આયખું આખું અંગ્રેજો સામે ઝઝૂમનારી રાણી જિન્દા કૌર

લાડકી

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

શરણાગતિ ન સ્વીકારનાર એવી રાણી જેનાથી માસૂમ દીકરાને દૂર કરી દેવાયો છતાં રાજ્યના રક્ષણને એણે પ્રાધાન્ય આપ્યું, પાછીપાની કર્યા વિના અંગ્રેજોની વિરુદ્ધ સતત સંઘર્ષ કરતી રહી, પ્રજામાં રાણી માઈ કે રાણીમા તરીકે જાણીતી થઈ અને બ્રિટિશરોએ જેને નાથવી મુશ્કેલ છે એવી મોહક વિદ્રોહી તરીકે એને ઓળખાવીને પંજાબની મેસલીનાનું બિરુદ આપ્યું…
મેસલીના રોમન સમ્રાટ ક્લાઉડિયસની ત્રીજી પત્ની અને રોમન બાદશાહ નીરોની પિતરાઈ બહેન હતી. ગણતરીબાજ, ચાલાક અને કાચાપોચાને જ નહીં, કોઈનેય ખાઈ જાય, ગળી જાય એવી. આ મેસલીના સાથે અંગ્રેજોએ જેની તુલના કરી એ પંજાબની રાણી કોણ હતી? એનું નામ જિન્દ કૌર. રાણી જિન્દા તરીકે જાણીતી થઈ. પંજાબના મહારાજા રણજિત સિંહની પત્ની. રણજિત સિંહની રાણીઓમાં છેલ્લી જિન્દા કૌર હતી. જિન્દા કૌરની પ્રાથમિક ઓળખ રણજિત સિંહની પત્ની અને અંતિમ શીખ મહારાજા દુલીપ સિંહની માતા તરીકેની હતી, પણ લડાયક મિજાજને પગલે એણે સ્વતંત્ર ઓળખ ઊભી કરી. જિન્દા કૌરની કથા એવી વીરાંગનાની કહાણી છે જે પતિનું સામ્રાજ્ય જાળવી રાખવા જીવનભર અંગ્રેજો સામે ઝઝૂમી. જિન્દા કૌરનો જન્મ અત્યારના પાકિસ્તાન એવા તત્કાલીન ગુજરાનવાલાના સિયાલકોટ જિલ્લાના ચીચરવાલી ગામમાં ૧૮૧૭માં થયો. પિતા મન્ના સિંહ અને માતા માતાજી કૌર. મહારાજા રણજિત સિંહે મન્ના સિંહ પાસે એમની દીકરીનો હાથ માગી લીધો. ૧૮૩૫માં અઢાર વર્ષની ઉંમરે જિન્દાનાં લગ્ન મહારાજા રણજિત સિંહ સાથે લેવાયાં. લગ્નનાં ત્રણ વર્ષ પછી મહારાજાને ઘેર પારણું બંધાયું. જિન્દાએ ૧૮૩૮માં દુલીપ સિંહને જન્મ આપ્યો. જોકે ૨૭ જૂન, ૧૮૩૯ના મહારાજા સ્વર્ગે સિધાવ્યા. રણજિત સિંહના વારસદારો હતા, પણ એ બધા રાજકીય કાવાદાવાનો ભોગ બનીને અકાળે અવસાન પામ્યા. સિંહાસનનો વારસ એક દુલીપ સિંહ જ રહ્યો. પાંચ વર્ષનો પુત્ર સગીર હોવાથી જિન્દાએ રાજપાટ સંભાળી લીધું. રાજપાટના રસ્તામાં નડતર ઘણાં હતાં, પણ જિન્દા કૌરે સોયના નાકામાંથી ઊંટ કાઢ્યું. સત્તાસ્થાને આરોહણ કર્યું. જિન્દા શાસિકા બની, પણ શાસન કરવું સીધા ચઢાણ ચડવા જેવું કપરું હતું. અંગ્રેજો પંજાબને પડાવી લેવા માગતા હતા, એથી જિન્દાએ પોતાની સેનાને મજબૂત બનાવી. રૈયત માટે કરેલાં કાર્યોને કારણે શીખ સમુદાયની ‘મા’ તરીકે એને નવાજવામાં આવી.
જિન્દા ખુશ હતી, પણ એની ખુશીને ગ્રહણ લાગ્યું. બન્યું એવું કે બ્રિટિશ દળ સતલજ તરફ આગળ વધી રહેલું. શીખ સેનાએ વળતા જવાબરૂપે સતલજ પાર કરીને એ વિસ્તાર પોતાનો હોવાનો દાવો કર્યો, પણ બ્રિટિશરોએ યુદ્ધ જાહેર કર્યું. પ્રથમ એંગ્લો-શીખ લડાઈનો આરંભ થયો. જિન્દાએ યુદ્ધ દરમિયાન અંગ્રેજો વિરુદ્ધ કડક પગલાં લીધાં. અંગ્રેજો ડરીને જિન્દાને ‘વિદ્રોહી રાણી’ કહીને સંબોધવા લાગેલા.
જિન્દા કુશળ નીતિઓથી ઇસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ મોરચો માંડતી રહી, પણ કેટલાયે સરદારો અંગ્રેજોના પલડામાં જઈને બેઠા. પરિણામે શીખોની હાર થઈ. પરાજયને પગલે લાહોર શાંતિકરાર થયો. કરાર અન્વયે શીખ સેના અંગ્રેજોના નિયંત્રણ હેઠળ આવી. પૂરક કરારમાં બ્રિટિશ દળોને વર્ષના અંત સુધી લાહોરમાં રહેવાનો પ્રસ્તાવ અંગ્રેજ સરકાર તરફથી મુકાયો. જિન્દાએ લાહોરના આંતરિક વહીવટમાં બ્રિટિશરો હસ્તક્ષેપ નહીં કરે એ શરતે દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી. કરારની શરત મુજબ બ્રિટિશ દળોને નવ મહિના સુધી લાહોરમાં તંબૂ તાણવાની જોગવાઈ હતી. આ ગાળા દરમિયાન અંગ્રેજોએ દરબારના મંત્રીઓને લાલચો આપીને ફોડ્યા. જિન્દાને ખબર પણ ન પડી અને પગ તળેથી જાજમ ખેંચાઈ ગઈ. મંત્રી મંડળ પરથી અંકુશ ગુમાવી બેઠી. ચોપાટની રાણીની જેમ જિન્દા શાસન કરતી રહી. કારણ ખરી સત્તા તો અંગ્રેજ અધિકારી હેન્રી લોરેન્સના હાથમાં ચાલી ગયેલી. નવ મહિના પછી બ્રિટિશરોએ લાહોર છોડવાનો સમય આવ્યો. દરબારીઓએ અંગ્રેજોની ગોઠવેલી યોજના પ્રમાણે એમને દુલીપ સિંહ સોળ વર્ષનો થાય ત્યાં સુધી લાહોરમાં રહી જવાની વિનંતી કરી. બ્રિટિશરો રાજી થઈ ગયા. ભૈરોવાલ કરાર અસ્તિત્વમાં આવ્યો. કરાર અન્વયે પંજાબ અને લાહોર સંપૂર્ણપણે અંગ્રેજોના સીધા અંકુશ હેઠળ આવતાં હતાં.
અંગ્રેજોએ જિન્દાની સત્તા આંચકી લીધી. જિન્દાને દોઢ લાખ રૂપિયાની વાર્ષિકી બાંધી આપવામાં આવી. જોકે જિન્દા સત્તાવિહોણી હોવા છતાં એનો પ્રભાવ એટલો હતો કે બ્રિટિશ મનસૂબાઓ પર એને કારણે જોખમ તોળાઈ રહેલું, એથી વહેલામાં વહેલી તકે જિન્દાને લાહોરથી હાંકી કાઢવાનો નિર્ણય અંગ્રેજોએ લીધો. સપ્ટેમ્બર, ૧૮૪૭માં જિન્દાને બનારસ મોકલી દેવાઈ. એને પુત્ર દુલીપ સિંહથી દૂર કરી અને દરબારમાંથી પણ.
જિન્દાની હકાલપટ્ટી થવાને કારણે વિશ્ર્વાસુ શીખ સરદારો એક થઈ ગયા. જિન્દાએ તેમને અંગ્રેજો સામે લડવા માટે નાણાકીય સહાય કરી. બીજું એંગ્લો-શીખ યુદ્ધ શરૂ થઈ ગયેલું, શીખો ફરી હાર્યા. અંગ્રેજોએ દુલીપ સિંહ પર સંપૂર્ણ કબજો કરી લીધો. એને ઇંગ્લેન્ડ મોકલી દીધો. રાણી જિન્દાને ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં આવેલા ચુનારના કિલ્લામાં કેદ કરી લીધી.
ચુનારના કિલ્લામાં જિન્દા પર કડક ચોકીપહેરો ગોઠવવામાં આવેલો, છતાં ૧૯ એપ્રિલ, ૧૮૪૯ના એ કેદમાંથી છટકી ગઈ. જિન્દા કઈ રીતે કિલ્લામાંથી નીકળી ગઈ એ અંગે અદાલતી તપાસ યોજાઈ, પણ પરિણામ શૂન્ય આવ્યું. જોકે રસપ્રદ બાબત એ છે કે એ જ દિવસે કિલ્લામાંથી જિન્દાનો અંગ્રેજોના ગાલે તમાચો જેવો પત્ર મળી આવ્યો. પત્રમાં લખેલું: તમે મને પાંજરામાં પૂરી દીધી, પણ આટઆટલાં તાળાં અને સંત્રીઓની પહેરેદારી હોવા છતાં હું જાદુથી ગાયબ થઈ ગઈ… સારી પેઠે સમજી લેજો કે હું કોઈની પણ મદદ વિના મારી રીતે સહીસલામતપણે છટકી ગઈ છું!
અંગ્રેજોએ ઠેકઠેકાણે જાપ્તો બેસાડી દીધો. ધરપકડ ટાળવા જિન્દા નેપાળને રસ્તે ચાલી નીકળી. ૨૯ એપ્રિલ, ૧૯૪૯ના જિન્દા કાઠમંડુ પહોંચી. નેપાળના રાજા જંગબહાદુરે જિન્દાને આશ્રય આપ્યો. ભાગમતી નદીને કિનારે રહેવા માટે ઘર આપ્યું. નિર્વાહ ખર્ચ પેટે પણ અમુક ચોક્કસ રકમ બાંધી આપી.
જિન્દાએ પંજાબના વિદ્રોહીઓ સાથેનો સંબંધ પુન: સ્થાપિત કર્યો. બ્રિટિશ સરકાર સાથે ઘર્ષણમાં ઊતરેલા જમ્મુ-કાશ્મીરના ભાઈ મહારાજ સિંહ સાથે પણ સંબંધ સ્થાપ્યો. દરમિયાન અંગ્રેજોના એકધારા દબાણને વશ થઈને નેપાળ સરકારે જિન્દાથી મોં ફેરવી લીધું. એ ૧૮૬૦ સુધી નજરકેદ જેવી અવસ્થામાં નેપાળમાં રહી.
આ ગાળામાં જિન્દા પોતાના પુત્રને મળવા માટે વલખાં મારતી રહી. મા દીકરાને પત્ર લખતી રહી, પણ એ પત્રો દુલીપ સિંહ સુધી ન પહોંચે એની કાળજી અંગ્રેજોએ રાખી. દરમિયાન, ૧૮૫૭માં ભારતમાં વિદ્રોહ ફાટી નીકળ્યો. જિન્દા ક્રાંતિમાં કૂદી ન પડે અને એનું ધ્યાન બીજે ખેંચાય એ હેતુથી મા-દીકરાને પરસ્પર સીધો પત્રવ્યવહાર કરવાની છૂટ અપાઈ. કેટલાક સમય પછી બન્ને એકમેકને મળી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી. દુલીપ સિંહ ભારતમાં કોલકાતા બંદરે ઊતર્યો. જિન્દાને નેપાળથી કોલકાતા રવાના કરવામાં આવી. જિન્દા અને દુલીપ સિંહ કોલકાતામાં ૧૮૬૧માં એકબીજાને મળ્યાં, પણ ત્યાં સુધીમાં જિન્દાનું સ્વાસ્થ્ય કથળેલું. એની આંખોની રોશની પણ જઉં જઉં થઈ રહેલી.
દુલીપ સિંહને અંગ્રેજોએ ઈસાઈ બનાવી દીધેલો, પણ એના ભારતીય માંહ્યલાને જિન્દાએ ઢંઢોળ્યો. દરમિયાન અંગ્રેજોને મા-દીકરાનું એકસાથે ભારતમાં હોવું જોખમભર્યું લાગ્યું. બેયને ઇંગ્લેન્ડ મોકલી દીધાં. એ પછીના વર્ષમાં જિન્દાએ દુલીપ સિંહને શીખ ધરોહર અને પિતાના મહાન વારસા વિશે જણાવ્યું. જિન્દાના માર્ગદર્શનમાં દુલીપ સિંહનો શીખ વિરાસત પ્રત્યે ઝોક વધ્યો. દુલીપ સિંહ ફરી શીખ બન્યો એમાં જિન્દાની ભૂમિકા સૌથી મહત્ત્વની હતી.
પુત્રને સાચો રસ્તો બતાવીને જિન્દા કૌર ૧ ઓગસ્ટ, ૧૮૬૩ના મૃત્યુ પામી, પણ આજેય પંજાબી પ્રજાના હૃદયમાં એ ‘જિન્દા’ છે! ઉ

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.