અસામાન્ય લોકોના અસામાન્ય મોત: કભી અલવિદા ના કહેના

ઉત્સવ

મિજાજ મસ્તી – સંજય છેલ

ટાઇટલ્સ: જીવન અને મોત એક સિક્કસની બે બાજુ છે (છેલવાણી)
હમણાં લોકપ્રિય ગાયક કેકેનાં અચાનક મોતથી ભલભલા સંગીતચાહકો હલી ગયા. બધી રીતે હેલ્ધી અને સ્વસ્થ કેકે અચાનક કોલકત્તાના એક હોલમાં પરસેવે રેબઝેબ થઇને ગૂંગળાવા માંડ્યો, બેચેની થવા માંડી પછી તરત હોટેલ પર લઇ જવાયો અને ત્યાં એનું મૃત્યુ થયું. આને આમ તો હાર્ટ એટેક કે કાર્ડીએક એરેસ્ટ કહેવાય પણ માત્ર ૫૩ વરસે કોઇ બીમારી કે વ્યસન વિના આમ ચાલી જવું મોતનો અણધાર્યો એટેક કહેવો પડે પણ આપણે આજે બીજી જાતના મોત વિશે વાત કરીશું… જિનિયસ લોકોના અસાધારાણ મોત વિશે થોડું જાણીશું.
ગાંધીજીના વિચારો પરથી શબ્દ બન્યો ‘ગાંધીઇઝમ’, કાર્લ માર્કસના વિચારો પરથી શબ્દ બન્યો ‘માર્કસીઝમ’. એ જ રીતે એક અદ્ભુત ક્રાંતિકારી કવિ પરથી શબ્દ બન્યો: ‘યેસેસીનીઝમ.’
એક રશિયન કવિ હતો યેસેનીન. એણે આપઘાત કરેલો મરતી વખતે કવિતા લખવા માટે એની પાસે કલમ નહોતી. તેણે છરીથી લોહી કાઢ્યું અને પોતાના લોહીથી વિદાય ગીત લખ્યું અને વિદાય લીધી. એના નામ પરથી, કોઈ નિરાશ વ્યક્તિ રંગરાગ અને દારૂના રવાડે ચડી જાય અને આપઘાત કરે તો, એની આ સ્થિતિને દર્શાવવા રશિયામાં એક શબ્દ વપરાય છે- યેસેસીનીઝમ. રશિયન ભાષા એ આ શબ્દ દ્વારા કવિને અંજલિ આપી અમર બનાવ્યો છે. (આપણે ત્યાં કોઈ અભિનેતા આપઘાત કરે તો તે ‘સુશાંત-સિન્ડ્રોમ’ કહી શકાય?) યેસેનીન ગ્રામ્ય કવિ હતો- આપણા રાવજી પટેલ જેવો. ગ્રામ્યજીવનનાં ગીતોથી લોકપ્રિય બન્યો. એટલામાં રશિયન ક્રાંતિ આવી, પણ એ ક્રાંતિનાં ગીતો ન લખી શક્યો. એને સરકારી પ્રચારક નહોતું બનવું, એટલે નાતબહાર મુકાયો. પછી જાણિતી અભિનેત્રી ઈસાડોરા ડંકન સાથે જોડાયો પણ ત્યાં એનું એકાન્ત વહેંચાયું નહીં, પણ વધ્યું. ઘણી અભિનેત્રીઓને કવિઓ-લેખકો પ્રત્યે અદમ્ય આકર્ષણ હોય છે.
જેમ કે- મેરલિન મનરો નાટ્યલકાર આર્થર મિલરને પરણી હતી (કાશ, આપણે ત્યાં પણ એવા દિવસો આવે!) પણ ઇસાડોરાની સાથે ય યેસેનીનને ના જામ્યું. છેવટે ૧૯૨૫ના ડિસેમ્બરની ૨૪ તારીખે એ લેનિનગ્રાન્ડ આવ્યો ને હોટલમાં રહ્યો. મિત્રોને મળવા પ્રયત્નો કર્યા પણ કોઈ ન મળ્યું. ત્રણ દિવસ પછી તેણે પોતાના હાથ પર ઘા કર્યા અને લોહીથી લખ્યું કે “મરવામાં કંઈ જ નવું નથી જીવવામાં યે શું નવું છે? ને તેણે બગાવત કરી, જીવન સામે અને મૃત્યુની ગોદમાં વિરામ લીધો.
આપણા મહાન કવિ કલાપીએ લખ્યું હતું કે- નથી નથી મુજ તત્ત્વો વિશ્ર્વ સાથે મેળ લેતાં, હૃદય મમ ઘડાયું, અન્ય કો વિશ્વ માટે!
ઇંટરવલ:
નીંદ તો દર્દ કે બિસ્તર પર ભી આ જાતી હૈ
ઉસ કે સિરહાને સર રખના ઝરુરી તો નહીં
જો કે વધુ સંવેદનશીલ વ્યક્તિની આ જ નિયતી હોય છે. થોડા સમય પહેલાં ગુજરાતીના ભાષાશાસ્ત્રી , વિદ્વાન પ્રોફેસરે પોતાની પત્ની સાથે આત્મહત્યા કરી. એવું તે શું કારણ હશે જે કવિઓને – સર્જકોને – વિચારકોને ચિંતકોને આત્મહત્યા તરફ દોરી જાય છે? (ગુજરાતી ચિંતકો આ બાબતે સુખી છે) મોતનું એવું તે કયું આકર્ષણ છે, જે મેધાવી વ્યક્તિઓને પોતાની તરફ આકર્ષે છે? કે પછી જિંદગી પ્રત્યે એવી તે કેવી નફરત થઈ જાય છે કે માનવી મોતના ખોળામાં શાંતિ શોધવા જઈ પહોંચે છે?
મોટાભાગના સર્જકોનું, મહાન પુરૂષોનું મોત એમનાં જીવન જેટલું ભવ્ય નથી હોતું. ભગવાન રામે સરયુ નદીમાં જલસમાધિ લીધેલી. શ્રીકૃષ્ણને એક સામાન્ય પારધિ એ બાણ માર્યું. ભગવાન બુદ્ધને ફૂડ પોઇઝનિંગ થઇ ગયેલું. મહાત્મા ગાંધી ગોળીએ દેવાયા. સોક્રેટીસ ને ઝેર પાયું. ઈસુ ખ્રિસ્તને ખીલ્લાથી જડી દીધા. કેટલાય સર્જકોએ પોતાના જીવન ટૂંકાવવાનો પોતાનો અબાધિત અધિકાર સાબિત કરી બતાવ્યો છે. ગુરૂદત્ત જેવા સંવેદનશીલ ફિલ્મ દિગ્દર્શકને એમની એકલતા ને ડિપ્રેશનને શેર કરવા એક રાતે કોઈ ના મળ્યું તો એમણે નીંદની ગોળીથી મોતને આમંત્રણ આપ્યું. શું કારણ હોય છે આવી કરુણાંતિકાનું? થોડું વિચારીએ.
જે વિરલ પ્રતિભાઓ હોય છે, તે નિતાંત એકલી હોય છે. જિનીયસ વ્યક્તિને સમજીને તેની
સાથે વાત કરી શકે કે રહી શકે કે તેને પ્રેમ કરી શકે, એવી વ્યક્તિ જવલ્લે જ મળતી હોય છે. એટલે પોતાની સર્જકતા સાથેના યુદ્ધમાં કે જાત સાથે કે સમાજ સાથેના મુકાબલામાં આવી વ્યક્તિએ એકલા હાથે જ લડવું પડતું હોય છે. ને એનો થાક ઉતારવા માટે પણ કોઈનો ખોળો કે આંસુ સારવા કોઈનો ખભો મળતો નથી. વળી એમના મૂડ પણ એટલા સ્વિંગ કે તરંગિત થતા રહેતા હોય છે કે એને સમજવાનું સામાન્ય જનનું ગજું નથી હોતું. આવા સર્જકો સમાજનાં બદલાતાં મૂલ્યો સાથે સહમત નથી થઈ શકતા. તે જાતને બદલી નથી શકતા ને છેવટે સમાજ સાથે સમજોતા કરવાને બદલે બગાવત રૂપે આ દુનિયા છોડીને ચાલી નીકળતા હોય છે. આજે આવા જ એક રશિયન કવિની વાત કરવી છે.
પેલા જિનિયસ રશિયન કવિ યેસેનીનને પણ જો પ્રેમભર્યો સાથ મળ્યો હોત તો તે કદાચ જીવી ગયો હોત. જો કે વધુ સંવેદનશીલ વ્યક્તિની આ જ નિયતી હોય છે. કબીરજીએ કહ્યું છે ને કે-
સુખીયા સબ સંસાર હૈ, ખાવે ઔર સોવે
દુખીયા દાસ કબીર હૈ, જાગે ઔર રોવૈ.
જે જાગે છે એના ભાગે જ પીડા આવતી હોય છે એણે જ સહન કરવું પડતું હોય છે. ઉંઘનારાઓની જમાત સુખી હોય છે. તો મળે છે એટલી શિયાળાની ઉંઘ માણી લો!
એંડ ટાઇટલ્સ:
ઇવ: તું સૂઈ ગયો?
આદમ : હા , ક્યારનોય !

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.