ફૂલોમાંથી તૈયાર કરાયેલા સ્કલ્પચર ફ્લાવર શૉનું અનેરું આકર્ષણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ફ્લાવર શો ૨૦૨૩’ પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ઉદઘાટન બાદ મુખ્ય પ્રધાન સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. અનેક પ્રકારના દેશી અને વિદેશી ફૂલોમાંથી તૈયાર કરવામાં આવેલા જીરાફ, હાથી, જી-૨૦, યુ-૨૦, આઝાદી કા અમૃત મહોત્સવ, મિલેટ યર, હનુમાનજી અને વિવિધ દેવી દેવતાઓ, યોગા, ફૂટબોલ, બાર્બી ડોલ જેવા અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને મુખ્ય પ્રધાન સહિત સૌએ અત્યંત બિરદાવ્યા હતા.
અમદાવાદ ફ્લાવર શો ૨૦૨૩માં વિવિધ પ્રકારના દેશી અને વિલાયતી ફૂલો જેવા કે સેવંતી, ગલગોટા, વર્બેના, પિટુનીયા, ડાયનેલા, એકેલીફા, ડાયએન્થસ, કોલીયસ, પોઈન્સેટીયા, કેલે લીલી, ગજેનીયા, પેન્ટાસ , એન્ટીરહિનયમ, સિલ્વર ડસ્ટ, ડહાલિયા, સિલોસીયા, સાલ્વિયા રેડ અને તેમાંથી બનેલા વિવિધ સ્કલ્પચર સહિત વિવિધ ફાર્મ અને નર્સરી, બાગાયતી ફૂલછોડ, ગાર્ડનિંગ અને કિચન ગાર્ડન ફ્લાવર અને છોડ સહિત ગાર્ડનિંગ ઉપકરણોના પ્રદર્શનો અને વિવિધ સ્ટોલ મુલાકાતીઓ માટે અનેરું આકર્ષણ રહેશે.