અનેક રાજ્યોમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસક આંદોલન

દેશ વિદેશ

આંદોલન:બિહારના સરણ જિલ્લામાં આવેલા છપરા રેલવે સ્ટેશન પર યુવાનોએ ટ્રેનના ડબ્બાઓમાં આગ લગાવી હતી. (એજન્સી)

સરકારી સંપત્તિનું નુકસાન: છપરા સ્ટેશન પર ટ્રેનના ડબા સળગાવાયા
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ‘અગ્નિપથ’ યોજનાના વિરોધમાં ગુરુવારે બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા સહિત દેશનાં અનેક રાજ્યમાં હિંસક પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં.
પ્રદર્શનકર્તાઓએ ટ્રેનને આગ ચાંપી હોવા ઉપરાંત સરકારી વાહનો પર પણ હુમલો કર્યો હતો.
પ્રદર્શનાર્થીઓએ રેલવેની મિલકતને નુકસાન પહોંચાડ્યું હોવા ઉપરાંત ભાભુઆ અને છાપરા રેલવે સ્ટેશને ઊભેલી ટ્રેનને આગ ચાંપી હતી અને તોડફોડ કરી હતી.
ઘટનાને પગલે ૩૪ કરતા પણ વધુ ટ્રેન રદ કરવામાં આવી હતી અને આઠ જેટલી ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી હતી.
વિરોધપ્રદર્શનને કારણે રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (આરઆરબી)ની પરીક્ષા વિલંબમાં પડી હતી.
વિરોધપ્રદર્શનને કારણે વધુ ૭૨ ટ્રેન પણ વિલંબમાં પડી હતી. રાજધાની દિલ્હીમાં નાન્ગ્લોઈ ખાતે પ્રદર્શનકર્તાઓએ રેલવે ટ્રેક પર અવરોધ ઊભો કરી યોજના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
વિરોધપ્રદર્શનના બીજે દિવસે બિહારમાં પ્રદર્શનકર્તાઓએ ટ્રેનને આગ ચાંપી હતી, બસની બારીઓ તોડી નાખવામાં આવી હતી અને ભાજપના વિધાનસભ્ય સહિત વટેમાર્ગુઓએ પથ્થરમારો કર્યો હતો.
પ્રદર્શનાર્થીઓને વિખેરવા પોલીસને અશ્રુવાયુ છોડવાની અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
આ યોજના અંતર્ગત યુવાનોને સેનાની ત્રણ પાંખ (હવાઈ દળ, નૌકાદળ અને પાયદળ)માં નોકરી માટે ચાર વર્ષના ટૂંકાગાળા માટે કરારબદ્ધ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે.
જોકે, ચાર વર્ષ બાદ તેઓ નિવૃત્ત થાય તેમને ગ્રેચ્યુઈટી કે પેન્શન આપવાની તેમાં કોઈ જ જોગવાઈ નથી. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.