ગુજરાત રાજ્યના અમદાવાદથી નાસિક જતી ખાનગી લકઝરી બસ કપરાડાના દિક્ષલ ખાતે ઘાટમાં પલટી ખાઈ ગઈ હતી. જેમાં એક યાત્રીનું મોત થયું હતુ જ્યારે 14 યાત્રીઓ ઘાયલ થયા હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી તમામ ઘાયલોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી એક ખાનગી લકઝરી બસ યાત્રીઓને લઈને નાસિક જઈ રહી હતી. દરમિયાન કપરાડાંના દિક્ષલ ખાતે આવેલા ઘાટ પાસે અચાનક બસ પલટી ગઈ હતી. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ખાનગી લકઝરી બસમાંથી યાત્રીઓને કાઢી 108ની મદદથી ધરમપુર અને કપરાડાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. આ દુર્ઘટનામાં વડોદરાના વાઘોડિયાના પ્રકાશ પરમાર (ઉ.વ.42)નામના યાત્રીનું મોત થયું હતુ.