આજ સે અપના વાદા રહા, હમ મિલેંગે હર એક મોડ પર…

મેટિની

રંગીન ઝમાને-હકીમ રંગવાલા

હરિકિશનગિરિ ગોસ્વામી મૂળ નામ હતું અને આ નામધારી કિશોર ‘શબનમ’ નામની એક હિન્દી ફિલ્મ જોવા ગયા અને એ ફિલ્મમાં હીરોનો રોલ કરનારા દિલીપ કુમારથી એટલા પ્રભાવિત થઈ ગયા કે એમણે નક્કી કરી લીધું કે હું મોટો થઈને આવી રીતે ફિલ્મોમાં કામ કરીશ. ખરેખર એ કિશોર મોટો થઈને હિન્દી ફિલ્મોમાં કામ કરવા લાગ્યો અને પોતાનું નામ હરિકિશનગિરિને બદલે ‘શબનમ’ ફિલ્મમાં હીરો દિલીપ કુમારનું જે નામ પરદા પર હતું એ જ નામ મનોજ કુમાર અંગીકાર કરી લીધું! મનોજ કુમાર નામથી ફિલ્મોમાં કાર્યરત થયા પછી દેશભક્તિની ફિલ્મો બનાવવામાં કુશળતા પ્રાપ્ત કરી અને પરદા પરનું નામ ભારત કુમાર પણ લોકપ્રિય થઈ ગયું અને મનોજ કુમારને ભારત કુમાર નામે પણ લોકો ઓળખે છે.
મનોજ કુમાર દિલીપ કુમારની આત્મકથામાં પોતાનાં સંસ્મરણોમાં લખે છે કે ‘મારી હીરો તરીકેની ફિલ્મ ‘કાચ કી ગુડિયા’નું પ્રીમિયર યોજાયેલું અને હું દિલીપ કુમારના ઘરે એમને પ્રીમિયરમાં હાજરી આપવા આમંત્રણ આપવા ગયો ત્યારે દિલીપ કુમાર અમુક લોકો સાથે વાતો કરતા હતા. એ લોકો વિદાય થયા પછી મારી સાથે વાત કરી, મેં એમને મારી ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું. દિલીપ કુમાર કહે કે ‘હમણાં જ મેં એક પરિવારના કાર્યક્રમમાં હાજર રહેવાનું સ્વીકાર્યું છે એટલે તમારી ફિલ્મના પ્રીમિયરમાં નહીં આવી શકું!’ દિલીપ કુમારના આ જવાબથી હું ખૂબ ઉદાસ થઈ ગયો અને મારા ચહેરા પરની ઉદાસી જોઈને દિલીપ કુમારે કહ્યું, ‘એક મિનિટ રુકિયે,’ આટલું કહીને ઉપરના માળે જઈને એમના ભાઈને કહી આવ્યા કે આપણા પરિવારના કાર્યક્રમમાં હું હાજર નહીં રહું તે સંદેશ પહોંચાડી દેવો. આ કહીને નીચે આવીને મને કહ્યું કે હું તમારી ફિલ્મના પ્રીમિયરમાં આવીશ, અને આવ્યા. ‘કાચ કી ગુડિયા’ ફિલ્મના એ પ્રીમિયરમાં સૌની આંખો દિલીપ કુમારને જ જોતી હતી!’
મહાન ફિલ્મસર્જકો બધા સ્વપ્નસેવી હોય છે. ફિલ્મ બન્યા પહેલાં એમના મન-મગજમાં એ ફિલ્મ તૈયાર થઈ ચૂકી હોય છે, અને એ ફિલ્મ માટે એમણે સેવેલું સ્વપ્ન સિનેમાના પરદા પર સાકાર થાય ત્યારે જ એ સર્જકોને સાચો સંતોષ મળે છે. ગુરુ દત્ત, રાજ કપૂર, મહેબૂબ ખાન, કે. આસિફ, બિમલ રોય, રમેશ સિપ્પી કે પ્રકાશ મહેરા હોય કે મનોજ કુમાર!
આ બધા સર્જકો પોતાની મહત્ત્વાકાંક્ષા રૂપી ફિલ્મ માટે એક સ્વપ્ન જુએ છે અને પોતાની ફિલ્મ માટે એક સર્વશ્રેષ્ઠ ટીમ પસંદ કરે છે. મનોજ કુમારની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘ક્રાંતિ’ હતી. ‘ક્રાંતિ’ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠથી ઓછું કંઈ ન ખપે એવું મનોજ કુમારે નક્કી કરેલું. સ્ટોરી અને પટકથા ખાસ દિલીપ કુમારને ધ્યાનમાં રાખીને સલીમ-જાવેદ પાસે લખાવેલાં, સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને આર્ટ ડિરેક્શન દેશ મુખર્જી, સ્ટંટ ડિરેક્ટર વીરુ દેવગણ અને કેમેરામેન જોય ડિસોઝા. પ્રોડ્યુસર, ડિરેક્ટર, એડિટર, ડાયલોગ રાઇટર અને એક ટાઇટલ ગીતના લેખક તરીકેની જવાબદારીઓ સ્વંય મનોજ કુમારે ઉપાડેલી.
મનોજ કુમારના પ્રિય ગીત લેખક સંતોષ આનંદજીએ અદ્ભુત ગીતો લખ્યાં અને બધાં ગીતો સુપર હિટ થયાં – (૧) ઝિંદગી કી ન તૂટે લડી, પ્યાર કર લે ઘડી દો ઘડી…, (૨) મારા ઠુમકા બદલ ગઈ ચાલ મિતવા…, (૩) ચના જોર ગરમ બાબુ મૈં લાયા મજેદાર…, (૪) લુઇ શમાશા લુઇ, લે જા પ્યાર જરા સા, દે જા પ્યાર જરા સા…, (૫) અંબે હૈ મેરી માં, દુર્ગે હૈ મેરી માં…, (૬) અબ કે બરસ તુજે ધરતી કી રાની કર દેંગે… અને ફિલ્મનું ટાઇટલ ગીત જે ખુદ મનોજ કુમારે લખ્યું હતું અને ફિલ્મમાં બે વખત આવે છે એ, (૭) દિલવાલે દિલવાલે તેરા નામ ક્યા હૈ, નામ ક્યા હૈ તેરા પયગામ ક્યા હૈ ? ક્રાંતિ… ક્રાંતિ…
૧૯૭૬ની ફિલ્મ ‘બૈરાગ’ પછી દિલીપ કુમારે કોઈ ફિલ્મ સાઈન કરી નહોતી ત્યારે મનોજ કુમારે દિલીપ કુમારને ફોન કરી કહ્યું કે ‘તમારા માટે એક સ્ટોરી સલીમ-જાવેદ પાસે લખાવી છે’ અને દિલીપ કુમારે ફિલ્મ કરવા હા કહી દીધી! સ્ટોરી સંભળાવવા જ્યારે મનોજ કુમાર દિલીપ કુમારના ઘરે ગયા ત્યારે દિલીપ કુમાર પોતાના ભાઈની ખબર કાઢવા હોસ્પિટલ જતા હતા, પણ મનોજ કુમારને થોડી મિનિટોમાં નરેશન આપવાનું કહ્યું અને મનોજ કુમારે સ્ટોરી કહી એટલે દિલીપ કુમાર ‘ક્રાંતિ’ ફિલ્મમાં રાજના વફાદાર અને અંગ્રેજ સલ્તનત સામે ક્રાંતિ કરનાર લડાયક યોદ્ધા સાંગાની ભૂમિકા માટે તૈયાર થઈ ગયા. દિલીપ કુમારની પત્ની રાધાની ભૂમિકા માટે વૈજયંતીમાલાને પસંદ કરેલાં, પણ એમણે ના કહી ફિલ્મોમાં પાછા ફરવાની એટલે એ ભૂમિકા નિરૂપા રોયને મળી. શશી કપૂરની ભૂમિકા વિનોદ ખન્નાને ઓફર થયેલી અને શત્રુઘ્ન સિંહાની ભૂમિકામાં અમિતાભ બચ્ચનને લેવાના હતા, પણ સંજોગો અનુસાર શક્ય ન બન્યું. દિલીપ કુમાર, મનોજ કુમાર, શશી કપૂર, હેમા માલિની, શત્રુઘ્ન સિંહા, પરવીન બાબી, પ્રેમ ચોપરા, ટોમ ઑલ્ટર સાથે ‘ક્રાંતિ’ ફિલ્મ બનવી શરૂ થઈ ગઈ. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ હેમા માલિની ધર્મેન્દ્ર સાથે પરણી ગઈ.
મનોજ કુમારની ‘ક્રાંતિ’ ફિલ્મની સાથે જ કમાલ અમરોહીની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘રઝિયા સુલતાન’નું શૂટિંગ પણ ચાલુ હતું અને હેમા માલિની આ બન્ને ફિલ્મમાં હિરોઇન હતી. હેમા માલિની ‘રઝિયા સુલતાન’ ફિલ્મને વધારે મહત્ત્વ આપતી હતી એ જોઈને મનોજ કુમારે કહેલું કે ‘મારી ફિલ્મ ‘ક્રાંતિ’ એક કલ્ટ ક્લાસિક ફિલ્મના નામે હિન્દી ફિલ્મના ઇતિહાસમાં અમર રહેશે!’
‘ક્રાંતિ’ ફિલ્મ માટે મનોજ કુમાર સર્વસ્વ કુરબાન કરવા તૈયાર થયેલા એટલે એમની ઘણી મિલકતો ગીરવે મુકાયેલી અને અમુક વેચાઈ ગયેલી! ‘ક્રાંતિ’ ફિલ્મનું શૂટિંગ જયપુર પેલેસમાં અને આર. કે. સ્ટુડિયોમાં થયેલું અને મજાની વાત એ છે કે દિલીપ કુમારે પોતાની અભિનય કારકિર્દીમાં આર. કે. સ્ટુડિયોમાં ક્યારેય શૂટિંગ નહોતું કર્યું. સૌપ્રથમ ‘ક્રાંતિ’ ફિલ્મ માટે દિલીપ કુમાર આર. કે. સ્ટુડિયોમાં આવ્યા અને આ ફિલ્મનું શૂટિંગ જોવા આર. કે. સ્ટુડિયોના માલિક રાજ કપૂર પણ આવતા હતા! ‘ક્રાંતિ’ ફિલ્મની પ્રિન્ટ જાપાનમાં બનાવવી એવું મનોજ કુમારે નક્કી કરેલું, પણ મુશ્કેલી એ હતી કે મનોજ કુમાર ક્યારેય એરોપ્લેનમાં પ્રવાસ નહોતા કરતા! ફિલ્મની રીલો લઈને મનોજ કુમાર વિખ્યાત સાઉન્ડ રેકોર્ડિસ્ટ મંગેશ દેસાઈ પાસે પહોંચ્યા અને જાપાન જઈને ફિલ્મની પ્રિન્ટ કઢાવવાની જવાબદારી મંગેશ દેસાઈએ ઉપાડી હતી!
‘ક્રાંતિ’ ગજબની બ્લોક બસ્ટર ફિલ્મ બની. અમુક રાજ્યોમાં તો ‘ક્રાંતિ’નાં ટી-શર્ટ, જેકેટ, ગંજી પણ બનીને ધૂમ વેચાયેલાં. મુંબઈમાં સતત ૯૬ દિવસના દરેક શો હાઉસફુલ રહેલા અને સતત ૬૭ વીક ચાલેલી. અનેક સેન્ટરો પર આ ફિલ્મે સિલ્વર જ્યુબિલી ઊજવી, જૂનાગઢ જેવા સેન્ટરમાં જવલ્લે જ કોઈ ફિલ્મ વધુ અઠવાડિયાં ચાલે એવા સેન્ટરમાં પણ ‘ક્રાંતિ’ સિલ્વર જ્યુબિલી થઈ! આખા ઇન્ડિયામાં ‘શોલે’ પછી આવકના બધા રેકોર્ડ ‘ક્રાંતિ’એ તોડી કાઢ્યા! ભારતના સિનેમાના ઇતિહાસની બ્લોક બસ્ટર આવક કરનારી ફિલ્મોનાં નામો જ્યારે ગણાય ત્યારે ‘ક્રાંતિ’ અચૂક ગણવી પડે! ‘બાહુબલી’ અને ‘આર આર આર’ જેવી ફિલ્મ બનાવનારા રાજા મૌલી હોય કે ‘સલર’ના પ્રશાંત નીલ હોય, એ બધા કહે જ છે કે અમારો મુખ્ય પ્રેરણાસ્રોત હિન્દી ફિલ્મો છે અને સલીમ-જાવેદ છે. ‘આર આર આર’ ફિલ્મ આજની ટેક્નિકની આધુનિકતાને અજવાળે ભલે બ્લોક બસ્ટર મનોરંજક ફિલ્મ બની છે, પણ ‘ક્રાંતિ’ ફિલ્મ એ જ વિષયવસ્તુની ‘આર આર આર’ કરતાં ક્યાંય ચડિયાતી ફિલ્મ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.