ઇઝરાયલી એવોકાડો: એક યુવાનની ધગશથી શરૂ થઈ ભારતમાં ખેતી

પુરુષ

પ્રાસંગિક-પ્રથમેશ મહેતા

આજકાલ યુવાનો સામાન્ય રીતે ભારતમાં ભણીને પોતાનું કૌવત બતાવવા પરદેશ ચાલ્યા જાય છે. ત્યારે વિદેશમાં ભણીને સ્વદેશ આવી દેશમાં કૌવત બતાવનાર યુવાનો પ્રત્યે આપણને ગૌરવ અને આનંદની લાગણી થાય. મધ્ય પ્રદેશના ભોપાલનો ૨૬ વર્ષનો હર્ષિત ગોધા આવો જ એક યુવક છે. યુકેથી બીબીએ (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન)નો અભ્યાસ કરીને ભારત પરત ફર્યો અને એવોકાડો ઉગાવવા શરૂ કર્યા. શા માટે? જાણવા જેવું છે.
હર્ષિત ફિટનેસનો શોખીન છે. તેની હેલ્ધી પ્લેટમાં રોજ એવોકાડો અચૂક હોય, પણ કદાચ ત્યારે તેણે વિચાર્યું પણ નહિ હોય કે એવોકાડો માત્ર ફિટનેસનો હિસ્સો નહીં, પણ એક દિવસ તેનું કામ બની જશે.
૨૦૧૭માં બીબીએનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હર્ષિત ઇઝરાયલ જઈને એવોકાડો ઉગાડતાં શીખ્યો. ભારત આવીને પાંચ એકર જમીનમાં ૧૮રર એવોકાડોના છોડ વાવ્યા, એટલું જ નહિ, પણ હર્ષિત દેશભરના જે ખેડૂતો એવોકાડો ઉગાડવા ઇચ્છતા હોય તેમને ઇઝરાયલી છોડ વેચી પણ રહ્યા છે. પોતાનો પારિવારિક વ્યવસાય છોડીને હર્ષિત હવે ખેડૂત બની ચૂક્યો છે.
એવોકાડોની ખેતીનો વિચાર કેમ આવ્યો તે જણાવતાં હર્ષિત કહે છે કે ‘એક વાર એવોકાડો ખાતી વખતે તેના પેકેટ પર નજર પડી ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો ઇઝરાયલમાં ઊગે છે. ત્યારે બિઝનેસ માઇન્ડેડ હર્ષિતને વિચાર આવ્યો કે ગરમ દેશ હોવા છતાં જો ઇઝરાયલ તેની ખેતી કરી શકે તો ભારત કેમ નહીં?’
હર્ષિત કહે છે કે ‘આ એક સુપરફૂડ છે, આરોગ્યની દૃષ્ટિએ તેના અનેક લાભ છે. ભારતમાં તો એટલા મોંઘા મળે છે કે સામાન્ય માણસ ખરીદવાનો વિચાર સુધ્ધાં ન કરી શકે. અહીંયાં તેની ખેતી પણ નથી થતી કે ન કોઈ તેના વિષે વધુ જાણે છે. મેં ઇઝરાયલમાં એવોકાડોની ખેતી કરનારા ખેડૂતોની જાણકારી મેળવી તેમની સાથે વાત કરી. છેવટે ઇઝરાયલમાં એક મહિનો રહીને તેની ખેતી વિષે જાણકારી મેળવવાનો નિર્ણય કર્યો. ૨૦૧૭માં બીબીએનું છેલ્લું સેમિસ્ટર ચાલુ હતું ત્યારે જ મેં ખેડૂત બનવાનો નિર્ણય કરી લીધો હતો.’
ભારત આવીને પરિવારને પોતાનો ઈરાદો જણાવ્યો. તેમની પાસે ભોપાલમાં પારિવારિક જમીન હતી જ, એટલે પરિવારે પણ તેના નિર્ણયને ટેકો આપ્યો. જમીન તો હતી, પણ છોડ અને માટીને કઈ રીતે તૈયાર કરવી? આ માટે તેણે ઇઝરાયલમાં બનાવેલા દોસ્તોની મદદ લીધી. તેમણે હર્ષિતને જમીન તૈયાર કરવાથી લઈને એવોકાડોના મધર પ્લાન્ટ્સ મેળવવામાં મદદ કરી. તેમણે જણાવ્યું કે એવોકાડોની શ્રેષ્ઠ જાત માટે દક્ષિણ ભારતની આબોહવા યોગ્ય છે. ભોપાલમાં ઉગાડવા માટેના એવોકાડો ક્વોલિટીની દૃષ્ટિએ બીજા નંબર પર આવે છે. આ છોડવાઓને લગભગ એક વર્ષ સુધી સંતુલિત વાતાવરણમાં રાખવા પડે છે, ત્યાર બાદ તે રોપવા માટે લાયક બને છે.
હર્ષિત જણાવે છે કે ‘૨૦૧૯માં કાયદાકીય પ્રક્રિયાને કારણે છોડવાઓ મગાવી નહોતા શકાયા. પાછલા જુલાઈમાં ૧૮૦૦ છોડવા મગાવ્યા છે જે તે પોતાના ખેતરમાં લગાવશે. પાંચ એકર જમીનને તેણે ડ્રિપ-ઇરિગેશન સાથે તૈયાર કરી છે. છોડવાઓ રોપ્યા બાદ ત્રણથી ચાર વર્ષમાં તેના પર ફળ આવવાનાં ચાલુ થશે. બધું મળીને હર્ષિતને ૪૦ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડ્યું છે.
પોતાના રિસર્ચ સાથે હર્ષિતે આ વિષે યુટ્યુબ અને સોશિયલ મીડિયા દ્વારા બીજાને માહિતી આપવાનું પણ શરૂ કર્યું. આ રીતે અન્ય લોકોએ સોશિયલ મીડિયા દ્વારા પણ તેની ખેતીમાં રુચિ બતાવવાનું શરૂ કર્યું અને છોડ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી. હવે તેણે ઇઝરાયલથી ૪૦૦૦ છોડવાઓ મગાવ્યા છે, જે દેશભરના ખેડૂતોને વેચી શકશે. છોડવાઓનું ૯૦ ટકા બુકિંગ પહેલેથી જ થઈ ગયું છે.
ગુજરાત, તમિળનાડુ, કેરળ, મહારાષ્ટ્ર જેવાં અનેક રાજ્યોના ખેડૂતોએ ખરીદ્યા છે. આ રીતે નર્સરી પણ તેની કમાણીનું સાધન બની ગઈ છે. ભવિષ્યમાં હર્ષિત ભારતમાં જ નવા છોડવા બનાવવાની યોજના બનાવે છે. આ રીતે હવે ભારતમાં ખેડૂતો પણ બિઝનેસ સ્ટાર્ટઅપમાં જોડાઈને ભારતની આર્થિક પ્રગતિનો મહત્ત્વનો હિસ્સો બની રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.