આસામના ભયાનક પૂરની વચ્ચે ઓફિસર કીર્તિ જલ્લીનો કર્મયોગ

લાડકી

ફોકસ-અનંત મામતોરા

જળવાયું પરિવર્તનની અસર ભારતની આબોહવા ઉપર પાછલા કેટલાક વર્ષોથી વરતાઈ રહી છે. ઉનાળો વધુ ને વધુ આકરો થતો જાય છે, ચોમાસુ સમયસર બેસતું નથી, અથવા તો અપ્રમાણસર વરસાદ, કમોસમી વરસાદ જેવી ફરિયાદો દેશના અનેક પ્રદેશોમાંથી આવે છે. આસામ પહેલેથી જ અતિ ભારે વરસાદ માટે પ્રખ્યાત છે. પણ બદલતા વાતાવરણ સાથે આસામ જેનો સૌથી વધુ સામનો કરે છે, તે છે પૂર. લગભગ દર વર્ષે આસામમાં પૂર આવે જ છે અને ત્યાંનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ જાય છે. આ વર્ષે હજી તો ચોમાસું બેઠું નથી ને આસામમાં પૂર આવ્યું નથી! પૂર અને ભૂસ્ખલનને કારણે આસામના ૨૭ જિલ્લા પ્રભાવિત થયા છે. ત્યાંના લોકો ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં
મુકાયા છે.
ચારેકોર પાણી અને પાણી જ દેખાય છે, હોડીઓમાં બેસીને લોકો પોતાને અને ઘરવખરીને બચાવવાનો પ્રયાસ કરતા નજર આવે છે. બધે જ તૂટ્યાફૂટ્યા ઘર, પાણીમાં ડૂબેલા રેલવે ટ્રેક્સ જેવા દૃશ્યો દેખાય છે. આવા સમયે ભારતની એક આઈએએસ અધિકારી કીર્તિ જલ્લીની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર સામે આવી છે જ્યાં તેમને પૂરગ્રસ્તોની વચ્ચે જોઈ શકાય છે. લોકો તેમની કાર્યદક્ષતાના વખાણ કરતાં થાકતા નથી. મુસીબતના માર્યા લોકોની વચ્ચે પાણી, કાદવ, કીચડની વચ્ચે આશાનું કિરણ બનીને ઊભા છે કીર્તિ જલ્લી.
આ તસ્વીરો આઈએએસ કીર્તિ જલ્લી જયારે આસામના પૂર પ્રભાવિત કછાર જિલ્લાની મુલાકાતે હતાં ત્યારની છે. કીચડના દળદળમાં બદલાઈ ગયેલી ગામની કાચી સડકો ઉપર લોકોના દર્દમાં સહભાગી થતા, ઉઘાડા પગે ચાલીને તેમને થયેલા નુકશાનનું
આકલન કરતાં નજર આવે છે. અન્ય એક ફોટો માં કીર્તિ, એક અન્ય મહિલા સાથે હોડીમાં સવાર છે અને બંનેના પગ કાદવથી ખરડાયેલા દેખાય છે.
અહીં જણાવી દઈએ કે પૂરને કારણે આસામના ૭.૧૮ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. ૧૪ જિલ્લામાં ૩૫૯ રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો ચલાવાઈ રહ્યા છે, જ્યાં ૧૨ હજાર બાળકો સહિત ૮ર હાજર શરણાર્થીઓ છે.
૧૯૮૯માં હૈદરાબાદના બારેંગલ જિલ્લામાં જન્મેલા કીર્તિ ૨૦૧૨માં આઈએએસ અધિકારી બન્યા. આસામના બારાક વેલીના હૈલાકાંડી જિલ્લામાં પહેલા મહિલા જિલ્લા ડેપ્યુટી કમિશનર તરીકે તેમણે જવાબદારી સંભાળી હતી.
વર્ષ ૨૦૨૦ માં જિલ્લા ની વિભિન્ન સમસ્યાઓ નું સમાધાન કરવા સાથે લોક સેવા માં ઉત્કૃષ્ટ કામગીરી માટે સર્વશ્રેષ્ઠ પ્રશાસનિક’ ના એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
કીર્તિની પ્રશંસનીય કામગીરી અને મુશ્કેલ પરિસ્થિતિઓ માં કામની કુશળતા જોઈને તેમની બદલી આસામના કછાર જિલ્લામાં કરવામાં આવી. ત્યારથી આઈએએસ ઓફિસર કીર્તિ જલ્લી પુરી લગનથી પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. તેમણે કછાર જિલ્લાના આદિત્ય શશીકાંત સાથે લગ્ન કર્યાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે લગ્નના બીજા જ દિવસે કીર્તિએ પાછું ઓફિસ જવાનું ચાલુ કરી દીધું હતું.
આસામના પૂરના સમયે જિલ્લા ઉપાયુક્તની જવાબદારી કીર્તિએ પૂર્ણ નિષ્ઠા સાથે નિભાવી. પૂરગ્રસ્ત પ્રદેશોની મુલાકાત લીધી, તેમની તકલીફો જાણી અને તેનો ઉચિત ઉકેલ પણ લાવ્યો. કોરોનાકાળમાં પણ કીર્તિએ આ જ રીતે સરાહનીય કામ કરીને જિલ્લાના લોકોના દિલ જીતી લીધાં છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.