ઉછીનાં આપેલાં નાણાં ન આપતાં સફાઈ કર્મચારીએ મહિલાનું ગળું ચીરી હત્યા કરી

આમચી મુંબઈ

માહિમ નજીક ગૂણીમાંથી મળેલા મૃતદેહનો કેસ ૧૪ કલાકમાં ઉકેલાયો

હત્યારો બોયફ્રેન્ડ મૃતદેહને ગોરેગાંવથી ટ્રેનમાં માહિમ લઈ ગયો, ગૂણી પરથી કેસ ઉકેલાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં માહિમ નજીક પ્લાસ્ટિકની ગૂણીમાંથી મળેલા મૃતદેહનો કેસ મુંબઈ રેલવે પોલીસે ૧૪ કલાકમાં ગૂણી પરથી ઉકેલ્યો હતો. ઉછીના આપેલા નાણા નહીં આપતા ૩૦ વર્ષની સફાઈ કર્મચારીને તેના જ બોયફ્રેન્ડે ગળું ચીરીને ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી અને તેના મૃતદેહને ગોરેગાંવથી માહિમ સુધી લોકલ ટ્રેનમાં લઈ ગયો હતો.
હાઉસકીપિંગનું કામકાજ કરનારી ૩૦ વર્ષીય મહિલાનું ગળું ચીરીને હત્યા કરવાના કિસ્સામાં મહિલાના ૨૧ વર્ષના બોયફ્રેન્ડની રેલવે પોલીસે બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે સવારના નવ વાગ્યાના સુમારે માહિમ રેલવે સ્ટેશન નજીક ટ્રેક પરથી ગૂણીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં પ્રાથમિક તપાસ દરમિયાન જે ગૂણીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો એ ગૂણી પરથી કેસનો ઉકેલવામાં આવ્યો હતો. સૌથી આશ્ર્ચર્યની વાત એ હતી કે આરોપીએ ધોળે દિવસે ગોરેગાંવથી માહિમ વચ્ચે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરીને મૃતદેહને રેલવે ટ્રેકમાં નાખીને પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી, પરંતુ જે ગૂણીમાં મૃતદેહ નાખ્યો એ જ આરોપીને ધરપકડનું કારણ બન્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ મુદ્દે પોલીસે કહ્યું હતું કે ગુણી પર ‘હરિ ઓમ ડ્રગ ગોરેગાંવ’નું લખાણ હતું, ત્યાર બાદ ગોરેગાંવના લખાણ પરથી ગોરેગાંવના વિસ્તારમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. એની તપાસના સમાંતર રેલવે પોલીસને દિંડોશી પોલીસ સ્ટેશનમાં એક મહિલા ગુમ થઈ હોવાની પોલીસને બાતમી મળી હતી. દિંડોશી પોલીસ સ્ટેશનમાં ૨૩મી મેના સારીકા દામોદર ચાળકે (ઉંમર ૩૦, સંતોષનગર ફિલ્મસિટી રહેવાસી) નામની મહિલાના પરિવારે મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. મિસિંગ મહિલાની જ હત્યા થઈ હોવાનું પોલીસની તપાસમાં માલૂમ પડ્યું હતું.
દિંડોશી પોલીસ અને જીઆરપી, ક્રાઈમ બ્રાંચ સહિત અન્ય એજન્સીને કેસના ઉકેલ માટે મદદ લેવામાં આવી હતી.
૨૩મી સોમવારે સવારના આઠ વાગ્યે સારીકા સેટેલાઈટ ટાવરમાં કામ કરવા ગઈ પછી ઘરે પાછી ફરી નહોતી, ત્યાર બાદ સેટેલાઈટ ટાવરના સીસીટીવી ફૂટેજ અને અન્ય લોકોની પૂછપરછ કરી હતી, ત્યારે એ જ સોસાયટીમાં હાઉસકિપિંગ તરીકે કામ કરનારા એક યુવક (વિકાસ જગન ખેરનાર, ૨૧ વર્ષ, સંતોષનગર રહેવાસી)ની પૂછપરછ કરી હતી. યુવકે ગુનાની કબૂલાત કરતા કહ્યું હતું કે અમે બંને મિત્ર હતા તથા મેં તેને ઉછીના પૈસા પરત આપતી નહોતી. એટલું જ નહીં, જાહેરમાં લોકોની સામે હાંસી ઉડાવતી હોવાને કારણે ગુસ્સે ભરાઈને મેં તેની હત્યા કરી નાખી હતી.
૨૩મી મેના રોજ મેં તેને બપોરના સેટેલાઈટ ટાવરના ત્રીજા માળના ટોઈલેટમાં બોલાવી હતી અને તેના પેટમાં ચાકુથી હુમલો કર્યો હતો, ત્યાર બાદ તેનું ગળું ચીરી નાખ્યું હતું. એના પછી ડરના માર્યા પુરાવાનો નાશ કરવા માટે પ્લાસ્ટિકની ગુણીમાં મૃતદેહને ત્રીજા માળ પરથી ઊતાર્યો હતો. ગૂણીમાં ભરેલા મૃતદેહને રિક્ષા મારફત ગોરેગાંવ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. ગોરેગાંવ રેલવે સ્ટેશનથી ચર્ચગેટ સ્લો લોકલ ટ્રેનમાં ગુણી લઈ જવામાં આવી હતી. ધોળે દિવસ હોવા છતાં લોકલ ટ્રેનમાંથી તેણે મૃતદેહને માહિમ સ્ટેશન નજીકના રેલવે ટ્રેકમાં ફેંકી દેવામાં આવ્યો હતો. ૨૧ વર્ષના આ આરોપીની સામે રેલવે પોલીસે હત્યા સહિત અન્ય ગુનાઓ નોંધીને વધુ કાર્યવાહી માટે દિંડોશી પોલીસને સોંપ્યો હતો, એમ પશ્ર્ચિમ રેલવેના જીઆરપીના ડીસીપી સંદીપ ભાજીભાકરે જણાવ્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.