આખરે દેશદ્રોહી યાસીન મલિકને જનમટીપ

દેશ વિદેશ

નવી દિલ્હી: અહીંની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની કોર્ટે કાશ્મીરના ભાગલાવાદી નેતા અને પ્રતિબંધિત જમ્મુ ઍન્ડ કાશ્મીર લિબરેશન ફ્રંટના વડા યાસીન મલિકને ‘ત્રાસવાદ ફેલાવવા માટે ભંડોળ પૂરું પાડવાના કેસ’માં જનમટીપ ફરમાવી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ યાસીન મલિકને દેહાંતદંડ કરવાની કરેલી વિનંતિને ખાસ ન્યાયાધીશ પ્રવીણ સિંહે નકારી કાઢી હતી અને
તેને ત્રાસવાદ-વિરોધી ધારાની અને ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમ હેઠળ સજા ફરમાવી હતી.
ન્યાયાધીશે જણાવ્યું હતું કે યાસીન મલિકનો ગુનો બહુ જ ગંભીર પ્રકારનો છે. તે જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા પ્રયાસ કરતો હતો. વિદેશો અને ત્રાસવાદીઓની સહાયથી કરાતું આ કાર્ય વધુ ગંભીર ગણાય.
ન્યાયાધીશે ભારતીય દંડસંહિતાની કલમ ૧૨૧ અને ત્રાસવાદ-વિરોધી ધારાની કલમ ૧૭ હેઠળ જનમટીપ ફરમાવી હતી.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ યાસીન મલિક કાશ્મીરી પંડિતોની કત્લેઆમમાં સંડોવાયો હોવાનો આરોપ મૂક્યો હતો.
યાસીન મલિકે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે મેં ૧૯૯૪માં જ હિંસાનો માર્ગ છોડી દીધો હતો અને જાહેર કર્યું હતું કે હું મહાત્મા ગાંધીના શાંતિના માર્ગને અનુસરીશ. તે પછી એટલે કે અંદાજે ૨૮ વર્ષ દરમિયાન મેં ત્રાસવાદીઓને મદદ કરી હોવાના કોઇ પુરાવા નથી. હું વિશ્ર્વનાથ પ્રતાપ સિંહથી લઇને અટલ બિહારી વાજપેયી સુધીના બધા વડા પ્રધાનોને મળ્યો હતો. બુરહાન વાણીની હત્યા બાદ મને તુરત પકડવામાં આવ્યો હતો અને ૨૦૧૬ના નવેમ્બર સુધી જેલમાં રહ્યો હતો.
દરમિયાન, અદાલતના ચુકાદા બાદ કાશ્મીરમાં તકેદારીના પગલાં તરીકે મૉબાઇલ ઇન્ટરનેટ સેવા કામચલાઉ બંધ કરાઇ હતી.
આમ છતાં, ફાઇબર અને બ્રૉડબેન્ડ સહિતની ફિક્સ્ડ-લાઇન પરની ઇન્ટરનેટ સેવા ચાલુ રખાઇ છે.
અગાઉ, ૫૬ વર્ષીય યાસીન મલિકે અનેક વખત જેલમાં જવું પડ્યું હતું.
શ્રીનગરમાં ૧૯૬૬ની ત્રીજી એપ્રિલે જન્મેલા યાસીન મલિકે પાકિસ્તાનની આર્ટિસ્ટ સાથે લગ્ન કર્યા હતા અને તેને ૧૦ વર્ષની દીકરી છે. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.