અમેરિકાના ટેક્સાસની સ્કૂલમાં ગોળીબાર: ૨૧નાં મોત, અનેક ઘાયલ

દેશ વિદેશ

હ્યુસ્ટન: અમેરિકાના ટેક્સાસ રાજ્યની એક પ્રાથમિક શાળામાં ૧૮ વર્ષીય બંદૂકધારીએ કરેલા ગોળીબારમાં ૧૯ બાળક અને પુખ્તવયના બે જણ સહિત કુલ ૨૧ જણ માર્યા ગયા હતા તેમ જ અનેક લોકો ઘાયલ થયા હતા. સેન એન્ટોનિયોથી ૧૩૪ કિલોમીટર દૂર ટેક્સાસના યુવાલ્ડે નગરની રોબ એલિમેન્ટરી સ્કૂલમાં મંગળવારે સવારે અંદાજે ૧૧.૩૦ વાગ્યે યુવાને ગોળીબાર કર્યો હતો. બાદમાં, પોલીસ અધિકારીઓએ તેને ઠાર માર્યો હતો.
તપાસ કરનારા અધિકારીઓએ જણાવ્યું હતું કે યુવાન એક હેન્ડગન, એઆર-૧૫ સેમિ-ઑટૉમેટિક રાઇફલ અને ‘હાઇ કેપેસિટી મેગેઝિન્સ’ સાથે સ્કૂલમાં આવ્યો હતો.
ટેક્સાસના ગવર્નર ગ્રેગ અબોટે જણાવ્યું હતું કે હત્યારાનું નામ સેલ્વાડોર રામોસ હતું અને તે આ શાળા જ્યાં આવેલી છે, તે વિસ્તારમાં જ રહેતો હતો. તેણે શું કામ ગોળીબાર કર્યો? તે હજી સુધી જાણી નથી શકાયું. તેણે બાળકો પર ગોળીબાર કરતા પહેલાં પોતાની દાદીને ઠાર મારી હોવાનું મનાય છે. ટેક્સાસના ગવર્નરે જણાવ્યું હતું કે આ બંદૂકધારીએ આડેધડ ગોળીબાર કર્યો હતો અને તેને લીધે એક શિક્ષિકા અને ૧૪ વિદ્યાર્થી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યાં હતાં. બાદમાં, મરણાંક વધીને ૨૧ થયો હતો અને તે હજી વધવાનો ભય છે.
યુવાલ્ડેના પોલીસ વડા પીટ એરેડોન્ડોએ જણાવ્યું હતું કે રોબ એલિમેન્ટરી સ્કૂલમાં સવારે ૧૧.૩૨ વાગ્યે ગોળીબાર થયો હતો. બંદૂકધારી એકલો જ હતો. પોલીસે તેને ઠાર માર્યો હતો.
અમેરિકાના પ્રમુખ જૉ બાઇડને આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને અમેરિકાનો ધ્વજ ૨૮ મેએ અડધી કાંઠીએ ફરકાવવાનો આદેશ આપ્યો હતો.
અમેરિકાની બધી સરકારી ઇમારત, મેદાન, લશ્કરી ચોકીઓ, નૌકાદળનાં મથક, નૌકાદળનાં જહાજો, લશ્કરી મથકો અને રાજદૂતની ઑફિસો ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાંઠીએ ફરકાવાશે.
યુવાલ્ડે ખાતે ગોળીબારની ઘટનાના સમાચાર ફેલાયા કે તુરંત આ નગરમાં બધી શાળા બંધ કરી દેવાઇ હતી.
‘ગન વાયોલન્સ આર્કાઇવ’ નામની બિનસરકારી સંસ્થાના આંકડા મુજબ અમેરિકામાં ૨૦૨૨માં અત્યાર સુધીમાં ‘સામૂહિક ગોળીબાર’ની ૨૧૨ ઘટના બની હતી એટલે કે ચાલુ વર્ષના અત્યાર સુધીના દિવસો કરતાં વધુ તો ‘સામૂહિક ગોળીબાર’ની ઘટના બની હતી.
ગોળીબારમાં બંદૂકધારી સિવાયની ચાર કે તેનાથી વધુ લોકો ઘાયલ થાય અથવા માર્યા જાય તો તેને સામૂહિક ગોળીબાર ગણાય છે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.