આઈટી, એફએમસીજી શૅરોમાં વેચવાલીએ સતત બીજા સત્રમાં પીછેહઠ, સેન્સેક્સમાં ૧૮૫ પૉઈન્ટ અને નિફ્ટીમાં ૬૧ પૉઈન્ટનો ઘટાડો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટના મિશ્ર અહેવાલ, ક્રૂડતેલના ભાવમાં તેજી, નિસ્તેજ આર્થિક આંકડાઓ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ખાસ કરીને આઈટી, એફએમસીજી અને ફાર્મા શૅરોમાં રોકાણકારોની વેચવાલીનું દબાણ રહેતાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૧૮૫.૨૪ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૬૧.૮૦ પૉઈન્ટનો ઘટાડો આગળ વધ્યો હતો.
આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૫,૫૬૬.૪૧ના બંધ સામે સુધારાના ટોને ૫૫,૫૮૮.૨૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૫,૦૯૧.૪૩ અને ઉપરમાં ૫૫,૭૯૧.૪૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૩૩ ટકા અથવા તો ૧૮૫.૨૪ પૉઈન્ટ ઘટીને ૫૫,૩૮૧.૧૭ની સપાટીએ બંધ રહ્યો હતો.
આમ આજે સેન્સેક્સમાં અંદાજે ૭૦૦ પૉઈન્ટની અફરાતફરી જોવા મળી હતી. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૬,૫૮૪.૫૫ના બંધ સામે ૧૬,૫૯૪.૪૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૬,૪૩૮.૮૫થી ૧૬,૬૪૯.૨૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૬૧.૮૦ પૉઈન્ટ અથવા તો ૦.૩૭ ટકાના ઘટાડા સાથે ૧૬,૫૨૨.૭૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
યુરોપિયન યુનિયને રશિયન ક્રૂડતેલની આયાત સામે મૂકેલા આંશિક પ્રતિબંધના અહેવાલ સાથે ક્રૂડતેલના ભાવમાં સતત આગેકૂચ. તેમ જ ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં દેશનાં જીડીપીમાં ૮.૭ ટકાની વૃદ્ધિ જોવા મળ્યા બાદ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં જીડીપી વૃદ્ધિદર ઘટીને ૭.૨ ટકા આસપાસ રહેવાનો અંદાજ રિઝર્વ બૅન્કે મૂક્યો હોવાથી રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતી અપનાવી હતી. વધુમાં ગત મે મહિનામાં ઑટો વેચાણના જાહેર થયેલા ડેટા એકંદરે પ્રોત્સાહક રહ્યા હતા.
જોકે, દ્વીચક્રી વાહનો અને ટ્રેક્ટરનું વેચાણ દબાણ હેઠળ રહ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે ગત નાણાકીય વર્ષનાં ચોથા ત્રિમાસિકગાળામાં જીડીપી વૃદ્ધિદર ધીમો પડીને ૪.૧ ટકાની સપાટીએ રહ્યો હોવાથી તેમ જ સતત બે મહિના સુધી જીએસટીની વસૂલીમાં વધારો જોવા મળ્યા બાદ ગત મે મહિનામાં વસૂલી ગત એપ્રિલ મહિનાના રૂ. ૧.૬૮ લાખ કરોડ સામે ઘટીને ૧.૪૧ લાખ કરોડ રહેતાં બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
એકંદરે આજે સત્રના આરંભે મેટલ, પીએસયુ, ઑઈલ ઍન્ડ ગૅસના શૅરમાં રોકાણકારોની લેવાલીએ સુધારો જોવા મળ્યા બાદ આઈટી, ફાર્મા અને એફએમસીજી શૅરોમાં વેચવાલી વધતાં બૅન્ચમાર્કમાં પીછેહઠ જોવા મળી હોવાનું હેમ સિક્યોરિટીઝના હેડ મોહિત નિગમે જણાવ્યું હતું.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૨૦ શૅરના ભાવ ઘટીને અને ૧૦ શૅરના ભાવ વધીને બંધ રહેતા માર્કેટ બ્રેડ્થ નકારાત્મક રહી હતી. આજે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૨.૯૯ ટકાનો ઘટાડો નેસ્લેમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટેક મહિન્દ્રામાં ૨.૮૬ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૨.૪૪ ટકાનો, સન ફાર્મામાં ૨.૪૦ ટકાનો, એચસીએલ ટેક્નોલોજીસમાં ૨.૧૦ ટકાનો અને હિન્દુસ્તાન યુનિલિવરમાં ૧.૭૪ ટકાનો ઘટાડો આવ્યો હતો.
જ્યારે તેની સામે મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૧.૩૨ ટકાનો, એચડીએફસીમાં ૦.૯૪ ટકાનો, ટાટા સ્ટીલમાં ૦.૭૦ ટકાનો, કોટક મહિન્દ્રા બૅન્કમાં ૦.૬૯ ટકાનો, એચડીએફસી બૅન્કમાં ૦.૬૪ ટકાનો અને આઈટીસીમાં ૦.૪૪ ટકાનો સુધારો આવ્યો હતો.
વધુમાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં પાવર ઈન્ડેક્સમાં ૧.૭૦ ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૧.૫૧ ટકાનો, ટેક્નોલોજી ઈન્ડેક્સમાં ૧.૧૮ ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૧.૧૬ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૧.૧૫ ટકાનો અને આઈટી ઈન્ડેક્સમાં ૧.૦૪ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૦.૭૫ ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં ૦.૭૦ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૦.૪૬ ટકાનો, બૅન્કેક્સમાં ૦.૪૪ ટકાનો, સીપીએસઈ ઈન્ડેક્સમાં ૦.૪૧ ટકાનો અને પીએસયુ ઈન્ડેક્સમાં ૦.૩૮ ટકાનો સુધારો આવ્યો હતો.
ક્રૂડતેલના ભાવમાં એકતરફી તેજી સાથે ફુગાવામાં વધારો થવાની ચિંતા ઉપરાંત વ્યાજદરમાં વધારાની ભીતિ હેઠળ આજે વૈશ્ર્વિક ઈક્વિટી બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં એશિયન બજારોમાં શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર નરમાઈના ટોને બંધ રહી હતી અને ટોકિયોની બજાર સુધારા સાથે બંધ રહી હતી. તેમ જ યુરોપના બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૪૯ ટકા વધીને બેરલદીઠ ૧૧૭.૨૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૦૦૩.૫૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.