આજા નચ લે ઔર પ્રમોશન કર લે

ફિલ્મી ફંડા

ડાન્સ કવર્સ અને તેના થકી નવા માર્કેટિંગ આઈડિયાઝ

શો- શરાબા -દિવ્યકાંત પંડ્યા

સમયાંતરે ટૅક્નોલૉજી અને સુવિધાઓ કે પછી અન્ય કારણોસર માર્કેટિંગ ટ્રેન્ડ્સમાં ફેરફારો થતા રહેતા હોય છે. ફિલ્મ્સના માર્કેટિંગ માટે પણ આ બાબત લાગુ પડે છે. થોડા અઠવાડિયા અગાઉ આપણે યુટ્યુબ પર રિલીઝ કરાતા એકથી દોઢ મિનિટના ફર્સ્ટ લૂક વીડિયોની વાત અહીં કરેલી. ટીવી કરતા યુટ્યુબ આજે લોકોને ને એમાંય ખાસ કરીને યંગસ્ટર્સને વધુ હાથવગું છે એટલે ફિલ્મમેકર્સ માર્કેટિંગના અવનવા આઈડિયાઝ ત્યાં પણ અજમાવતા રહે છે. એમાંનો એક આઈડિયા એટલે- ડાન્સ કવર્સ!
યુટ્યુબ પર અનેક જાતની ચેનલ્સ અને તેના પર અનેક પ્રકારના વીડિયોઝ પહેલેથી જ અપલોડ થતા રહ્યા છે. તેમાં ડાન્સ કવર્સનો આ પ્રકાર ઘણો મનોરંજક અને વિવિધતાભર્યો છે. ફિલ્મ પ્રમોશનમાં તેના હિસ્સાની વાત કરતા પહેલા ડાન્સ કવર્સ એટલે શું એ જાણી લઈએ. ડાન્સ કવર એટલે કોઈ ડાન્સર જાણીતા ગીત પર ઓરીજીનલ કે પછી પોતાની બનાવેલી કોરિયોગ્રાફી સાથે ડાન્સ કરીને વીડિયો બનાવે એ. હાલના સમયમાં આ ડાન્સ કવર્સ એન્ટરટેઈન્મેન્ટ ક્ષેત્રે ઘણો મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. યુટ્યુબ સહિત બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રીલ્સ કે શોર્ટ વીડિયોઝ ફોર્મેટમાં પણ ડાન્સ કવર્સની બોલબાલા છે. જેઓ પ્રોફેશનલ ડાન્સર્સ નથી તેઓ પણ પોતાના ૨૦-૩૦ સેકંડ્સના આવા ડાન્સ વીડિયોઝ બનાવીને
મૂકે છે.
ડાન્સર્સ પાસે જૂના-નવા ગીતોની ખોટ તો હતી જ નહીં પણ ડિજિટલ ક્રાંતિ પછી તેમને નવા પ્લેટફોર્મ્સ મળ્યા જેનાથી તેઓને રિયાલિટી શોઝ કે ફિલ્મ્સ વગર પણ ઓળખ મળતી થઈ. કશીકા સીસોદીયા, સોનાલી ભદૌરિયા, નૈની સક્સેના, મેલ્વીન લૂઈસ, દીપિકા લિખર, સુમિત પરિહાર, ટીમ નાચ (સોનલ દેવરાજ, નિકોલ કોન્સસાઓ), ચેરી બોમ્બ, ઈમાન ઈસ્માઈલ વગેરે કેટલાય એવા ડાન્સર્સ છે જેઓ અત્યારે ભારતીય ડાન્સ કવર્સ ચેનલ્સમાં ટોપ પર છે. આમાંના ઘણાની શરૂઆત થયેલી પોતાની આવડત દુનિયા સામે રજૂ કરવાથી અને હવે તેઓ યુટ્યુબ પર જ ડાન્સ ટ્યુટોરીઅલ કે પછી પોતાની એકેડમી થકી પણ કારકિર્દી આગળ વધારી રહ્યા છે.
આ ક્ધટેન્ટ ક્રિએટર્સને ફિલ્મ સ્ટાર્સની જેમ ફોલોઅર્સ તો મળ્યા જ પણ વખત જતા ફિલ્મ સ્ટાર્સ પણ મળ્યા. અત્યાર સુધી જે સ્ટાર્સના ગીતો પર તેઓ પોતાના સ્ટેપ્સ થકી વીડિયોઝ બનાવતા હતા આજે તે ફિલ્મ સ્ટાર્સ પોતે જ પોતાની ફિલ્મના પ્રમોશન માટે તેમની યુટ્યુબ ચેનલ્સનો દરવાજો ખખડાવી રહ્યા છે. પ
હેલા જેમ રસ્તાઓ પર પોસ્ટર્સથી ટીવી પર ફિલ્મ્સ માર્કેટિંગનો મોટો બદલાવ આવેલો, એવો જ બદલાવ થોડા વર્ષોથી ટીવીથી ઈન્ટરનેટ પર માર્કેટિંગને લઈને આવ્યો છે. પણ મોટાભાગે
ગીતો અને ડાન્સ પર નભતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આ ડાન્સર્સ થોડા મોડા યાદ આવ્યા એ નવાઈની
વાત છે.
ઘણી બધી ડાન્સ ચેલેન્જ સ્ટાર્સ એકબીજાની ફિલ્મ્સને પ્રમોટ કરવા માટે કરતા હોય છે. જેમ ફિલ્મ ‘અ ફ્લાઈંગ જટ્ટ’ ના ગીત ‘બીટ પે બૂટી’ પર કેટલાય એક્ટર્સે પોતાની ડાન્સ વીડિયો કલીપ અપલોડ કરી હતી. આ કે આ ટાઈપની કોઈપણ ચેલેન્જથી ફિલ્મને પ્રમોટ કરવાનું ચલણ વધ્યું છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના ગીત ‘ઢોલીડા’નો ઉપયોગ કરીને પ્રમોશનની આ સ્ટ્રેટેજી થોડી અલગ રીત સાથે અપનાવવામાં આવેલી.
આ ગીત પરની રીલ્સ કે શોર્ટ વીડિયોઝ વધુ લોકો સુધી પહોંચે એ માટે સ્ટુડિયોમાં સેટ લગાવીને આલિયા ભટ્ટ સાથે આ સોન્ગ પર ડાન્સ કવર્સ શૂટ કરવા માટે સામેથી જ રિયા કિશનચંદાની, સોનલ દેવરાજ, સોનાલી ભદૌરિયા, નગમા મિરાજકર, અવેઝ દરબાર, ભાવિન ભાનુશાલી, મેલ્વીન લુઈસ, શ્ર્વેતા વોરિયર, યોગેશ શર્મા, અનામ દરબાર, શ્ર્વેતા શારદા જેવા ક્ધટેન્ટ ક્રિએટર્સ, ડાન્સર્સ અને ઈન્ફ્લ્યુઅન્સર્સને આમંત્રણ આપવામાં આવેલું. હેતુ એ કે તેમના સ્પેસિફિક ફોલોઅર્સ સુધી પણ ગીત અને એના દ્વારા ફિલ્મ પહોંચે અને તેઓ પણ રીલ્સ બનાવે. જોકે આમ પણ ટ્રેન્ડિંગ સોન્ગ પર
રીલ્સ ન બનાવે ત્યાં સુધી યંગસ્ટર્સને ચેન નથી પડતું હોતું.
સ્પેશ્યલ ડાન્સ નંબર્સમાં જોવા મળતી નોરા ફતેહીની પોપ્યુલારિટીમાં પણ તેના ગીતો ‘દિલબર’, ‘કુસુ કુસુ’ પર બનેલા ડાન્સ કવર્સ અને તેના કોલાબ્રેશનનો ઘણો ફાળો છે. આવા કોલાબ્રેશનમાં મોટાભાગે પેમેન્ટ સિસ્ટમ નથી હોતી કેમ કે બંને બાજુ સરખો જ ફાયદો હોય છે. ડાન્સર્સને ફિલ્મ એક્ટર્સ સાથે વીડિયો કરવાથી નવી ઊંચાઈ મળે છે તો ફિલ્મ એક્ટર્સ ઓછી મહેનતમાં જ તેમની ટાર્ગેટ ઓડિયન્સ સુધી પોતાની ફિલ્મ્સ પહોંચાડવામાં સફળ થાય છે.
હમણાં જ રિલીઝ થયેલી ડિઝાસ્ટર ફિલ્મ ‘હિરોપંતી ૨’ના પ્રમોશનમાં પણ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જેમ જ આ ડાન્સ કવર્સનો આઈડિયા અજમાવવામાં આવેલો. તેના માટે પણ ટાઇગર શ્રોફ સાથે ડાન્સ શૂટ માટે આખા કાફલાને બોલાવવામાં આવેલો. ગયા વર્ષે યુટ્યુબ વર્સીસ ટીકટોકની લડાઈ જામી હતી. એ પછી તો ટીકટોક પોતે જ બેન થઈ ગયું પણ એ જ ટીકટોકના ક્ધટેન્ટ અને ફોર્મેટની કોપી યુટ્યુબ શોર્ટ્સના આ ડાન્સ કવર્સમાં પણ જોવા મળે છે.
વાત નવી માર્કેટિંગ સ્ટ્રેટેજીની છે, ફિલ્મ્સ સફળ થવા ન થવા પાછળ તો બીજા કારણો પણ જવાબદાર હોવાના. ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘જુગ જુગ જિયો’ની માર્કેટિંગ ટીમ તો આ સૌથી આગળ છે. હજુ ૨૨ એપ્રિલે તેનું ટ્રેલર રિલીઝ થયું છે પણ તેના સોન્ગ પર તેના એક્ટર્સ સાથેનો પ્રમોશનલ ડાન્સ વીડિયો તેમણે તેના ચાર દિવસ પહેલા જ એટલે કે ૧૮ મેના દિવસે જ રિલીઝ કરી દીધો હતો.
ફક્ત ફિલ્મ્સ જ નહીં આજકાલ મ્યુઝિક વીડિયોઝ પણ ઘણી સંખ્યામાં રિલીઝ થઈ રહ્યા છે. તેના પ્રમોશન માટે પણ આ જ પ્રકારે ડાન્સ રીલ્સ જાણીતા ક્ધટેન્ટ ક્રિએટર્સ સાથે બનાવવામાં આવે છે. આ રહ્યા થોડા લેટેસ્ટ ઉદાહરણો- બાદશાહ અને તમન્ના ભાટિયાનું ગીત ‘તબાહી’, ડેઈઝી શાહ અને તાહા શાહ બદુશાનું ગીત ‘ઈક વારી’, ધ્વનિ ભાનુશાલી અને આદિત્ય સીલનું ગીત મેરા યાર’, શાંતનુ માહેશ્ર્વરી અને અશનૂર કૌરનું ગીત ‘ટુટ ગયા’, ધ્વનિ ભાનુશાલી અને યુવાન શંકર રાજાનું ગીત ‘કેન્ડી’, આદિત્ય સીલ અને પલક તિવારીનું ગીત ‘મંગતા હૈ ક્યા’, હાર્ડી સંધુ અને પલક તિવારીનું ગીત ‘બિજલી બિજલી’. આ બધા જ એવા ગીતો છે જેની અઢળક રીલ્સ તો બની જ છે પણ સાથે તેના એક્ટર્સ ખુદ બીજા ડાન્સર્સ સાથે રીલ્સ બનાવીને પ્રમોશનમાં જોડાયેલા.
આ ડાન્સ કવર્સના ક્રેઝમાં ફિલ્મ એક્ટર્સ અને એક્ટ્રેસ પણ પોતાને ગમતા ગીતો પર ડાન્સ વીડિયોઝ બનાવે છે. અભિનેત્રી અદા શર્માની પોતાની યુટ્યુબ ચેનલ છે જેના પર તે આવા વીડિયોઝ પણ બનાવતી રહે છે. કોરિયોગ્રાફર અને યુટ્યુબર મેલ્વિન લુઈસની ચેનલ પર પણ સંદીપા ધાર, સના ખાન, અદા શર્મા, દીપ્તિ સતી, નરગીસ ફખરી, વગેરેના વીડિયોઝ જોવા મળે છે. અમાયરા દસ્તુર, વિકી કૌશલ, શક્તિ મોહન જેવા નામો પણ છે જે બીજાના ગીત અને ડાન્સ કવર્સ માટે ખુશીથી જોડાતા હોય છે. બસ હવે જોઈએ કે આ ટ્રેન્ડ ક્યાં સુધી ચાલે છે ને એમાં નવું શું-શું આવે છે!

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.