ઈન્સાન: અલ્લાહે આ ધરતી પર મોકલેલ તેનો શ્રેષ્ઠ પ્રતિનિધિ

વાદ પ્રતિવાદ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

રબ (પાલનહાર ઈશ્ર્વર) ઈન્સાનને આ દુનિયામાં પોતાનો દૂત બનાવીને મોકલ્યો છે. જેમ એક દેશનો પ્રમુખ બીજા દેશમાં પોતાના એમ્બેસેડરની નિયુક્તિ કરી, મોકલે છે અને પોતાના દેશના નિયમોને ધ્યાનમાં રાખી કાર્ય કરે છે તેવું જ કાર્ય ઈન્સાને ધર્મની આચારસંહિતા મુજબ કરવાનું હોય છે, જેને ઈસ્લામી પરિભાષામાં ‘શરિયત’ કહે છે.
જગતકર્તા તો તેની ઉમ્મતને ત્યાં સુધી ફરમાવે છે કે શરિયતની હદમાં રહીને કરવામાં આવેલ દરેક કાર્ય ઈબાદતનો જ એક ભાગ છે, એક હિસ્સો છે.
ફરમાવવામાં આવે છે કે, ‘અલ્લાહના કામોને હસીમજાક ના સમજો, ખુદાએ તમારા પર જે અહેસાનો (ઉપકાર, કૃપા, મહેરબાની) કર્યા છે તેને હંમેશાં યાદ રાખો. એ ન ભૂલો કે તેણે તમારા પર કુરાન કરીમ જેવી બેમિસાલ કિતાબ તેમજ અકલની વાતો નાઝિલ ફરમાવી છે.’
ઈસ્લામ ધર્મે ઉમ્મતિઓને એક તરફ ઈબાદત અને પરહેજગારી (સંયમ પાળવા)નું શિક્ષણ આપેલ છે, તો બીજી બાજુ આજીવિકા માટે કોશિશ કરવાની તાકીદ પણ કરી છે. દુનિયાથી સંબંધ ત્યજીને તેને નેવે મૂકી દઈને બંદગી (ભક્તિ)માં જ લીન રહેવાનું ઈસ્લામ ફરમાવતું નથી. બલ્કે ઈસ્લામ સખત પરિશ્રમ દ્વારા રોજીરોટી મેળવવાનું બંદા પર ફરજ ઠેરવેલ છે અને મહેનતકશોની તારીફ (પ્રશંસા) કરે છે.
આખરી પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ.અ.વ.) ફરમાવે છે કે, ‘તે ખાણુ સૌથી ઉત્તમ પ્રકારનું છે જે પોતાની મહેનત અને ઈમાનદારીથી મેળવીને આરોગવામાં આવ્યું હોય’
હિદાયતમાં તો દુન્યવી મહેનતને પણ ઈબાદત (પ્રાર્થના, ભક્તિ)ના દરજ્જા સુધી લઈ જઈ શકાય તેવી નસિહત (બોધ) મળી રહેવા પામે છે. પોતાની ફરજો પૂરી કરતાં રહીને વફાદારીથી નોકરી કરવામાં આવે તો તે ઈબાદત છે. ઈમાનદારીથી વેપાર-તીજારત કરવામાં આવે તો તે પણ ઈબાદત છે. શરિયતની મર્યાદામાં રહીને કરવામાં આવેલું તે તમામ કાર્ય, કે જે મહેનત-પરિશ્રમ કરીને આજિવિકા મેળવેલ હોય તે ઈબાદતનો જ એક ભાગ દરજ્જો રાખે છે. મતલબ કે મોમીન (એક સાચા મુસલમાન)ની પ્રત્યેક મહેનતમાં ઈબાદત અને પ્રત્યેક ઈબાદતમાં મહેનત હોવી જોઈએ.
ફરમાવવામાં આવ્યું છે કે, ‘અય મુસલમાનો! તમે અમારી યાદીમાં લાગ્યા રહો જેથી અમારે ત્યાં પણ તમારા માટે મુક્તિની ઘોષણા થતી રહે.’ અને જગતકર્તા જેના માટે મુક્તિનો નિર્ણય કરી લે છે, પછી તેને શું કમી રહે?
માનવી માત્ર સાચા ખોટાની સમજ ધરાવે છે, પરંતુ માણસજાત એટલી બધી અહેસાન ફરામોશ (નગુણી) થઈ ગઈ છે, કે અલ્લાહતઆલાના આ અતિ અમૂલ્ય તોહફા (ભેટ)નો ગેરલાભ ઉઠાવે છે યાદ રાખવું ઘટે કે પશુ-પક્ષીઓ પણ અન્ન માટે જમીન પર પોતાનું મસ્તક (માથુ) નમાવતા હોય છે અને જો હક અને અનહક, જાઈઝ અને નાઝાઈઝને સમજવાની આટલી સમજ પ્રાણી માત્રને આપવામાં આવી હોય તો અલ્લાહે ઈન્સાનને પોતાનો પ્રતિનિધિ બનાવીને આ દુનિયામાં મોકલ્યો છે તેને કેટલી ઊંડી સમજશક્તિ પ્રદાન કરી હશે? પણ અફસોસ! આદમની ઔલાદ આ દેણગીને ભૂલી બેઠો છે અને રોશનીને બદલે અંધકાર તરફ ઘસડાતો જઈ રહ્યો છે.
માનવી કંઈ વાહન નથી કે કોઈના ચલાવ્યાથી તે ચાલે. તેને પોતાને જ પોતાનો માર્ગ પાર કરી લેવો પડશે અને મોમીન એજ મંઝિલ પર પહોંચશે જે તરફ તેનું રૂખ (કૂચ) હશે.
– જાફરઅલી ઈ. વિરાણી
********
ધન વધે કે ભૂખ?
એક ઝવેરાતના વેપારીનો કિસ્સો
ઈસ્લામી શાસનકાળનો, ભૂખની દુ:ખનો અહેસાસ કરાવતો એક પ્રસંગ જાણવા જેવો છે: અરબસ્તાનના બસરા શહેરમાં કેટલાંક ઝવેરીઓની સાથે એક અરબ વેપારી બેઠો હતો. વાતમાંથી વાત નીકળતા એ અરબ વેપારીએ પોતાનો એક અનુભવ તેઓને કહી સંભળાવ્યો:-
‘એક વખત હું જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. મારે મારી મંઝિલે સમયસર પહોંચવાનું હોવાથી મેં ખાવાનું ભાથું સાથે લીધું નહોતું, ઉતાવળમાં હું રસ્તો ભૂલ્યો. માર્ગ શોધવામાં ઘણો વખત પસાર થઈ ગયો. હવે મને સખત ક્કડીને ભૂખ લાગી હતી; ત્યાં અચાનક રસ્તામાં પડેલી એક થેલી મારી નજરે પડી. થેલી જોઈ હું ઘણો ખુશ થયો. તેમાં બાફેલા ઘઉં હશે, એમ મને લાગ્યું. અસહ્ય ભૂખના કારણે મેં થેલી ખોલીને જોઈ; તો તેમાંથી મોતી નીકળ્યા. ઘઉંને બદલે મોતી જોઈ મને જે દુ:ખ થયું છે તે કદી વિસરાય તેમ નથી.’
બોધ: હિરા, માણેક-મોતી, માલોદૌલત આપણી પાસે ગમે તેટલી કેમ ન હોય? મુસીબત કે માંદગીવેળા પેટની આગ બુઝાવતી બે રોટલી પણ જો નસીબ થતી ન હોય ત્યારે એહસાસ થાય છે, કે ભૂખનું દુ:ખ કેટલું બધું અસહ્ય હોય છે. દીને ઈસ્લામે રોજા-અપવાસને એટલે પણ ફર્ઝ ઠેરવ્યા છે, કે મોમીન બંદા વહેલી પરોઢથી સમીસાંજ સુધી કશું પણ ખાધા-પીધા વગર રહે તો તેને ભૂખ્યાના દુ:ખની અનુભૂતિ થાય. જરૂરતમંદને તેનો હિસ્સો ઝકાતરૂપે પ્રદાન કરે તેને કામધંધે લગાડી, સ્વાવલંબી બનાવે, જેથી તે પણ કાલે બીજાને મદદરૂપ બની શકે. કુટુંબ, સમાજ અને એ દ્વારા દેશ ઉન્નતસ્તરે પહોંચી શકે.
**********
લાખ દુ:ખો કી એક દવા
પરિણામ આપણી મરજી મુજબ મળવાનું ન જ હોય છતાં ફિકર ચિંતામાં રહેતા હોઈએ ત્યારે વિચારવું જોઈએ કે પોતાને અકલમંદ કહી શકીએ ખરાં?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.