અફઘાનિસ્તાનમાં ધરતીકંપ ૧૦૦૦થી વધુનાં મોત, ૬૦૦ ઘાયલ

દેશ વિદેશ

ભૂકંપે વેર્યો વિનાશ: અફઘાનિસ્તાનના પૂર્વ ભાગના પકતિકા પ્રાંતમાં બુધવારે આવેલા ધરતીકંપને કારણે હજારો મકાનો તૂટી પડ્યાં હતાં અને સાર્વજનિક મિલકતોને નુકસાન થયું હતું. આંચકા આવી ગયા પછી થયેલા વિનાશને અફઘાન નાગરિકો નિરાશાથી નિહાળતા હતા. (તસવીર: એપી/ પીટીઆઈ)

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વીય પહાડી પ્રાંતમાં બુધવારે શક્તિશાળી ભૂકંપ આવતાં ઓછામાં ઓછા ૧૦૦૦ લોકો માર્યા ગયા હતા અને ૬૦૦ જણ ઇજા પામ્યા હતા. બે દાયકામાં સૌથી વધુ વિનાશકારી ધરતીકંપમાં ગ્રામીણ વિસ્તારોમાં ઘણું નુકસાન થયું હતું. સત્તાવાળાઓએ મરણાંક વધવાની શક્યતા દર્શાવી હતી. સરકારી તંત્રોની ટુકડીઓએ હેલિકૉપ્ટર સહિતનાં વાહનો અને સાધનસરંજામ વડે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.
પાકિસ્તાનના હવામાન વિભાગે ધરતીકંપનું ભૂમિબિંદુ અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી ૫૦ કિલોમીટર દૂર પકતિકા પ્રાંતમાં હોવાનું જણાવ્યું હતું. ભૂકંપથી ખોસ્ત પ્રાંતનાં અનેક રહેઠાણોને નુકસાન થયું હતું. યુએસ જીયોલોજિકલ સર્વેએ અફઘાનિસ્તાનમાં ૧૦ કિલોમીટર ઊંડે ૫.૯ની તીવ્રતાના ધરતીકંપની નોંધ કરી હતી. વર્ષ ૨૦૦૨ના ધરતીકંપ પછીનો સૌથી વધુ વિનાશક ભૂકંપ હોવાનું અફઘાનિસ્તાનના ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું. અમેરિકાના ટ્વીન ટાવર પર ૯/૧૧ના હુમલા પછી અમેરિકાએ લશ્કરી આક્રમણ દ્વારા તાલિબાન સરકારને ઉથલાવી પાડ્યા બાદ વર્ષ ૨૦૦૨માં આવેલા ૬.૧ની તીવ્રતાના ધરતીકંપમાં લગભગ ૧૦૦૦ લોકો માર્યા ગયા હતા.
પકતિકા અને ખોસ્તમાં બચાવ અને રાહત કામગીરી બાબતે સમન્વય સાધવા અફઘાનિસ્તાનના વડા પ્રધાન મોહમ્મદ હસન અખુંદે કાબુલ ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં ઇમર્જન્સી મીટિંગ યોજી હતી. યુરોપિયન ભૂકંપમાપન સંસ્થાએ જણાવ્યું હતું કે બુધવારના ભૂકંપના આંચકા ૫૦૦ કિલોમીટરના પરિસરમાં અનુભવાયા હતા. અફઘાનિસ્તાનના પહાડી પ્રદેશો અને હિન્દુ કુશ પર્વતોના દક્ષિણ એશિયાઈ પ્રદેશોમાં લાંબા વખતથી વારંવાર વિનાશક ભૂકંપો આવતા રહે છે. વર્ષ ૨૦૧૫માં અફઘાનિસ્તાનના ઇશાન પ્રાંતમાં આવેલા ધરતીકંપમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ૨૦૦થી વધારે લોકો માર્યા ગયા હતા. વર્ષ ૧૯૯૮માં અફઘાનિસ્તાનના ઇશાન પ્રાંતમાં ૬.૧ની તીવ્રતાના ધરતીકંપમાં ૪૫૦૦ લોકો માર્યા ગયા હતા. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.