Homeપુરુષઅરે લાઈ દો, લાઈ દો,લાઈ દો, આસામ કા કાજી નેમુ લાઈ...

અરે લાઈ દો, લાઈ દો,લાઈ દો, આસામ કા કાજી નેમુ લાઈ દો!

કવર સ્ટોરી-હેન્રી શાસ્ત્રી

ઔહતા ગામનું લીંબુ યુકે અને દુબઈની માર્કેટમાં વેચાઈને સ્થાનિક રહેવાસીઓનું ભોજન સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવી રહ્યું છે
———————-ભારતીય મૂળના રિશી સુનક યુકેના વડા પ્રધાન બન્યા પછી ગ્રેટ બ્રિટનના રાજતંત્ર અને અર્થતંત્રને એનો કેટલો લાભ થશે એ તો આવનારો સમય કહેશે. સાથે જાણવા જેવી વાત એ પણ છે કે ઈશાન ભારતના સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતા રાજ્ય ઘટકના એક રાજ્ય આસામનું કાજી નેમુ તરીકે ઓળખાતું લીંબુ બ્રિટિશ નાગરિકોના ભોજનને સ્વાદિષ્ટ અને ગુણકારી બનાવી એમના પાચનતંત્રને સુદૃઢ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આસામી લોકોની થાળીમાં જોવા મળતી લીંબુની આ જાત આંતરરાષ્ટ્રીય સીમાડા ઓળંગી લંડન અને સાથે સાથે દુબઈના રહેવાસીઓના ભોજનની શાન બની રહી છે. વિટામિન સી સહિત આરોગ્ય સંબંધિત અન્ય કેટલાક ગુણો ધરાવતા આ લીંબુનો સ્વાદ વિદેશીઓની જીભે એ હદે ચડી ગયો છે કે એની છાલ અને એના પાનને ફેંકી દેવાને બદલે એનો યોગ્ય ઉપયોગ કરવાને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. આયુર્વેદમાં લીંબુનો અનેરો મહિમા ગવાયો છે. લીંબુની છાલ હાડકાની મજબૂતી માટે ઉપયુક્ત માનવામાં આવે છે, કારણ કે એમાં વિટામિન સી અને કેલ્શિયમનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે. હાડકાંની જાળવણી અને મજબૂતી માટે આ બંને ચીજ કેટલું મહત્ત્વ ધરાવે છે એ જાણકારી પ્રચલિત છે. એનું નિયમિત સેવન હાડકાંની તકલીફ માટે લાભકારક સાબિત થઈ શકે છે. આસામના લીંબુના ઝાડના પાંદડા સુદ્ધાં લેમન કેકના ગાર્નિશીંગમાં વપરાય છે અને એની ચા ગુણકારી ગણાય છે. આપણી દેશી પદ્ધતિની ચા વિદેશમાં ઓછી સ્વીકાર્ય હોય છે. એ પરિસ્થિતિમાં લીંબુની ચાના વિકલ્પને સારો આવકાર મળે એ સ્વાભાવિક છે. લીંબુના પાનની મદદથી બનતી સોડા અમુક શારીરિક તકલીફમાં આરોગ્યવર્ધક સાબિત થતી હોવાની માન્યતા છે. એકંદરે આસામના કાજી નેમુ લીંબુના ગુણનો લાભ દેશાવરના લોકો પણ લઈ રહ્યા છે. આસામી લોકો માંસાહારી હોય છે, પણ એમની થાળીમાં ભાત અને લીલા શાકભાજી પણ પીરસાયેલા હોય છે. બધી વરાયટી સાથે થાળીમાં કાજી નેમુ લીંબુની ચીરીની અચૂક હાજરી હોય છે.
—————–
આસામ કૃષિ વિદ્યાપીઠ
આસામ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીની વેબસાઈટમાં આપેલી માહિતી અનુસાર ઈશાન ભારતમાં અને ખાસ કરીને આસામમાં ખટાશવાળા ફળ (સાઈટ્રસ ફ્રૂટ)નું ઉત્પાદન બહોળા પ્રમાણમાં જોવા મળે છે. રાજ્યમાં અનેક ઠેકાણે જોવા મળતું અને અત્યંત લોકપ્રિય ખટાશ ધરાવતું ફળ છે કાજી નેમુ (આસામનું લીંબુ). લીંબુની આ જાત આસામમાં જ જોવા મળે છે અને એની ગુણવત્તાને કારણે રસોઈમાં, પીણામાં, ઔષધમાં તેમજ ઉદ્યોગોમાં એનો ઉપયોગ જોવા મળે છે. સામાન્યપણે જોવા મળતા લીંબુ કરતા એ કદમાં મોટું હોય છે અને ઝૂમખામાં ઉગતા આ લીંબુમાં બી નથી હોતા – સીડલેસ હોય છે. કાજી નેમુનું ઉત્પાદન આખું વર્ષ થાય છે, પણ ફેબ્રુઆરી – માર્ચ તેમજ ઓક્ટોબર – નવેમ્બર એની પીક સીઝન ગણાય છે. આસામમાં મળતા અન્ય લીંબુની સરખામણીમાં કાજી નેમુ સ્વાદ – સુગંધમાં નોખું તરી આવે છે. ઝાડ પર ફળ પાકી જાય તો પણ લાંબા સમય સુધી નીચે ખરી નથી પડતું. કાજી નેમુની જાત અકસ્માતે વિકસી હતી. હશરા નામના ગામમાં ચાઈના – કાધી નામની જાતનું લીંબુ ઊગતું હતું. એ જાત પર કોઈ અખતરો કરતી વખતે અનાયાસે બી વગરનું કાજી નેમુ પ્રાપ્ત થયું હતું. એની ઉપયોગિતા જાણ્યા પછી એનું નિયમિત ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું.
————-
લંડન કોલિંગ
ગુવાહાટી આસામનું અગ્રણી શહેર છે.અહીંથી આશરે સો એક કિલોમીટર દૂર ઔહતા નામનું એક ગામ છે. આ ગામ એક સમયે ઉલ્ફાના વિદ્રોહીઓને ટ્રેઈનિંગ આપતા કેન્દ્ર તરીકે જાણીતું હતું. આજે આ જ ગામ બડા બડા નીંબુડાને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂક્યું છે. અહીંના ખેતરોમાં તેમજ અન્ય ગામોમાં ઊગતા લીંબુના સુગંધ અને સ્વાદ સરહદ ઓળંગી દુબઈ અને લંડન પહોંચી ગયા છે. મજેદાર વાત એ છે કે ઔહતાનો અર્થ આસામીઝ ભાષામાં દુર્ગમ (જ્યાં પહોંચવું મુશ્કેલ હોય) થાય છે, પણ એ જ દુર્ગમ ગામના લીંબુ દેશાવર પહોંચતા ગામના ખેડૂતો ખાટાં ફળના મીઠા ફળ ખાતા થયા છે. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ ડેવલપમેન્ટ એન્ડ ઓથોરિટી તેમજ બક્સાના ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનરના સંયુક્ત પ્રયાસોને આભારી છે. ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર આયુષ ગર્ગ જણાવે છે કે ‘અગાઉ ખેડૂતો આ લીંબુ પ્રતિ કિલો ૯ – ૧૦ રૂપિયામાં વેચતા હતા. આંતરરાષ્ટ્રીય માંગને કારણે એ જ લીંબુ ૩૫ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. સ્થાનિક બજારમાં પીક સીઝનમાં એક લીંબુ ફક્ત ૪૦ પૈસામાં વેચાતું હતું. વિદેશી નિકાસને કારણે હવે ખેડૂતોના દિવસો બદલાઈ ગયા છે. જીઆઈ રજિસ્ટ્રેશન અને આ લીંબુની ખાસિયતના પ્રચારના લાભને પગલે વર્ષે એક લાખ ટન કાજી નેમુ જાતિના લીંબુ ઉગાડતું રાજ્ય પણ આત્મનિર્ભર થવાની દિશામાં આગળ વધી શકશે.’ લીંબુની સફળ વિદેશ યાત્રા અંગે બીજા એક મુદ્દા પર ધ્યાન દોરતા મિસ્ટર ગર્ગ કહે છે કે ‘વાતચીતમાં મને જાણકારી મળી કે હવે લંડનમાં ઘણા આસામી લોકો રહે છે જેમને ઘરે ખાતા એ વાનગી ખાવા મળે એવી તીવ્ર ઈચ્છા હોય છે. (ગુજરાતીઓ
લંડન અને ન્યૂ યોર્કમાં પણ ખાખરા – થેપલા શોધતા હોય છે). મારી નિયુક્તિ બક્સામાં થઈ ત્યારે એ વાત મને યાદ આવી ગઈ અને આવી વસ્તુ એક્સપોર્ટ કરવા માટે અનુકૂળ જગ્યાની જે મને તલાશ હતી એમાં લંડન ફિટ બેસી ગયું.’
શકલ બદલાઈ ગઈ
લીંબુની ખેતીને કારણે ઔહતા ગામનો ચહેરો જ બદલાઈ ગયો છે. ખેડૂતોનું બેન્ક બેલેન્સ વધી રહ્યું છે. મોટાભાગના ખેડૂતોનો મુખ્ય પાક ડાંગર છે પણ પોતાની જમીનનો એક ચોક્કસ હિસ્સો લીંબુના ઝાડની ખેતી માટે અનામત રાખવામાં આવે છે. બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી એગ્રો પ્રોડ્યુસર કંપની કાજી નેમુના વેચાણ વધારા માટે તેમજ ખેડૂતોને વધુ સારું વળતર મળે એ માટે કોશિશ કરી રહી છે. યુકેમાં આ લીંબુના વેચાણ સાથે સંકળાયેલા વેપારીના કહેવા અનુસાર ‘અગાઉ ભારતીયો તેમજ બાંગ્લાદેશીઓ જ આ લીંબુની ખરીદી કરતા. હવે તો અંગ્રેજ ગ્રાહકો પણ એની ખરીદી કરવા લાઈનમાં ઊભા રહેતા જોવા મળે છે. વિશિષ્ટ સ્વાદ – સુગંધને કારણે લોકો એનો ઉપયોગ કોકટેલમાં પણ કરવા લાગ્યા છે.’ યુકેની કેટલીક રેસ્ટોરાંમાં પણ ભારતીય અને યુરોપિયન ડીશમાં કાજી નેમુનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એગ્રો પ્રોડ્યુસર કંપનીના અધિકારીના કહેવા અનુસાર ‘નરેન્દ્ર મોદીની સરકારના સહયોગ અને ઉત્તેજનને કારણે સ્થાનિક બનાવટોનું વેચાણ વિશ્ર્વની બજારોમાં થઈ રહ્યું છે. હૈયે આશા બંધાઈ છે કે દુબઈ અને લંડનની માફક અન્ય દેશ અને ખાસ કરીને ભારતના અન્ય રાજ્યો પણ આસામના કાજી નેમુનો સ્વાદ લેવા ઉત્સુક બનશે.’ વાત સમજવા જેવી છે. અને હા, કાજી નેમુએ છલાંગ તો સરસ મારી છે, પણ આ શુભ શરૂઆત કાજી નેમુના વેચાણનો વધુ વિસ્તાર કરવામાં નિમિત્ત બને એ આશા અસ્થાને નથી.
—————–
ઓળખો કાજી નેમુને
ઉત્પાદનના દ્રષ્ટિકોણથી લીંબુ એક સામાન્ય ફળ છે જે ભારતમાં અનેક ઠેકાણે થાય છે. અંગ્રેજીમાં કઈંખઊ – કઊખઘગ – જઠઊઊઝ કઈંખઊ શબ્દો છે. લાઇમ અને લેમનમાં ઘણું સામ્ય છે. આરોગ્ય માટે બંને લગભગ સરખા ગુણકારી ગણાય છે. બંને ફળો આમ્લ પ્રકૃતિના અને ખટાશ ધરાવે છે. બંનેમાં ફરક રંગ અને સ્વાદનો છે. લાઇમ રંગે લીલા અને કદમાં નાનકડા અને ગોળ હોય છે જ્યારે લેમન પીળા રંગના હોય છે, પણ કદમાં થોડા મોટા અને અંડાકાર હોય છે. સ્વાદમાં લાઇમ તૂરા હોય છે અને લેમન સરખામણીમાં સ્વીટ હોય છે. સ્વીટ લાઇમ એટલે આપણે જેને મોસંબી તરીકે ઓળખીએ છીએ. મોસંબીનો રસ ગુણકારી ગણાય છે. લીંબુની ખેતી ભારતના અનેક રાજ્યોમાં થાય છે. ઉત્પાદનની દ્રષ્ટિએ સૌથી વધુ લીંબુનો પાક આંધ્ર પ્રદેશમાં થાય છે. મહારાષ્ટ્ર બીજા અને ગુજરાત પાંચમા ક્રમે આવે છે. આસામ ઉત્પાદનની દ્રષ્ટિએ પાછળ છે, પણ અહીંયા કાજુ નેમુ તરીકે ઓળખાતા લીંબુને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. ૨૦૨૦માં જીઆઇ ટેગ મેળવનાર આ લીંબુ ટેબલ ટેનિસના બોલ જેવું ગોળાકાર હોય છે.
ઉત્તર ભારતમાં જોવા મળતી વરાયટી કરતા કાજુ નેમુ ત્રણ ગણું મોટું હોય છે અને એમાં રસનું પ્રમાણ પણ વધારે હોય છે. આખું વર્ષ ફળ આપતું હોવાથી ઉત્પાદન માટે સાનુકૂળ ગણાય છે. અન્ય મહત્ત્વની વાત એ છે કે વજનદાર હોવા છતાં સીડલેસ વરાયટીનું આ ફળ પોતાની મેળે વૃક્ષ પરથી નથી પડતું. પરિણામે નુકસાનનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે. ઉત્પાદનના દ્રષ્ટિકોણથી એક જાણવા જેવી વાત એ છે કે લીંબુના ઝાડની બાજુમાં અનાનસ. પપૈયા અને ડ્રેગન ફ્રૂટ જેવા ફળનું ઉત્પાદન કરી શકાય છે જેના વેચાણથી આવકમાં વધારો થાય છે. લીંબુનું ઉત્પાદન
ઈન્ડોર પ્લાન્ટ તરીકે થઈ શકે એ દિશામાં પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
કાજી નેમુ ઉપરાંત આસામના મુગા સિલ્ક, કાર્બી આદુ, તેજપુર લીચી, બે વરાયટીના ચોખા તેમ જ ચોખામાંથી બનતા વાઈનને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. કોઈ ઉત્પાદનને ભૌગોલિક સ્થાન સાથે જોડી દેવામાં આવતા એ ઉત્પાદનને જીઆઈ ટેગ મળે છે. આનો લાભ એ થાય છે કે અન્ય કોઈ ઉત્પાદક એ નામથી વેચાણ નથી કરી શકતો. દાર્જિલિંગ ટી (દાર્જિલિંગની ચા) ભારતમાં જીઆઈ ટેગ મેળવનાર પ્રથમ ઉત્પાદન (૨૦૦૪ – ૦૫) ગણાયું છે.

RELATED ARTICLES

Most Popular