ઈક્વિટી માર્કેટમાં સતત બીજા સત્રમાં પીછેહઠ, સેન્સેક્સ ૯૩ પૉઈન્ટ અને નિફ્ટી ૧૪ પૉઈન્ટ લપસ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં આગેકૂચ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૭૭૦.૫૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો ઉપરાંત રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની આજથી શરૂ થયેલી ત્રણ દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે સાવચેતીના અભિગમ વચ્ચે આજે સતત બીજા સત્રમાં પીછેહઠ જળવાઈ રહી હતી અને સત્રના અંતે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ૯૩.૯૧ પૉઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક ૧૪.૭૫ પૉઈન્ટ લપસ્યો હતો. જોકે, આજે સત્ર દરમિયાન સેન્સેક્સ ૪૭૩ પૉઈન્ટ ગબડ્યા બાદ ઘટ્યા મથાળેથી રોકાણકારોની લેવાલી નીકળતાં ધોવાણ મર્યાદિત રહ્યું હતું.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના ૫૫,૭૬૯.૨૩ના બંધ સામે નરમાઈના ટોને ૫૫,૬૧૦.૬૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૫,૨૯૫.૭૪ અને ઉપરમાં ૫૫,૮૩૨.૨૮ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૯૩.૯૧ પૉઈન્ટ અથવા તો ૦.૧૭ ટકા ઘટીને ૫૫,૬૭૫.૩૨ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના ૧૬,૫૮૪.૩૦ના બંધ સામે ૧૬,૫૩૦.૭૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૬,૪૪૪.૫૫થી ૧૬,૬૧૦.૯૫ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૧૪.૭૫ પૉઈન્ટ અથવા તો ૦.૦૯ ટકા ઘટીને ૧૬,૫૬૯.૫૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
એશિયન બજારોના મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટ નરમાઈના અન્ડરટોને ખૂલી હતી, પરંતુ મધ્ય સત્ર દરમિયાન થોડાઘણાં અંશે બજારમાં સુધારો આવ્યા બાદ રિઝર્વ બૅન્કની આજથી શરૂ થયેલી નાણાનીતિની સમીક્ષાની ત્રણ દિવસીય બેઠકના નિર્ણયની અનિશ્ર્ચિતતા વચ્ચે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી અંતે બજાર નરમાઈના ટોને બંધ રહી હોવાનું આનંદ રાઠી શેર્સ ઍન્ડ સ્ટોક બ્રોકર્સનાં ઈક્વિટી રિસર્ચ વિભાગના હેડ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં ફુગાવો રિઝર્વ બૅન્કની લક્ષ્યાંકિત સપાટી કરતાં ઊંચી સપાટીએ હોવાથી રોકાણકારોની નજર આગામી બુધવારના રિઝર્વ બૅન્કના વ્યાજદર અંગેના નિર્ણય પર સ્થિર થઈ છે. જોકે, વ્યાજદરમાં વધારાની ચિંતા વચ્ચે રોકાણકારોએ વ્યાજ સંવેદનશીલ એવા રિયલ્ટી સહિતના ક્ષેત્રમાં પોઝિશન સરખી કરી રહ્યા હોવાનું કોટક સિક્યોરિટીઝ લિ.નાં ઈક્વિટી રિસર્ચ વિભાગના હેડ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું. દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૨૧ શૅરના ભાવ ઘટીને અને નવ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૨૧ શૅરના ભાવ વધીને અને ૨૯ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.