મુંબઈ મહાનગરપાલિકા દસ કરોડના ખર્ચે ઊભી કરશે સુવિધા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની આજે ૬૬મી પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાંથી તેમના અનુયાયીઓ મુંબઈના શિવાજી પાર્કમાં આવેલી ચૈત્યભૂમિમાં તેમની સમાધિના દર્શન માટે આવશે. લાખોની સંખ્યામાં ઉમટનારી મેદની માટે મુંબઈ મહાનગરપાલિકાએ તેમના રહેવા, ખાવા-પીવાથી લઈને તેમની માટે શૌચાલય સહિતની સગવડ ઊભી કરી છે. તે માટે લગભગ દસેક કરોડ રૂપિયાનો ખર્ચ પાલિકા કરવાની છે.
લગભગ બે વર્ષ બાદ આ વર્ષે મહાપરિનિર્વાણ દિન નિમિત્તે મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજરી પૂરાવી એવી શક્યતા છે. તેથી લોકોની ભીડને પહોંચી વળવા માટે પાલિકાએ જબરદસ્ત તૈયારી કરી છે, જેમાં અનુયાયીને આરામ કરવા માટે શામિયાણા બાંધવામાં આવ્યા છે. લગભગ એક લાખ ચોરસ ફૂટ ક્ષેત્રફળના મંડપમાં તાત્પૂરતી રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
વી.આઈ.પી. કક્ષ, કંટ્રોલ રૂમ, વોચટાવર, આરોગ્ય સેવા, પીવાના પાણીની સુવિધાની સાથે જ શિવાજી પાર્કમાં મોટી સંખ્યામાં ફરતા મોબાઈલ ટોઈલેટ, સ્નાનગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે. અનુયાયીઓને બેસવા માટે બાંકડાની વ્યવસ્થા, મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા, એમ્બ્યુલન્સ તથા ભોજન જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શિવાજી પાર્ક મેદાનમાં ધૂળનો ત્રાસ થાય નહીં તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવશે.
આપાતકાલીન પરિસ્થિતિમાં રહેવા માટે પાલિકાની છ શાળાઓમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અનુયાયીઓ શિવાજી પાર્ક ચોપાટી પર જાય અને કોઈ અનહોની થાય નહીં તે માટે ચોપાટી પર સુરક્ષારક્ષક સહિત બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. અનુયાયીઓ માટે મોટા પદડા પર લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ફેસબુક, ટ્વીટર તથા યૂટ્યૂબ જેવા સોશિયલ મીડિયા પર છ ડિસેમ્બરનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે.
—
ફક્ત ૫૦ રૂપિયામાં કરો મુંબઈની સફર
ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ મુંબઈમાં દાખલ થયા છે. આ અનુયાયીઓ મુંબઈ શહેરની સફર કરી શકે તે માટે બેસ્ટ ઉપક્રમ ૫૦ અને ૬૦ રૂપિયાના દૈનિક પાસની યોજના અમલમાં લાવી છે. ચલો સ્માર્ટ કાર્ડ સિવાય આ દૈનિક પાસ પ્રવાસીઓ પાંચથી સાત ડિસેમ્બર દરમિયાન શિવાજી પાર્કથી ખરીદી કરી શકશે. છ ડિસેમ્બરના હજારો અનુયાયીઓ દાદરમાં શિવાજી પાર્ક, ચૈત્યભૂમિમાં દાખલ થશે. આ લોકો બેસ્ટની બસમાં ફરી શકે તે માટે વધારાની બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
—
રેલવેએ વિશેષ વ્યવસ્થા કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દર વર્ષે છઠ્ઠી ડિસેમ્બરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે દાદરમાં ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા તેમના હજારો અનુયાયીઓ દાદર ચૈત્યભૂમિ ખાતે આવતા હોય છે, ત્યારે રેલવે પ્રશાસન દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ માટે રેલવે પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પશ્ર્ચિમ તથા મધ્ય રેલવેમાં વિશેષ ટ્રેન દોડાવવાની સાથે બંને દાદર રેલવે સ્ટેશન ખાતે પ્રવાસીઓના માર્ગદર્શન માટે હેલ્પડેસ્ક રાખવામાં આવ્યા છે. બંને રેલવે સ્ટેશન પર ભીડ પર નજર રાખવા માટે ખાસ કરીને આરપીએફ, જીઆરપી અને કેન્દ્રીય રેલવે પોલીસ ફોર્સના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ક્રાઉડ મેનેજમેન્ટ ખાસ કરીને ૪૦૦થી વધુ પોલીસ ફોર્સને તહેનાત કરવામાં આવી છે. ઉપરાંત, રેલવે સ્ટેશનના ક્રાઉડ પર નજર રાખવા માટે સીસીટીવી કંટ્રોલ મારફત રાઉન્ડ ધ ક્લોક નજર રાખવા વિશેષ પોલીસ દળને રાખવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન, બ્રિજ, ટિકિટ કાઉન્ટર સહિત રેલવે પરિસરમાંથી પ્રવાસીઓની અવરજવર પર પણ ખાસ નજર રાખવામાં આવશે. રેલવે સ્ટેશનના એસ્ક્ેલેટર તથા લિફ્ટ પણ બંધ પડે નહીં તેની તકેદારી રાખવામાં આવશે, જ્યારે સ્ટેશનના પરિસરમાં ૨૪ કલાક માટે મેડિકલ સ્ટાફ/ડોક્ટરને પણ તહેનાત રાખવામાં આવશે, એમ પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. ઉ