અરરર! ‘જોરદાર’ અને ‘ધાકડ’, બોલીવૂડ ખતમ?

મેટિની

ફિનિશિંગ લાઇનથી બોલીવૂડ કેટલું નજીક, કેટલું દૂર?

શો-શરાબા-દિવ્યકાંત પંડ્યા

આજકાલ દક્ષિણ ભારતીય ઈન્ડસ્ટ્રી બોલીવૂડ પર ભારે પડી રહી છે ને બોલીવૂડ હવે ખતમ થઈ ગયું છે એવી ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે. એક પછી એક દક્ષિણ ભારતીય ફિલ્મ્સ એકથી વધુ ભાષામાં ડબ થઈને આખા ભારતમાં છવાઈ રહી છે તો સામે મૂળ હિન્દી ફિલ્મ્સ ક્યારેય ન ગઈ હોય એ હદે ધડાધડ નિષ્ફ્ળ જઈ રહી છે, પણ આ સરખામણી પર ઘણું કહેવાઈ ચૂક્યું છે એટલે આપણે આજે એ જોઈએ કે બોલીવૂડ ખતમ થઈ ગયું છે આ વાક્યનો મતલબ શું થાય અને તેમાં કેટલી સચ્ચાઈ છે?
બોલીવૂડ એટલે મૂળ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી. આ ઈન્ડસ્ટ્રી ખતમ થઈ ગઈ છે આ વાક્યના બે પ્રસ્તુત મતલબ છે. એક તો એ કે હિન્દી ફિલ્મ્સની ગુણવત્તાનો સ્તર સાવ નબળો પડ્યો છે. બીજો મતલબ એ કે હિન્દી ફિલ્મ્સ હવે પહેલાં જેટલી કમાણી કરવામાં અક્ષમ સાબિત થઈ રહી છે. આ બંને મતલબ માટેનો પુરાવારૂપ રોષ સોશિયલ મીડિયા પર દર્શકવર્ગ છેલ્લા ઘણા સમયથી નોંધાવી રહ્યો છે. કોઈ પણ નવી ફિલ્મનું પોસ્ટર કે ટ્રેલર આવે કે લોકો તેના ક્ધટેન્ટની વાત કર્યા વિના જ તે ફિલ્મને અવગણવાની વાત કરવા લાગે છે. તમે યુટ્યુબ કે ફેસબુકમાં નજર ફેરવશો તો કારણ દર્શાવ્યા વિનાની બોયકોટ બોલીવૂડની અનેક કમેન્ટ્સ દેખાશે.
દર્શકોમાં બોલીવૂડ સામે આ પ્રકારના વિરોધ પાછળ કયાં કારણો હોઈ શકે? એક તો સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી નેપોટિઝમની ઓલરેડી ચાલતી ચર્ચાને ખૂબ ઈંધણ મળ્યું. એ સાથે જ ડર્ટી ગ્લેમર વર્લ્ડ અને ડ્રગ્સની દુનિયા તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું ચિતરામણ વધ્યું એ સાથે લોકોમાં નફરત પણ વધી. તેમની પાસે ઓટીટી પ્લેટફોર્મ્સ તો હતાં જ મનોરંજન માટે ને એમાં કોવિડની મહામારીના કારણે થિયેટર્સ બંધ થવાથી એ જ સમયે ફિલ્મ્સથી લોકોનું અંતર પણ વધ્યું. એમાં પણ એક સવાલ એ આવે છે કે ઓટીટી પર શોઝ અને ફિલ્મ્સ બનાવનાર પણ ઈન્ડસ્ટ્રીના જ એક્ટર્સ, પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ હોય છે, પણ તેમની સામે આવો રોષ કેમ નહીં જોવા મળતો હોય? લોકો ક્યાંક થિયેટરમાં રિલીઝ થતી ફિલ્મ્સને જ બોલીવૂડ નહીં ગણતા હોયને? ખેર, આ કે પછી ફિલ્મ્સની નબળી ગુણવત્તાને લઈને ફિલ્મ્સથી દૂરી રાખવી જેવી અક્કલ દોડાવવા કરતાં કદાચ બોયકોટનું જે એક સામૂહિક વલણ છે તેની સાથે જોડાવાનું લોકોને વધુ મુનાસિબ લાગતું હશે.
પેન્ડેમિકની અસર હળવી થઈ પછી હિન્દી ફિલ્મ્સની સામે સૌ જાણે છે એમ ‘બાહુબલી’ પછી ડબિંગ, કાસ્ટિંગ અને માર્કેટિંગની દૃષ્ટિએ પાન ઈન્ડિયા ફિલ્મ્સના દોરમાં માસ અપીલવાળી મૂળ દક્ષિણ ભારતીય ફિલ્મ્સને લોકોએ વધુ પસંદ કરી. ડિજિટલના ચોરા પર ચર્ચા એ પણ છે કે નેપોટિઝમવાળાની રીમેક્સ નહીં, પણ સાઉથના એક્ટર્સની ઓરિજિનલ ફિલ્મ્સ જ અમે જોઈશું. હા, આ વાત સાચી, પણ આખી નહીં. બોલીવૂડ રીમેક્સ વધુ બનાવવા લાગ્યું છે, પણ ‘આરઆરઆર’ને પણ રાજામૌલીના ગ્રાન્ડ વિઝનના બદલે બોલીવૂડની નેપોટિઝમ નફરત સામે હીરો બનાવનારા દર્શકો એ ભૂલી જાય છે કે તેના લીડ એક્ટર્સ રામચરણ અને જુનિયર એનટીઆર પણ ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવે છે.
ટ્રેડ એક્સપર્ટ રમેશ બાલાનું કહેવું છે કે ‘બોલીવૂડ છેલ્લાં ઘણાં વર્ષોથી માસ માર્કેટને અવગણી રહ્યું છે અને એટલે જ સાઉથની ફિલ્મ્સની અચાનક ડિમાન્ડ વધી રહી છે. બહુ જ ઓછા એક્ટર્સ છે જે અત્યારે માસ ઓડિયન્સ માટે ફિલ્મ્સ બનાવી રહ્યા છે.’ સિંગલ સ્ક્રીન એક્ઝિબિટર્સ કહે છે કે ‘બોલીવૂડ અમને ભૂલી ગયું છે.’ થિયેટર માલિક અને ટ્રેડ એક્સપર્ટ વિવેક ચૌહાણનું કહેવું છે કે ‘સામાજિક કહાણી દર્શકોની જરૂરત નથી. ફિલ્મમેકર્સનું કામ છે લોકોને મનોરંજન આપવાનું. ફિલ્મ્સ શિખામણ આપતો મોટો ભાઈ બની જાય તે ન ચાલે. ‘સ્પાઈડર-મેન’ જુઓ, એ ફન રાઈડ છે, સામાજિક સંદેશની ભરમાર નથી એટલે લોકોને ગમે છે. અલ્લુ અર્જુનની ‘પુષ્પા’નો બીજો ભાગ હવે હિન્દીના થિયેટર અને સેટેલાઇટ માર્કેટને વધુ ખોલશે એ નક્કી છે.’ વાત તો સાચી, મસાલા ફિલ્મ્સ એક્ટર્સ અજય દેવગણ ‘આર આર આર’ અને સંજય દત્ત ‘કેજીએફ – ૨’માં સપોર્ટિંગ રોલ કરી લે, પણ મૂળ હિન્દીમાં કેમ એવી મજેદાર ફિલ્મ્સ હાલમાં નહીં બનાવતા હોય?
અંશત: આ કારણોસર બોલીવૂડ ખતમ થઈ ગયું છે તેવાં ગીતો ગવાઈ રહ્યાં છે. હવે આપણે પાછા આવીએ આપણા પેલા બે મતલબવાળા અર્થઘટન પર. ફિલ્મ્સ કમાણી કરતી નથી એ દાવા પર બોલીવૂડને ખતમ કરવાની વાત થતી હોય ત્યાં પણ આંકડાઓ કંઈક બીજી જ વાત કરે છે. આ ક્ષેત્રમાં અનપ્રેડિક્ટિબિલિટી એટલી છે કે સારા રિવ્યુઝ છતાં મનોરંજક ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ ફ્લોપ જાય અને રણવીર સિંહ સ્ટારર હોવા છતાં ફિલ્મ પિટાઈ કહીને બોલીવૂડ પર માછલાં ધોવાતાં હોય ત્યાં જ મિક્સ રિવ્યુઝ છતાં દર્શકો દોટ મૂકીને ‘ભૂલભુલૈયા-૨’ને જબરું ઓપનિંગ અપાવી દે તેવા કિસ્સાઓ બને છે. હા, એ સાથે જ ‘ધાકડ’ને શરમજનક ઓપનિંગ પણ મળે છે. જે અક્ષય કુમાર એકલો સેવિયર ગણાતો તેની જ ‘બચ્ચન પાંડે’ અને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ લાગલગાટ ફ્લોપ પણ જાય છે અને એ વાત પણ સો ટકા સાચી કે ૨-૩ વર્ષ પહેલાં જે આસાનીથી ૧૦૦-૨૦૦-૩૦૦ કરોડ ક્લબમાં ફિલ્મ્સ સામેલ થતી એ અત્યારે નથી થઈ રહ્યું. એટલે જ તો વધુ ટિકિટ પ્રાઈઝથી ‘૮૩’ના શરૂઆતના દિવસોમાં વખાણ સાથે સારી કમાણી છતાં તરત વળતાં પાણી ચાલુ થાય એ પરથી શીખીને ‘ભૂલભુલૈયા-૨’ અને ‘જનહિત મેં જારી’ જેવી ફિલ્મ્સ ૧૦૦-૧૫૦ના વર્ષો જૂના ટિકિટ દરો રાખી માર્કેટિંગના નામે કમાણી કરવા મજબૂર થાય છે, પણ આખરે ઓટીટી કે થિયેટર કોઈ પણ
જગ્યાએ વ્યુઝ અને કલેક્શનના પોઝિટિવ આંકડાઓ ‘સૂર્યવંશી’, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ થકી આવતા રહે ત્યાં સુધી બોલીવૂડ ખતમનો થપ્પો કેમ મારી શકાય!
હવે આ વાક્યના બીજા અર્થને જોઈએ. શું હિન્દી ફિલ્મ્સની ગુણવત્તા સાચે જ ખરાબ થઈ છે? જવાબ છે હા. શું બધી જ ફિલ્મ્સ નબળી બની રહી છે? જવાબ છે ના. તો શું બોલીવૂડ ગુણવત્તાની દૃષ્ટિએ ખતમ થઈ ગયું કહેવાય? જવાબ છે ના. ફિલ્મમેકર્સને સારી ફિલ્મ્સ બનાવતાં આવડે છે, પણ ઘણી વખત તેઓ ઓડિયન્સને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે છે જેનાં મોટાં ઉદાહરણો છે, ‘ભુજ’, ‘રાધે’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’, વગેરે. મોટા સ્ટાર્સની આ ફિલ્મ્સમાં સિનેમા પ્રત્યેનું ડેડિકેશન નથી દેખાતું. દર્શકોને સિનેમેટિક ટેક્નિકાલિટીમાં કદાચ ન ખબર પડે, પણ ફિલ્મની વાર્તા અને પર્ફોર્મન્સીસ જેવી સામાન્ય બાબતોમાં દિલથી મહેનત કરાઈ છે કે નહીં એ તો તેમને ખબર પડી જ જાય છે. છતાં આ ફિલ્મ્સ વચ્ચે છેલ્લા દોઢ વર્ષની એક યાદી જોઈએ જે સાબિત કરે છે કે અમુક ફિલ્મ્સ સારી બને છે અને વિવેચકો અને સામાન્ય દર્શકોને ગમે છે – ‘રામપ્રસાદ કી તેરવી’, ‘શેરની’, ‘સંદીપ ઔર પિંકી ફરાર’, ‘પગલૈટ’, ‘મિમિ’, ‘શેરશાહ’, ‘સરદાર ઉધમ’, ‘અતરંગી રે’, ‘શર્માજી નમકીન’, વગેરે. જ્યાં સુધી આવી યાદી બનતી રહે ત્યાં સુધી કેમ કહી શકાય કે બોલીવૂડ ખતમ?
કદાચ મનોરંજન દેવનું જ આ કામ હશે બોલીવૂડ-ફોલીવૂડ નામને હંમેશ માટે આહુતિ આપીને એક સારી અને સફળ આખી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી સ્થાપિત કરવાનું! શું કહો છો?

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.