અનેક જિઓપોલિટિકલ અવરોધો વચ્ચે પણ સંપત્તિસર્જન જોરમાં

ઉત્સવ

સ્પેશિયલ -જયેશ ચિતલિયા

કોવિડ મહામારી વચ્ચે પણ વિશ્ર્વની નાણાકીય સંપત્તિમાં ૨૦૨૧મા ૫૩૦ લાખ કરોડ ડોલરનો વધારો થયો છે, નવાઈ લાગી શકે, કિંતુ આ હકીકત છે. બીજી નવાઈની વાત પણ જાણી લો, હાલના ગ્લોબલ પડકારોના સમયમાં પણ બિલિયનર્સની સંખ્યા વધી રહી છે. અનેક ભારતીય સંપત્તિવાનો પરદેશમાં શિફટ થઈ રહ્યા છે, જેના પોતાના આગવા કારણ છે, જો કે એશિયા-પેસિફિકમાં સૌથી ઝડપી વૃદ્ધિ થશે અને ભારત તેમાં અગ્રેસર રહેશે. આવું એક ગ્લોબલ અભ્યાસ કહે છે, જે જાણવો રસપ્રદ છે.
વર્ષ ૨૦૨૧માં મજબૂત ઈક્વિટી બજારો અને રિયલ એસ્ટેટની વધેલી માગને પગલે વિશ્ર્વની નાણાકીય સંપત્તિ ૫૩૦ ટ્રિલિયન ડોલરની વિક્રમ સપાટીએ પહોંચી હતી. બોસ્ટન કંસલ્ટિંગ ગ્રૂપ (બીસીજી)એ તાજેતરમાં બહાર પાડેલા વૈશ્ર્વિક સંપત્તિ અંગેના અહેવાલમાં આમ જણાવવામાં આવ્યું છે. આ ગ્લોબલ વેલ્થ ૨૦૨૨ અહેવાલમાં કહેવાયું છે કે ફુગાવો અને રશિયાનું યુક્રેન પર આક્રમણ સહિતનાં ભૂરાજકીય અને આર્થિક અસ્થિરતાજનક પરિબળો છતાં આશરે ૮૦ લાખ કરોડ ડોલરની નવી સંપત્તિનું સર્જન આગામી પાંચ વર્ષમાં થવાની સંભાવના છે. વિવિધ દેશો વચ્ચેના ખાનગી વેલ્થ મેનેજમેન્ટમાં ૨૦૦ વર્ષથી સ્વિટ્ઝરલેન્ડનું પ્રભુત્વ રહ્યું છે એમાં હવે બદલાવ આવવાની સંભાવના છે અને તેનું સ્થાન ૨૦૨૩મા સંભવત હોંગકોંગ લઈ લેશે, એમ લાગે છે. બીસીજી વેલ્થ મેનેજમેન્ટનો અભ્યાસ કહે છે કે વિપરીત ભૂરાજકીય પરિસ્થિતિ છતાં સંપત્તિનો વિકાસ અડીખમ અને હકારાત્મક રહેશે. અસ્થિરતા વેલ્થ મેનેજરોને પ્રચંડ તક પૂરી પાડે છે ત્યારે તેમણે સ્પર્ધાત્મક બની રહેવા રોકાણ માટેની વ્યૂહાત્મક પસંદગીઓ કરવી જોઈએ. સંપત્તિ સર્જક ગ્રાહકો નેટ ઝીરો એનર્જી, ક્રિપ્ટો અને ડિજિટલાઈઝેશન સહિત નવી જનરેશનની ઓફરો અને નવા સ્તરની સર્વિસીસની શોધમાં હોય છે. વેલ્થ મેનેજરો માટે અત્યારે સૌથી મહત્ત્વનો પ્રશ્ર્ન કઈ પહેલને અગ્રક્રમ આપવો એ નથી પરંતુ તેનો અમલ શ્રેષ્ઠ કઈ રીતે કરવો એ છે.
ચોકકસ વર્ગ ભારત કેમ છોડી જાય છે?
વધુ ને વધુ યુવા ઉદ્યોગસાહસીઓ વિશ્ર્વસ્તરે વ્યાપાર કરવા અને મૂડીરોકાણ કરવાની તકો શોધતા હોય છે. આ માટે જોખમ ખેડવાની એમની વૃત્તિ સતત વધી રહી હોવાનું એક સર્વેક્ષણના અહેવાલ પરથી જાણવા મળ્યું છે. સંપત્તિવાન અને મૂડીરોકાણ ઈચ્છુક ખાનગી વ્યક્તિઓ દ્વારા વ્યાપારના હેતુસર સ્થળાંતરના જાગતિક ટ્રેન્ડનો અભ્યાસ કરતા હેન્લી ગ્લોબલ સિટીઝન્સ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ જ વર્ષમાં હાઈ-નેટવર્થ (ઇંગઠઈં) ધરાવતી ૮,૦૦૦ જેટલી વ્યક્તિઓ ભારત છોડી જશે.
આનું કારણ શું? તો જવાબ છે, ભારતમાં કરવેરાને લગતા કડક નિયમો. તદુપરાંત, વધુ સક્ષમ રાષ્ટ્રનો પાસપોર્ટ ધરાવવાની ઈચ્છા પણ આવા સ્થળાંતર કરવામાં ભાગ ભજવે છે.
ભારતમાં કરોડપતિઓની સંખ્યા વધશે
જોકે આ અહેવાલમાં એમ પણ દર્શાવાયું છે કે ભારતમાં આગામી ૧૦ વર્ષમાં યુએસ ડોલરની દ્રષ્ટિએ કરોડપતિ અને અબજપતિઓની સંખ્યા ૮૦ ટકા જેટલી વધી જશે, જ્યારે અમેરિકામાં તે વૃદ્ધિ માત્ર ૨૦ ટકા જેટલી રહેશે અને ફ્રાન્સ, જર્મની, ઈટાલી તથા યૂકેમાં તો માત્ર ૧૦ ટકા હશે.
ન્યૂ વર્લ્ડ વેલ્થના રિસર્ચ વિભાગનું કહેવું છે કે ભારત માટે જનરલ વેલ્થના અંદાજો ઘણા મજબૂત જોવા મળ્યા છે. અમારી ધારણા છે કે ૨૦૩૧ની સાલ સુધીમાં ભારતમાં હાઈ-નેટવર્થ ધરાવતી વ્યક્તિઓની સંખ્યા ૮૦ ટકા સુધી વધી જશે. એને કારણે આ સમયગાળા દરમિયાન ભારતની ગણના દુનિયામાં સૌથી વધારે ઝડપે વૃદ્ધિ પામનાર સંપત્તિ માર્કેટ્સમાં કરાશે. સ્થાનિક સ્તરે ફાઈનાન્સિયલ સેવાઓ, આરોગ્યસેવા અને ટેક્નોલોજી સેક્ટરોમાં મજબૂત વૃદ્ધિથી એને બળ મળશે.
વૈશ્ર્વિક હરોળમાં ઊભા રહેવાનો અભિગમ
ભારતના સૌથી શ્રીમંત નાગરિકો દેશ શા માટે છોડી જવાના કારણો સમજવા જેવા છે. જૂની પેઢીનાં ઉદ્યોગપતિઓનું વલણ તો યથાવત્ રહેશે, પરંતુ નવી પેઢીના ટેક્નોલોજી ઉદ્યોગસાહસિકો વિશ્ર્વસ્તરે એમના જેવાઓની હરોળમાં જોડાવા આતુર છે. તેઓ એમની સંપત્તિનો અમુક ભાગ એવા દેશોમાં વાળવા માગે છે જ્યાં એમને વેપારના લાભ વધારે મળે અને કરવેરાના દર ઓછા હોય. પરિવાર માટે વધારે સારી શૈક્ષણિક અને આરોગ્ય સુવિધાઓ મેળવવા સહિત ઉચ્ચ જીવનધોરણ હાંસલ કરવાની ઈચ્છા પણ આ બાબતમાં મોટો ભાગ ભજવે છે. કોરોનાવાઈરસ રોગચાળાના સંદર્ભમાં આ ઈચ્છા વધારે પ્રબળ બની છે. ડાયરેક્ટ ટેક્સ, પ્રાઈવેટ ક્લાયન્ટ અને ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ પ્રેક્ટિસીસ માટેના એકસપર્ટનું કહેવું છે કે, ભારતમાં વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧મા નિવાસી લોકો માટે નવા લાગુ કરાયેલા અને વધુ ને વધુ કડક બનાવવામાં આવી રહેલા કરવેરાના નિયમોને કારણે પણ હાઈ-નેટવર્થવાળી વ્યક્તિઓ અન્ય દેશમાં સ્થળાંતર કરવા મજબૂર બને છે. ભારતમાં આવી વ્યક્તિઓને કરવેરામાં કોઈ રાહત અપાતી નથી તે કારણે તેમજ વિઝા-ફ્રી પ્રવાસ માટેની ઈચ્છાને કારણે પણ તેઓ વૈકલ્પિક નિવાસ-નાગરિકત્વ મેળવવા પ્રેરિત થાય છે.
ભારતીયોમાં ફેવરિટ દેશો કયા?
યુરોપિયન યુનિયનના દેશો તેમજ દુબઈ અને સિંગાપોર જેવા પરંપરાગત ફેવરિટ દેશો ભારતીયોમાં વધુ ને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. ડિજિટલ ક્ષેત્રના ઉદ્યોગસાહસીઓ માટે અને પારિવારિક વ્યાપાર માટે સિંગાપોર સૌથી વધારે લોકપ્રિય છે. એનું મુખ્ય કારણ છે ત્યાંની મજબૂત કાનૂન વ્યવસ્થા. વળી, ત્યાંથી વર્લ્ડ-ક્લાસ આર્થિક સલાહકારો સાથે સંપર્ક પણ આસાન રહે છે. એવી જ રીતે, દુબઈ ગોલ્ડન વિઝા કેટલાક વર્તુળોને આકર્ષિત કરે છે. આ વિઝા મેળવવાનું આસાન હોય છે અને તે અસંખ્ય વિકલ્પો આપતા હોવાથી લોકપ્રિય બન્યા છે.
એશિયા-પેસિફિકમાં સૌથી ઝડપી વૃદ્ધિ
૨૦૨૨ના વર્ષમાં યુએસ ડોલરની દ્રષ્ટિએ કરોડપતિ ગણાતા લોકોની સંપત્તિના ઈન્ફ્લો અને આઉટફ્લો પરથી સર્વેમાં નવું અનુમાન એ કરવામાં આવ્યું છે કે આ જ વર્ષમાં ભારત દેશ આશરે ૮,૦૦૦ કરોડપતિઓની સંપત્તિ ગુમાવશે. આ આઉટફ્લો એટલો ગંભીર પ્રકારનો નથી, કારણ કે ભારત દેશ દર વર્ષે સ્થળાંતર કરી જતા લોકોને કારણે થતા આર્થિક નુકસાન કરતાં ઘણી વધારે સંખ્યામાં નવા અબજપતિઓનું નિર્માણ કરે છે. વિદેશમાં સંપત્તિ હાંસલ કરીને ઘણા લોકો ભારતમાં જીવનધોરણ સુધરી જાય એ પછી પાછાં ફરતા હોવાનું પણ વલણ જોવા મળે છે. આમ, વિદેશ જતા રહેલા ઘણા શ્રીમંત ભારતીયો સ્વદેશ પાછાં ફરે એવી પણ ધારણા છે. રિપોર્ટમાં આગાહી કરવામાં આવી છે કે તમામ પ્રદેશોમાંની સંપત્તિના મૂલ્યમાં વધારો થતો રહેશે. પરંતુ એશિયા-પેસિફિકમાં વૃદ્ધિનો સૌથી ઝડપી દર રહેશે. આ વિસ્તારમાં ૨૦૨૬ સુધી ૮.૪%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દર સાથે સંપત્તિમાં વૃદ્ધિ થતી રહેશે તો આ પ્રદેશનો વિશ્ર્વની સંપત્તિમાં હિસ્સો લગભગ એક ચતુર્થાંશ થઈ શકે છે.
ભારતીયો સામે પડકારો
હેન્લી પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન ડેશબોર્ડના અનુમાન મુજબ, ૨૦૨૨મા સૌથી વધારે નેટ ઈન્ફ્લો યુએઈ પ્રાપ્ત કરશે.આ યાદીમાં ઓસ્ટ્રેલિયા ૩,૫૦૦ સાથે બીજા નંબરે જ્યારે સિંગાપોર ૨,૮૦૦ સાથે ત્રીજા નંબરે છે. તે પછીના ક્રમે ઈઝરાયલ (૨,૫૦૦), સ્વિટ્ઝરલેન્ડ (૨,૨૦૦) અને અમેરિકા (૧,૫૦૦) આવે છે.
હેન્લી એન્ડ પાર્ટર્નસમાં બિઝનેસ ડેવલપમેન્ટ વિભાગના ગ્રૂપ વડા નિર્ભય હાંડાનું કહેવું છે કે, અમને એશિયાભરમાંથી એવા ઘણા પરિવારો તરફથી દિલચસ્પી દર્શાવવામાં આવી છે જેઓ સિંગાપોર અને યુએઈમાં સ્થાયી થવા ઈચ્છે છે. સંપત્તિના રક્ષણ માટે સર્વોત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતા દેશો આવા લોકોમાં વધારે લોકપ્રિય છે.
ભારતમાં પરિવાર અને બિઝનેસ
ભારતીયો સમક્ષ અનેક પડકારો છે, જેમ કે, નાણાં મોકલવાની સુવિધા અને વિદેશમાં પ્રાપ્ત કરેલી સંપત્તિ ઉપર વારસાગત કરવેરાના વધારે કડક બનાવી દેવામાં આવેલા એક્સચેન્જ નિયંત્રણો તથા સ્ટેટલેસનેસ પ્રવૃત્તિને લક્ષ્ય બનાવતા ભારતીય નિવાસી કાયદા. તેથી ખાનગી ટ્રસ્ટો, હોલ્ડિંગ કંપનીઓ, જુદા જુદા અધિકારક્ષેત્રો માટે અલગ અલગ વસિયતનામા, વગેરેના ઉપયોગ મારફત આ અવરોધોને પાર કરવામાં સહાયરૂપ થવા માટે કાનૂની અને આર્થિક સલાહકારોની સેવા મેળવવામાં વધુ ને વધુ ભારતીયોમાં ઉત્સુક્તા જોવા મળી રહી છે. બીજા ઘણા લોકો યુરોપ તરફ નજર દોડાવે છે. ખાસ કરીને પોર્ટુગલ, માલ્ટા અને ગ્રીસ જેવા ભૂમધ્ય સમુદ્રના દેશોમાં. કારણ કે, આ દેશો એમને ઊઞ માટે પ્રવેશદ્વાર પ્રદાન કરે છે, ત્યાંનું જીવનધોરણ ઘણું ઊંચું છે અને મોટા ભાગના કેસમાં શારીરિક નિવાસની આવશ્યક્તા સૌથી ઓછી છે. પરિણામે જે લોકો પોતાના પરિવારજનો તથા બિઝનેસને ભારતમાં જ રાખવા ઈચ્છે છે તેઓ આવા દેશો પ્રતિ આકર્ષિત થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.