આ ગરમીમાં મોજાં માઝા મૂકતાં હોય છે

વીક એન્ડ

મસ્તરામની  – મસ્તી -મિલન ત્રિવેદી

 

ઉનાળો ઈંઙકની જેમ ચરમસીમાએ પહોંચ્યો છે. પરસેવાથી ન્હાતા ન્હાતા પરસેવા કરવા આજે આ લેખ લખું છું. આજકાલ સેલનો, ડિસ્કાઉન્ટનો જમાનો છે. લોકોએ સારુંં દેખાવું ફરજીયાત છે. હૃદય ગાભા જેવું ચાલશે પરંતુ કપડા ચકાચક એટલે કે ગાભા કાઢી નાખે તેવા હોવા જોઈએ. ખાલી કપડાં જ ટનાટન પહેરીએ તે નહીં ચાલે નીચે બુટ પણ જોઇશે. હા જો કે અંદર પહેરેલા મોજા કોઈ જોતું નથી. એટલે બહારથી દેખાતા બુટ લોકો આકર્ષક પહેરે છે. પરંતુ મોજા ઉપ્પર પટ્ટીમાં જ સારા દેખાતાં હોય છે. બાકી સસ્તા સેલમાંથી લીધેલા હોય એટલે જેવું ખેંચીને પહેરો કે તરત આગળથી અંગૂઠો અને પાછળથી એડી ડોકિયા કરવા માંડે. તળિયાએ જાણે પ્રતિજ્ઞા લીધી હોય કે ભલે મોજા પહેરાવો, મારી પર આવરણ ઢાંકો પરંતુ હું તો બુટની સગથળીને સ્પર્શ કરીશ. એટલે તે પણ બે ચાર કાણા દ્વારા સગથળી સ્પર્શનો આનંદ માણે.
આજકાલની ભાગદોડની જિંદગીમાં સવારના પોરમાં નીકળેલો માણસ રાત્રે ઘેંસ જેવો થઈ અને ઘરે જતો હોય છે. આ દરમિયાન માથાથી લઈ અને સમગ્ર શરીરના તમામ અંગો નો પરસેવો છેલ્લે તળિયે જઇને અને અટકતો હોય છે ૫૦૦ ગ્રામ વજનના બુટનું પરસેવો પી અને ૨૦૦ ગ્રામ વજન વધી ગયું હોય છે. રાત્રે જ્યારે બુટ કાઢે ત્યારે તેમાંથી મોજું પરસેવાથી રેબઝેબ થઈ બેભાન હાલતમાં મળી આવે. ઘણીવાર તો તે ઓળખ, સાબિતીનું કામ કરે છે. તમારા ઘરમાં તમે મોજા કાઢો એટલે ત્રીજા ઘરમાં ખબર પડે. ભાભી તરત જ કહે કે ‘રમણીકભાઈ ઑફિસેથી ઘરે આવી ગયા છે. જાવ તમે તમારુંં કામ પતાવી આવો’. જોકે ઘણા સમજુ લોકો મોજા કાઢતા પહેલા ઘરે સુગંધિત અગરબત્તી જરૂર કરે છે. આપણને એવું થાય કે રાત્રે ૧૦ વાગ્યે પણ તેઓ કેવા ભક્તિ ભાવથી પ્રભુને ભજે છે. પરંતુ આડોશપાડોશ નો ખ્યાલ રાખી અને બે-ચાર અગરબત્તીનો ભોગ ધરાવે છે. હમણાં એક મારા સબંધની ઓફિસે હું ગયો હતો તો બહાર હું શુઝ કાઢવા ગયો તો મને કહ્યું કે ‘ના ના રહેવા દ્યો પહેરીને જાઓ’. પરંતુ મેં તેમને કહ્યું કે ‘આ અગાઉ હું જ્યારે પહેરીને અંદર ગયો હતો ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે અમે બુટ ચપ્પલ બહાર કાઢીએ છીએ. અંદર મંદિર છે એટલે આ વખતે કહેવાનો મોકો ન આપવો એમ સમજી અને હું બહાર કાઢું છું’. તો મને કહે તમારી વાત સાચી પરંતુ અમુક લોકો બુટ બહાર કાઢે છે પછી મોજા પહેરીને અંદર જતા આખો દિવસ પોતાની હાજરી મોજાની દુર્ગંધ દ્વારા છોડતા જાય છે. અંદર મંદિર હતું તે પણ બહાર લઈ લીધું કારણકે મોજાની દુર્ગંધથી ભગવાન ત્રાહિમામ્ પોકારી જાય અને આડો અવળો શ્રાપ આપી દે. કોકના પાપે આપણે દંડાવવું પડે તેના કરતા ભલે બૂટ પહેરીને અંદર આવે. અમે તો અમુક મહેમાનો પાછળ એક સ્ટાફ એપોઇન્ટ કર્યો છે. જે મહેમાનની સાથે જ રૂમ સ્પ્રે લઈ અને દર બે મિનિટે સ્પ્રે છાંટતો જાય. મહેમાન ને એમ થાય કે ભવ્ય સ્વાગત થયું અને આપણે બેભાન થતા બચી જઈએ.
અમારા એક ભાઈબંધ ને આવી બહું ખરાબ ટેવ હતી તે એક ને એક મોજા ચાર-પાંચ દિવસ પહેરે અને બીજા દિવસથી તો આજુબાજુમાં કોઇ કુતરું મરી ગયું હોય તેવી દુર્ગંધ ફેલાય. અમે તેને વારંવાર કહ્યું પરંતુ હઠીલી વહુની જેમ માનેજ નહીં. અંતે અમે મિત્રોએ નક્કી કર્યું કે ફાળો કરીને પણ મિત્રને નવા મોજા અપાવીએ. ખરેખર અમે બધાએ એક સરસ મજાની જોડી અપાવી બીજે દિવસે ચા-પાણી નાસ્તા માટે એક જગ્યાએ ભેગા થયા તો ફરી તે દુર્ગંધે અમને ઘેરી લીધા.અમે તેને કહ્યું કે ‘તને હવે નવા મોજા અપાવ્યા પછી પણ તું જુના શું કામ પહેરે છે?’તો તરત જ તેણે શુઝ કાઢી અને નવા મોજા દેખાડ્યા ‘મને ખબર જ હતી કે તમે નહીં માનો જુઓ નવા પહેર્યા છે અને સાબિતી રૂપે જૂના હું આ ખિસ્સામાં સાથે લાવ્યો છું’. અમે દિલથી માર્યો અને ત્યાં ને ત્યાં મોજાને ખાડો કરી અને દાટી દીધાં. આમ તો આવા કૃત્ય બદલ મિત્રને દાટી દેવાનું મન થાય પરંતુ મોજાથી મન મનાવી લીધું. હમણાં એક ડૉક્ટરને ત્યાં ઑપરેશન થિયેટરમાં હજી તો દર્દીને લઇ ગયા અને સી સી સુંઘાડવાવાળા ડૉકટર તૈયારી કરે તે પહેલા જ દર્દી બેભાન થઈ ગયો. બહુ છાનબીન પછી ખબર પડી કે ઑપરેશન થિયેટરમાં જે નર્સિંગ સ્ટાફ હતો તેણે તેના મોજા દર્દીને સુંઘાડ્યા હતાં. ઑપરેશન પતી ગયું પછી દર્દી ચાર કલાકે ભાનમાં આવ્યો. હું તો કહું છું કે જો પરસેવો બહું થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો એક સ્પ્રેની બોટલ ખિસ્સામાં રાખવી જોઈએ. દર બે કલાકે કાઢી અને મોજા પર છંટકાવ કરવો.શરીર પર ના છાંટો તો ચાલશે. પરંતુ જ્યાં ત્યાં શુઝ કાઢવાના હોય ત્યારે સમગ્ર વાતાવરણમાં હાહાકાર મચી જાય એના કરતા મોજા પર સ્પ્રે કરતો રહેવો. જોનાર લોકોને એમ થાય કે ધનવાન ખાનદાનનો જમાઇ લાગે છે.પગના તળિયે પણ સ્પ્રે કરે છે.
તમારાં માટે મોજા ડંખ ન પડે તે માટે આશિર્વાદરૂપ હોઈ શકે પરંતુ બીજાં લોકો તમારી હાજરીથી તમારાં આખા ખાનદાનને ખોટી રીતે યાદ ન કરે તે એટલું જ જરૂરી છે.
——-
વિચારવાયુ
પત્ની: (ઇન્સ્પેક્ટર સાહેબને) મારા પતિ ક્યારે મળશે.
ઇન્સ્પેક્ટર: તેમના મોજા મળ્યા છે.પોલીસ ડોગ ને સુંઘાડયા છે. કૂતરો બેભાન છે. ભાનમાં આવે એટલે તપાસ આગળ વધારીશું

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.