રાજ ઠાકરેનો વાળ પણ વાંકો થશે તો…
મુંબઈ: રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાત પહેલાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા મુંબઈમાં જોરદાર વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. તેના જ એક ભાગ તરીકે લાલબાગ અને શિવરી વિસ્તારમાં મનસેએ અમુક બેનરો લગાવ્યાં છે. રાજ ઠાકરેનો વાળ પણ વાંકો થશે તો આખું મહારાષ્ટ્ર ભડકે બળશે, એવા શબ્દોમાં બેનર ઝળકી રહ્યાં છે. આવું કહીને મનસે નક્કી કોને ઈશારો કરી રહી છે, એવો સવાલ ઊભો થયો છે.
થોડા દિવસ પહેલાં મસ્જિદ પર લાઉડ સ્પીકરના વિરોધમાં આંદોલન છેડ્યું હોવાને કારણે રાજ ઠાકરે અને બાળા નાંદગાંવકરને ધમકી આપવામાં આવી હતી. બાળા નાંદગાંવકરે ત્યાર બાદ ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલની મુલાકાત લઇને આ પ્રકારની તાબડતોબ ગંભીર દખલ લેવી, એવી માગણી કરી હતી. તો બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહે ઉત્તર ભારતીયોનું અપમાન કરનારા રાજ ઠાકરેને અયોધ્યામાં પગ રાખવા નહીં દઇએ, એવી ગર્જના કરી હતી. એ દૃષ્ટિએ બ્રિજભૂષણ સિંહ હાલમાં ઉત્તર પ્રદેશમાં જોરદાર વાતાવરણ ઊભું કરી રહ્યા છે. સાધ્વી કંચનગિરિ અને ભાજપના અમુક નેતાઓએ બ્રિજભૂષણ સિંહને પોતાનું નિવેદન પાછું લેવા માટે સલાહ આપી હતી. જોકે બ્રિજભૂષણ આ અંગે કશું સાંભળવા તૈયાર નથી. બ્રિજભૂષણ સિંહનું ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોમાં સારું એવું વર્ચસ્વ છે અને તેને જોતાં રાજ ઠાકરે માટે અયોધ્યાની મુલાકાત મુશ્કેલી ઊભી કરી શકે એમ છે.
મનસેના નેતા દ્વારા પક્ષના કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં અયોધ્યામાં આવવાની અપીલ કરવામાં આવી છે. એ માટે અંદાજે ૧૦ ટ્રેનો બુક કરવામાં આવવાની છે.