમના, આન, બૈજુ બાવરા, મેલા, બાબુલ, દીદાર, ઉડન ખટૌલા, દિલે નાદાં વગેરે હિન્દી ફિલ્મોના અમર ગીતો લખનાર શકીલ બદાયૂંનીનો જન્મ ૩ ઑગસ્ટ ૧૯૧૬ના રોજ ઉત્તર પ્રદેશના બદાયૂંનમાં થયો હતો. તેમનું મૂળ નામ શકીલ એહમદ હતું. શકીલના પિતા મૌલાના જમીલ એહમદ સોખ્તા કાદરીએ ઘરમાં જ શકીલને હિન્દી, અરબી, ફારસી, ઉર્દૂનું પ્રારંભિક શિક્ષણ આપ્યું હતું. બદાયૂંન શહેરમાં ધાર્મિક અને સાહિત્યિક ચર્ચાઓ ઘેર ઘેર થતી હતી. વિવિધ શાયરોના શે’ર સાંભળીને બાળક શકીલમાં શાયરી પ્રત્યે રસ પેદા થયો. વળી તેમના કાકા હજરત મૌલાના જિયાઉલ કાદરીના પ્રશિક્ષણથી કિશોર વયના શકીલમાં શાયરીલેખનનાં અંકુરો ફૂટયાં હતાં.
ઈ.સ. ૧૯૩૬માં શકીલે અલીગઢ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો ત્યારે એક તરફ મજાઝ, જઝબી, જાંનિસાર અખ્તરનો ડંકો વાગતો હતો તો બીજી તરફ જિગર મુરાદાબાદી અને રાઝ મુરાદાબાદીની જબરી અસર હતી. રાઝ મુરાદાબાદીએ શકીલની મુલાકાત જિગરસાહેબ સાથે કરાવી હતી. આરંભમાં શકીલ જિગરના પ્રશંસક હતા અને શકીલ જિગર પાસે તેમની રચના મઠારાવતા હતા. જિગરની કૃપાદૃષ્ટિથી શકીલની શાયરીમાં યૌવન અને સૌંદર્યનો નિખાર આવ્યો હતો, પરંતુ આ શાયર ‘જિગર છાપ’ કવિ બનવા લગીરે ય તૈયાર નહોતા. રાજકારણ અને પ્રગતિશીલ આંદોલન પ્રત્યે શકીલના મનમાં કોઈ આકર્ષણ નહોતું. શકીલની ગઝલો ગઝલના પારંપરિક વિષય પ્રેમ તથા પ્રેમ સંબંધી મનોવિશ્ર્લેષણ પર કેન્દ્રિત છે. પ્રયોગવાદી શાયરી તેમના સ્વભાવ સાથે મેળ ખાતી નહોતી.
અલીગઢમાં બી.એ. કર્યા પછી ઈ.સ. ૧૯૪૨થી ૧૯૪૬ સુધી તેમણે દિલ્હીમાં સપ્લાય વિભાગમાં નોકરી કરી હતી. ૧૯૪૬માં મુંબઈ આવી તેમણે હિન્દી ફિલ્મોમાં ગીત લખવાનું શરૂ કર્યંુ હતું. સુપ્રસિદ્ધ સંગીતકાર નૌશાદ સાથે તેમણે ઘણી ફિલ્મોમાં ગીતો લખ્યાં. તેને ખૂબ જ પ્રસિદ્ધિ- લોકપ્રિયતા મળ્યા. ચલચિત્રો માટે ગીતો લખતી વેળા શકીલે વ્યવસાયિકતા અને લોકપ્રિયતા તરફ લક્ષ્ય ન રાખ્યું, પરંતુ ગીતોના સાહિત્યિક સ્તરનું પૂરતું ધ્યાન રાખ્યું. દર્શકો-શ્રોતાઓની માનસિકતાને નજરમાં રાખીને તેમણે સરળ અને મધુર ભાષા શૈલીનો પ્રયોગ કર્યો. તે જમાનામાં યોજાતા જાહેર મુશાયરાઓમાં શકીલજીને અસાધારણ આવકાર મળ્યો હતો.
ફિલ્મી ગીતો ઉપરાંત તેમની ગઝલો-નઝમોથી અનેક દિલો પર આજે પણ હકૂમત કરનાર આ શાયરની કૃતિઓ રા’નાઈયા, સનમ-ઓ-હરમ, રંગીનિયાં, શબિસ્તાન અને નગ્મા-એ-ફિરદૌસ નામનાં પુસ્તકોમાં ગ્રંથસ્થ છે.
જિગર મુરાદાબાદીએ લખ્યું છે કે શકીલ સ્વાભાવિક શાયર છે, કારીગર નથી. તેમની શાયરી માત્ર શાબ્દિક જાદુનો સંગ્રહ નથી પણ વાસ્તવમાં જીવનદર્પણ છે. વિખ્યાત શાયર અલી સરદાર જાફરીના મત મુજબ શકીલની ગઝલોમાં મૃદુતા છે, જે સીધી હૃદયમાં ઊતરી જાય છે. સાહિર લુધિયાન્વીએ શકીલની પ્રશંસા કરતા કહ્યું હતું કે જિગર અને ફિરાક પછીની પેઢીમાં શકીલ એક માત્ર શાયર છે, જેમણે પોતાની કળાની અભિવ્યક્તિ માટે ગઝલના ક્ષેત્રને પસંદ કર્યંુ.
જિંદગીના પાછલા વર્ષોમાં શકીલજી ટી.બી.ના રોગમાં સપડાયા હતા. જેમાંથી તેઓ બચી શક્યા નહોતા. ૨૦ એપ્રિલ ૧૯૭૦ના રોજ માત્ર ૫૪ વર્ષની વયે તેમનું મુંબઈમાં નિધન થયું હતું. શકીલનો અર્થ થાય છે દેખાવડું, સ્વરૂપવાન, રૂપાળું. તેમના નામ-ઉપનામની જેમ તેમના કેટલાક સુંદર શે’રનું હવે રસદર્શન કરીએ.
* ઈશ્ક કો દુનિયા ખેલ ન સમઝે,
કામ હૈ મુશ્કિલ, નામ હૈ આસાં.
અરે ભાઈ, આ પ્યાર મોહબ્બતને કોઈ ખેલ-તમાશો સમજે નહીં. તેનું નામ લેવું સરળ છે પણ તેને પાર પાડવું (ખૂબ) મુશ્કેલ છે.
* એક દિલ હૈ ઔર તૂફાને-હવાદિશ હૈ ‘શકીલ’,
એક શીશા હૈ કિ હર પથ્થર સે ટકરાતા હૂં મૈં.
‘શકીલ’! હૃદય તો એક જ માત્ર છે અને બીજી તરફ દુર્ઘટનાઓનું તોફાન છે. આમ તો હું કાચ છું પણ દરેક પથ્થર સાથે ટક્કર લઈ શકું એવો છું.
* કોઈ આરઝૂ નહીં હૈ, કોઈ મુદુઆ નહીં હૈ;
તેરા ગમ રહે સલામત, મેરે દિલ મેં કયા નહીં હૈ.
હવે (હૃદયમાં) કોઈ તમન્ના નથી કે કહેવા જેવી કોઈ વાત પણ નથી. તેં પેદા કરેલ દુ:ખ સલામત રહે. મારા હૃદયને એ સિવાય બીજું શું જોઈએ?
* અઝમત યે અપની ઈશ્ક મેં હમ દેખતે રહે,
આલમ તમામ ઝેરે-કદમ દેખતે રહે.
મારા પ્રેમમાં હું એ ગૌરવ જોઈ રહ્યો કે આખું વિશ્ર્વ (જાણે) મારા કદમો નીચે છે એમ હું જોતો રહ્યો.
* ગમે-હયાત ભી, આગોશે- હુસ્ને- યાર ભી હૈ,
યે વો ખિઝાં હૈ, જો ડૂબી હુઈ બહાર મેં હૈ.
જીવનનાં દુ:ખો છે તો પ્રિયતમાના સૌંદર્યનું આલિંગન પણ છે. આ તો વસંતમાં બોળેલી પાનખર છે.
* અપની તો અબ તમામ હુઈ કાઈનાતે-ગમ,
દો અશ્ક થે સો દીદ-એ-તર સે ગુઝર ગયે.
મારા દુ:ખોની બધી સંપત્તિ ખતમ થઈ ગઈ. બે ચાર આંસુ હતાં તે પણ ભીંજાયેલી આંખોમાંથી સરી પડ્યાં!
* ચમન મેં યૂં તો ધોકે હૈં હઝારોં રંગ કે લેકિન,
કોઈ ઉન મેં સે શાયદ ઝિન્દગી કો રાસ આ જાયે.
બગીચામાં એમ તો હજારો રંગોના ધોખાબાજ મળી આવશે, પરંતુ એમાંથી કદાચ કોઈનો જીવન સાથે મેળ જામી જાય તો કેવું સારું!
* અપની હસ્તી કા ભી ઈન્સાન કો ઈર્ફા ન હુવા,
ખાક ફિર ખાક થી, ઔકાત એ આગે ન બઢી.
માણસ પોતાના જીવનને ય ઓળખી શક્યો નહીં. ધૂળ માત્ર ધૂળ જ રહી શકી. આ ધૂળ પોતાની મર્યાદાથી આગળ વધી શકી નહીં.
* કયા હુવા જો ખિજૂ હમ કો રાહ દિલખાતે રહે,
હમ તો મંઝિલ પર ભી આ કર ઠોકરેં ખાતે રહે.
માર્ગદર્શક અમને રસ્તો બતાવતા રહ્યા. પણ તેનાથી અમને કશો ફાયદો થયો નહીં, અમે તો મંઝિલે પહોંચીને પણ ઠોકરો ખાતા રહ્યા.
* અબ તો ગમે-જાનાં બી સુકૂં-બખ્શ નહીં હૈ,
કયા યે ભી ખલિશ દિલ સે જુદા હો કે રહેગી.
હવે તો પ્રિયતમા પાસેથી મળતાં દુ:ખો ય શાંતિ આપતા નથી. તો શું આ યાતના પણ હૃદયને છોડીને જ જંપશે કે શું?
* કિતની લતીફ, કિતની હસીં, કિતની મુખ્તસર;
ઈક નો-શિગુફતા ફૂલ કી નકહત હૈ ઝિન્દગી.
જિંદગી નવા ખીલેલા ફૂલની ખુશ્બૂની જેમ કેટલી આનંદથી સભર, કેટલી સુંદર અને કેટલી ટૂંકી હોય છે!
* આપ ખૂને-ઈશ્ક કા ઈલ્ઝામ અપને સર ન લેં,
આપ કા દામન સલામત, અપને કાતિલ હમ સહી.
પ્રેમનો ખૂનનો આરોપ તમે તમારા માથે ન લ્યો. તમે તેમાંથી સલામત નીકળી જાવ. હું પોતે જ મારું ખૂન કરવાવાળો છું.
* કભી તકદીર કા માતમ, કભી દુનિયા કા ગિલા;
મંઝિલે-ઈશ્ક મેં હર ગામ પે રોના આયા.
કયારેક (હું) ભાગ્ય માટે રડ્યો તો ક્યારેક સંસાર સામેની ફરિયાદ માટે રડ્યો. આ પ્રેમની મંઝિલમાં ડગલે ને પગલે મારે રડવું પડ્યું.
* છેડા જો નિગાહોં ને ઝરા સાઝે-મોહબ્બત,
હર ઝર્રે સે આને લગી આવાઝે-મોહબ્બત.
દૃષ્ટિએ સ્હેજ પ્રેમનું વાજિંત્ર છેડ્યું. તેનું પરિણામ તો જુઓ. ચોતરફથી પ્રણયના સૂર રેલાવા લાગ્યા.
* ઉન કી દુનિયા મેં તો તુમ જૈસે હઝારોં હૈં ‘શકીલ’,
તુમ હી પાગલ થે જો ઉન કો પા કે ઈતરાને લગે.
એના વિશ્ર્વમાં તો ‘શકીલ’ તારા જેવા હજારો મળી આવે છે. આ તો તું જ એવો પાગલ હતો કે તું એને મેળવીને વળી ઘમંડ કરવા લાગ્યો.
* કાફી હૈ મેરે દિલ કી તસલ્લી કો યે બાત,
આપ આ ન સકે, આપ કા પૈગામ તો આયા.
મારા હૃદયના સાંત્વન માટે આ બાબત પૂરતી છે કે તમે ભલે (રૂબરૂ) આવી ન શક્યા, પણ તમારો સંદેશો તો મળ્યો.
* જાદ-એ-ઈશ્ક મેં ગિર ગિર કે સંભલતે રહના,
પાંવ જલ જાયેં મગર આગ પે ચલતે રહના.
પ્રેમની કેડી પર પડતાં પડતાં યે જાતને જરા સંભાળી લેવી. પગ ભલે દાઝી જાય પણ અગ્નિ પર ચાલતા રહેવું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.