આફ્રિકાનો અસલી સિંહ વર્સીસ અક્કી

મેટિની

નીધિ ભટ્ટ

અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના યુદ્ધનાં દૃશ્યોને રાજસ્થાનમાં શૂટ કરવામાં આવ્યાં હતાં, જ્યારે મહેલ, દરબાર અને બજારનાં દૃશ્યો માટે મુંબઈમાં ૩૫ કરોડનો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. અક્ષયે સાચા સિંહ સાથે આ ફિલ્મમાં લડાઈ કરી છે. હાલમાં ‘પૃથ્વીરાજ’ની દરેક જગ્યાએ ચર્ચા થાય છે. ભારતના શૂરવીર રાજાઓમાંના એક પૃથ્વીરાજ ચૌહાણ પર બનેલી આ ફિલ્મમાં અક્ષય લીડ રોલમાં છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોંચ થયું છે, જેમાં તેના ભવ્ય સેટ, કોસ્ચ્યુમ વગેરે જોઈ લોકોમાં રોમાંચ વધી ગયો છે. ટ્રેલર જોઈને લોકોને એ જાણવાની ઉત્સુકતા જાગી છે કે આ સેટ બનાવવા માટે કેટલો સમય લાગ્યો અને કેટલો ખર્ચ થયો. કોરોના બાદ મોટા બજેટની ફિલ્મોનો ક્રેઝ વધી ગયો છે. સાઉથથી માંડી બોલીવૂડમાં હવે બિગ બજેટ ફિલ્મો બની રહી છે. વિઝ્યુઅલ ઈફેક્ટથી માંડી એક્શન પર ખૂબ જ ખર્ચ થાય છે. ‘કેજીએફ-ચેપ્ટર-ટૂ’, ‘આરઆરઆર’ જેવી ફિલ્મો આનું ઉદાહરણ છે. પૃથ્વીરાજ પણ મોટા સ્કેલની ફિલ્મ છે અને તેને ભવ્ય બનાવવામાં આવી છે.
૩૦૦ કરોડમાં બની પૃથ્વીરાજ
૩૦૦ કરોડની ફિલ્મમાં સર્જકે મહેલ, બજાર, દરબાર વગેરેમાં કેટલાં નાણાં ખર્ચ્યાં, યુદ્ધનાં દૃશ્યો કઈ રીતે શૂટ કર્યાં, વગેરે અંગે અમિત રે અને સુબ્રત ચક્રવર્તીએ વાત કરી.
૪૦૦ જુનિયર આર્ટિસ્ટ
અમિત અને સુબ્રતે જણાવ્યું કે ફિલ્મમાં યુદ્ધનાં દૃશ્યો રાજસ્થાનમાં શૂટ કરવામાં આવ્યાં, કારણ કે મુંબઈમાં એટલી જગ્યા નથી. અહીં હાથીઓને લાવવા અઘરા સાબિત થયા હોત. આ દૃશ્યો માટે સૈનિકોનાં પાત્ર માટે ૩૦૦થી ૪૦૦ જુનિયર આર્ટિસ્ટ પસંદ કરવામાં આવ્યા હતા. સૈનિકો પાસે ઢાલ, તલવાર સહિત એટલાં શસ્ત્રો રહેતાં કે તેને ૧૯ ટ્રકમાં લઈ જવામાં આવતાં.
અક્કી વર્સીસ અસલી સિંહ
ફિલ્મમાં એક દૃશ્ય છે જેમાં અક્ષય કુમાર સિંહ સાથે લડતો દેખાય છે. અમિત અને સુબ્રતે જણાવ્યું કે તે અસલી સિંહ છે. તેને વીએફએક્સથી બનાવવામાં આવ્યો નથી. આ માટે ફિલ્મના ક્રૂ મેમ્બર આફ્રિકા ગયા હતા. ત્યાં તેમણે અસલી સિંહ સાથે શૂટ કર્યું. તેમણે જણાવ્યું હતું કે સાચા સિંહ આગળ ક્રોમા રાખી તેના અલગ અલગ એંગલ લઈ શોટ કેપ્ચર કરવામાં આવ્યા. આ શોટ્સમાં પછીથી ક્રોમાની જગ્યાએ હીરોને ફિટ કરવામાં આવ્યો.
૩૫ કરોડના મહેલ, દરબાર અને બજારના સેટ
પૃથ્વીરાજના મહેલ, બજાર અને દરબારના સેટ બનાવવામાં રૂ. ૩૫ કરોડનો ખર્ચ થયો, કારણ કે ફિલ્મ ઐતિહાસિક છે, માટે સેટ પર ૪૦૦ જેટલા જુનિયર આર્ટિસ્ટ હંમેશાં હાજર રહેતા હતા.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.