ઈન્ડેક્સ હેવી વેઈટ રિલાયન્સની રેલીને ટેકે સેન્સેક્સમાં ૪૩૬ પૉઈન્ટનું બાઉન્સબૅક, નિફ્ટીએ ૧૬,૬૦૦ની સપાટી અંકે કરી

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવમાં પીછેહઠ જોવા મળતાં ઈન્ડેક્સ હેવી વેઈટ રિલાયન્સ ઉપરાંત ટીસીએસ અને ઈન્ફોસિસમાં પણ રોકાણકારોની આક્રમક લેવાલી નીકળતાં બે સત્રના ઘટાડા બાદ બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૪૩૬.૯૪ પૉઈન્ટનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીએ ૧૦૫.૨૫ પૉઈન્ટની તેજી સાથે ૧૬,૬૦૦ની સપાટી પાર કરી હતી. જોકે, આજે ડૉલર સામે રૂપિયામાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૯૩૦.૧૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હોવાથી માર્કેટમાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૫,૩૮૧.૧૭ના બંધ સામે ૫૫,૩૮૨.૪૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૫,૧૩૫.૧૧ અને ઉપરમાં ૫૫,૮૯૧.૯૨ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધથી ૪૩૬.૯૪ પૉઈન્ટ અથવા તો ૦.૭૯ ટકા વધીને ૫૫,૮૧૮.૧૧ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૬,૫૨૨.૭૫ના બંધ સામે ૧૬,૪૮૧.૬૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૬,૪૪૩.૦૫થી ૧૬,૬૪૬.૪૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૦૫.૨૫ પૉઈન્ટ અથવા તો ૦.૬૪ ટકાના સુધારા સાથે ૧૬,૬૨૮ની સપાટીએ બંધ રહ્યો હતો. વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૩ના જીએસટી વસૂલીના આંકડા અને ઉત્પાદનનો પીએમઆઈ આંક એકંદરે સારા આવતા આર્થિક મોરચે સારી કામગીરીના નિર્દેશ ઉપરાંત આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આવતા ભારતીય બજારના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આગામી બે સપ્તાહમાં યોજાનારી આરબીઆઈ અને ફેડરલની બેઠકમાં કેવા નીતિવિષયક નિર્ણયો લેવામાં આવશે તેના પર બજારની ચાલનો આધાર રહેશે, એમ જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. વધુમાં કોટક સિક્યોરિટીઝના ઈક્વિટી રિસર્ચ વિભાગના હેડ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે આજે નરમાઈના ટોને બજારનો આરંભ થયા બાદ તાજેતરમાં આઈટી અને ઑઈલ ઍન્ડ ગૅસ ક્ષેત્રના શૅરના ભાવમાં ઘટાડો આવ્યા બાદ આજે ઘટ્યા મથાળેથી વ્યાપક લેવાલી નીકળતાં તેજીનો અન્ડરટોન જોવા મળ્યો હતો. વધુમાં આજે ઘણી એશિયન બજારોમાં નરમાઈ જોવા મળી હતી, પરંતુ સ્થાનિક બજાર સુધારાના ટોને બંધ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૨૦ શૅરના ભાવ વધીને અને ૧૦ શૅરના ભાવ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરમાં સૌથી વધુ ૩.૫૧ ટકાનો ઉછાળો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે બજાજ ફિનસર્વમાં ૨.૮૮ ટકાનો, સન ફાર્મામાં ૨.૩૫ ટકાનો, એચસીએલ ટેક્નોલોજીસમાં ૨.૦૮ ટકાનો, ટીસીએસમાં ૧.૯૮ ટકાનો અને ઈન્ફોસિસમાં ૧.૯૬ ટકાનો સુધારો આવ્યો હતો. વધુમાં આજે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૧.૬૯ ટકાનો ઘટાડો એચડીએફસીમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૧.૫૧ ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં ૧.૦૩ ટકાનો, એચડીએફસી બૅન્કમાં ૦.૮૦ ટકાનો, કોટક મહિન્દ્રા બૅન્કમાં ૦.૪૬ ટકાનો અને આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૦.૩૬ ટકાનો ઘટાડો આવ્યો હતો.
આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં માત્ર બીએસઈ ઑટો ઈન્ડેક્સમાં ૦.૬૫ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૦.૩૭ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૦.૧૬ ટકાનો અને બૅન્કેક્સમાં ૦.૦૬ ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડાઈસીસ વધીને બંધ રહ્યા હતા, જેમાં મુખ્યત્વે બીએસઈ એનર્જી ઈન્ડેક્સમાં ૨.૩૩ ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૨.૧૪ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૧.૫૬ ટકાનો, ટેક્નોલજી ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૧.૦૭ ટકાનો અને પાવર ઈન્ડેક્સમાં ૦.૯૩ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
જોકે, આજે મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૦૪ ટકાનો ઘટાડો અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં ૦.૬૦ ટકાનો સુધારો આવ્યો હતો. આજે એશિયન બજારોમાં ટોકિયો, હૉંગકૉંગ અને સિઉલની બજાર નરમાઈના ટોને બંધ રહી હતી અને શાંઘાઈની બજારમાં સુધારો જોવા મળ્યો હતો અને યુરોપની બજારોમાં મધ્ય સત્ર દરમિયાન સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.