રમતગમત -ઉર્મિલ પંડ્યા
ક્રિકેટના મેદાન પર દોડતા ખેલાડીઓને તમે જોયા હશે, પણ દિવ્યાંગ ક્રિેકેટરો વ્હિલચેર પર બેસીને જે રીતે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ માટે દોડાદોડી કરે છે એ ક્ષણોને કચકડે કંડારતો વીડિયો તમને જોવા મળે તો અચૂક સાનંદાશ્ર્ચર્ય પામશો. તેમાં બેમત નથી.
ક્રિકેટનો જબરો શોખ ધરાવતા પણ પોતાના પગ વડે મેદાન ધમરોળી ન શકતા ભારતના દિવ્યાંગ ક્રિકેટરો વ્હિલચેરથી પોતાની વીલ (ઇચ્છા) પૂરી કરે છે એ જોવું ક્રિકેટ રસિકો માટે લહાવો છે. એમાંય આ રમતની સ્પર્ધા યોજાય અને ગુજરાત ચેમ્પિયન બને એ આપણા ગુજરાતીઓ માટે ગૌરવની વાત ગણાય.
વાત એમ છે કે ચોથી અને પાંચમી માર્ચે કોલકાતા ખાતે વ્હિલચેર ક્રિકેટ સ્પર્ધાનું આયોજન થયું હતું તેમા ગુજરાતના ધૂંઆધાર ક્રિકેટર ભીમા ખૂંટીના કૅપ્ટન પદ હેઠળની ઇન્ડિયન ગ્લેડિયેટર્સ ટીમે ઇતિહાસ રચી દીધો. મેચની ફાઇનલમાં આ ટીમે ઇન્ડિયન ફાઇટર્સ ટીમને હરાવી ચેમ્પિયન ટ્રોફી ગુજરાતના નામે અંકે કરીને ગુજરાતીઓને જાણે હોળધૂળેટીની ભેટ આપી હતી. ઇન્ડિયન ફાઇટર્સ ટીમે ૧૦ ઑવરમાં ત્રણ વિકેટના ભોગે ૧૪૩ રન કર્યા હતા તેના જવાબમાં ભીમા ખૂંટીની ટીમે ૭.૩ ઑવરમાં લક્ષ્યાંક પાર પાડી નવ વિકેટથી આ મેચ જીતી લીધી હતી.
આ વિજય સાથે પોરબંદરના ભીમા ખૂંટીએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ફાઇનલના દિવસે તેમને આ ટ્રોફી ભારતના ભૂતપૂર્વ સ્ટાર બૉલર આર.પી. સિંહ દ્વારા એનાયત કરવામાં આવી હતી. ભૂતપૂર્વ બૅટ્સમેન વિનોદ કાંબલી,વ્હિલચેર ક્રિકેટ ઇન્ડિયા એસોસિયેશનના પ્રમુખ અભય પ્રતાપસિંહ અને ભારતની વ્હિલચેર ક્રિકેટ ટીમના કૅપ્ટન સોમજીતસિંહે પણ ભીમા અને તેની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મુંબઇ સમાચારની આ પૂર્તિએ ઘણા સમય અગાઉ ભીમા ખૂંટીની કાબેલિયત જાણી તેમના સંઘર્ષ અને વિશ્ર્વવિક્રમી રમતોનો ઉલ્લેખ કરતો ઇન્ટરવ્યૂ છાપ્યો હતો. આપણે ત્યાં ક્રિકેટની રમત માટે એક અજબ પ્રકારની ઘેલછા જોવા મળે છે ત્યારે ભારતના દિવ્યાંગ ખેલાડીઓ જે રીતે સંઘર્ષ વેઠીને મેદાનમાં આ રમત રમે છે તેને ભારતીય પ્રેક્ષકો પૂરતા પ્રમાણમાં બિરદાવતા નથી એવો વસવસો પણ તેમણે ઇન્ટરવ્યૂ સમયે વ્યક્ત કર્યો હતો. આજે જ્યારે તેમણે ફાઇનલ જીતીને ગુજરાતની યશકલગીમાં ઓર એક પીંછુ ઉમેર્યું છે ત્યારે તેમને ખૂબ ખૂબ અભિનંદન.