અમે સંપૂર્ણ તૈયારી કરી છે, પણ પાણી તો ભરાશે: આદિત્ય ઠાકરે

અવર્ગીકૃત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં અત્યાર સુધી ૭૮ નાળાસફાઈ થઈ છે. ચોમાસા માટે બધી તૈયારી કરી લેવામાં આવી છે. છતાં ચોમાસા દરમિયાન એક દિવસમાં ૨૦૦ મિલીમીટર કરતા વધુ વરસાદ પડ્યો, વાદળ ફાટ્યું કે પછી ભારે વરસાદ દરમિયાન મોટી ભરતી હશે તો મુંબઈ જ નહીં, કોઈ પણ શહેર પાણીમાં ડૂબી શકે છે એવું બોલતા રાજ્યના પર્યટન અને પર્યાવરણ અને ઉપનગરના પાલક પ્રધાન આદિત્ય ઠાકરેએ મુંબઈમાં આ વર્ષે પણ ચોમાસામાં મુંબઈમાં પાણી ભરાશે જ એવી પ્રત્યક્ષ કબૂલાત કરી લીધી છે.
મુંબઈ મહાનગરપાલિકા મુખ્યાલયમાં પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલ સાથે આદિત્ય ઠાકરેએ એક મહત્ત્વની બેઠક કરી હતી, જેમાં ચોમાસા પહેલાંની નાળાસફાઈ અને અન્ય કામને મુદ્દે ચર્ચા થઈ હતી. આ દરમિયાન આદિત્ય ઠાકરેએ મુંબઈમાં આ વર્ષે પણ ભારે વરસાદ દરમિયાન પાણી ભરાઈ શકે છે એવી કબૂલાત કરી હતી.
મુંબઈમાં હાલ ચોમાસા પહેલાં નદી-નાળાના સફાઈના કામ ચાલી રહ્યા છે. અત્યાર સુધી ૭૮ ટકા નાળાસફાઈ થઈ ગઈ છે. પાલિકાએ અત્યાર સુધી જુદી જુદી કરેલી ઉપાયયોજનાને કારણે ૯૦ ટકા ફ્લડિંગ સ્પોટ પર પાણી ભરાવવાનું પ્રમાણ ઓછું થયું છે એવો દાવો કરતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે અતિવૃષ્ટિ, વાદળ ફાટવા જેવા કુદરતી પ્રકોપને રોકવું માનવી માટે શક્ય નથી. છતાં મુંબઈ મહાનગરપાલિકા પાસે સર્વોત્તમ યંત્રણા છે, તેનો ઉપયોગ કરીને આપત્તીનો સામનો કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.
પાલિકાએ આવી પરિસ્થિતિનો સામનો કરવા શકય તે તમામ તૈયારી રાખી છે, જેમાં જુદાં જુદાં સ્થળો પર વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પંપ બેસાડવાની સાથે જ પંપિંગ સ્ટેશનને તૈયાર રાખવામાં આવ્યા છે. તેમ જ પાણીનો જ્યાં નિકાલ થતો હોય એવા સ્થળ પર ટ્રેશ બુમ બેરિયર્સ બેસાડવામાં આવ્યા છે, જેથી પાણીની સાથે કચરો અંદર જાય નહીં એવો દાવો પણ આદિત્ય ઠાકરેએ કર્યો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.