ઈન્ડિયન રેસ્ટોરાંમાં જમ્યો ‘સ્પેરો’, બિલ આવ્યું ૪૮ લાખનું!

મેટિની

હેડિંગ અને બિલની રકમ જોઈને કદાચ તમારી આંખો પહોળી થઈ ગઈ હશે નહીં? ૪૮ લાખ રૂપિયાનું બિલ તે કંઈ હોતું હશે, એવો વિચાર પણ આવી ગયો હશે, પણ હૉલીવૂડ સ્ટાર જૉની ડેપ (ફિલ્મ ‘પાઇરેટ્સ ઓફ કેરેબિયન’માં તેનું નામ ‘સ્પેરો’ હતું) ગયા અઠવાડિયે પત્ની અમ્બર હર્ડ સામેનો માનહાનિનો કેસ જીતી ગયો હતો અને તેની ખુશહાલી તેણે મિત્રો સાથે બર્મિંગહામની ઇન્ડિયન રેસ્ટોરાંમાં ડિનર કરીને મનાવી હતી. બર્મિંગહામની સૌથી મોટી રેસ્ટોરાંમાંથી એક ગણાતી રેસ્ટોરાંના મેનેજર મોહમ્મદ હુસેન પર ત્રણ વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો. શરૂઆતમાં મેનેજરને લાગ્યું કે કોઈએ તેની મજાક કરી છે, પણ બપોરના સમયે એક્ટરની સિક્યોરિટી ટીમ આવી હતી અને તેણે આખી જગ્યાને સ્કેન કરી હતી. આ રેસ્ટોરાંમાં એકસાથે ૪૦૦ લોકો બેસી શકે છે. હોટેલના મેનેજરના જણાવ્યા પ્રમાણે, જૉની સાંજે સાડાસાત વાગે આવ્યો હતો એ વખતે તેની સાથે ગિટારિસ્ટ જેક સહિત બીજા અંદાજે વીસેક લોકો હતા. રાતના સાડાઅગિયાર સુધી આ મિજબાની ચાલી હતી. એક્ટરની ટીમે આખી રેસ્ટોરાં બુક કરી હતી એટલે જ અન્ય કોઈને આ રેસ્ટોરાંમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. મોહમ્મદ હુસનનો પરિવાર તથા મિત્રો ખાસ જૉની ડેપને મળવા આવ્યા હતા. મોહમ્મદ હુસેનની ત્રણ દીકરીઓ એક્ટરને મળીને ખુશ થઈ ગઈ હતી. જૉની ડેપે તમામેતમામ લોકો સાથે વાત કરી હતી. હુસેને કહ્યું હતું કે એક્ટરની ટીમે આટલી મોટી જગ્યા બુક કરી હતી, પરંતુ તેમણે એક વાર પણ બિલ સામે જોયું નહોતું, એટલું જ નહીં, તેમણે ટિપ પણ સારી એવી આપી હતી.
જૉની માટે હોટેલના મેનેજરે ખાસ કસ્ટમાઇઝ મેનુ તૈયાર કર્યું હતું. જૉનીએ પાપડ, ચટણી બાદ સ્ટાર્ટર્સમાં સીખ કબાબ, ચિકન ટિક્કા, વેજિટેબલ સમોસાં, ઝિંગાનો ઓર્ડર કર્યો હતો. મેઇન કોર્સમાં ચિકન ટિક્કા મસાલા, લેમ્બ કડાઈ, પનીર ટિક્કા મસાલા, ફ્રાઇડ ઝિંગા, ભાત, કઢી તથા વિવિધ જાતના નાન મગાવ્યાં હતાં. ડેઝર્ટમાં પન્ના કોટ્ટા તથા વેનિલા ચીઝ કેક સર્વ કરવામાં આવી હતી, એટલું જ નહીં, જૉનીએ રેસ્ટોરાંનું સૌથી મોટું કોકટેલ ‘ધ જ્વેલ ઑફ વારાણસી’ પણ મગાવ્યું હતું. જે પણ વાનગી વધી હતી તે બધી જૉની ડબ્બામાં ભરીને પોતાની સાથે લઈ ગયો હતો. વધુમાં હુસેને કહ્યું હતું કે જૉનીને કઢી સૌથી વધારે ભાવી હતી. એક્ટરે એમ કહ્યું હતું કે તેણે અત્યાર સુધીની બેસ્ટ કઢી અહીંયાં ખાધી હતી. ચાર કલાકમાં જૉની ડેપે ૫૦ હજાર પાઉન્ડનું બિલ ચૂકવ્યું હતું. ઈન્ડિયન કરન્સીમાં આ રકમ અંદાજે રૂપિયા ૪૮,૬૭,૮૫૩ જેટલી થાય છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.