‘અતિથિ’ તમારી જાવાની ‘તિથિ’ ક્યારે?

ઉત્સવ

શરદ જોશી સ્પીકિંગ – ભાવાનુવાદ: સંજય છેલ

તારા આગમનના ચોથા દિવસે, વારંવાર આ સવાલ મારા મનમાં ઊઠી રહ્યો છે, ‘ઓ મેહમાન ઉર્ફ અતિથિ, તું ક્યારે જશે?’ મારા વ્હાલા ગેસ્ટ! તું ક્યારે ઘરમાંથી નીકળશે?
તું જે સોફા પર પગ લંબાવીને બેઠો છે, એની બરાબર સામે એક કેલેન્ડર લાગ્યું છે, જેની લહેરાતી તારીખો હું તને રોજ બતાવીને બદલી રહ્યો છું. આ મહેમાનગીરીનો ચોથો દિવસ છે, પરંતુ તારા પાછા જવાની કોઈ શક્યતા દેખાતી નથી. લાખો માઈલ લાંબી મુસાફરી કરી અવકાશયાત્રીઓ પણ ચંદ્ર કે મંગળ પર એટલું નથી રોકાતા, જેટલું તું અહિંયા મારે ત્યાં રોકાયો! એમણે પણ ચંદ્ર જેવા ગ્રહની એટલી માટી નથી ખોદી, જેટલી તું મારી ખોદી ચુક્યો છે. શું તને તારું ઘર યાદ નથી આવતું? શું તને તારી માટી નથી બોલાવતી?
જે દિવસે તું આવ્યો હતો, ક્યાંક અંદર જ અંદર મારું પાકીટ કાંપી ગયું હતું. તેમ છતાં હું હસતા મોઢે ઊભો થયો અને તને ગળે વળગીને ભેટ્યો. મારી પત્નીએ તને સાદર પ્રણામ કર્યા. તારી આગતા સ્વાગતામાં ઓ અતિથિ, અમે બપોરના ભોજનને લંચમાં ફેરવ્યું અને રાત્રીના જમવાને ડિનરમાં ફેરવ્યું. અમે તારા માટે સલાડ કપાવ્યો, રાયતું બનાવડાવ્યું અને મીઠાઈઓ મગાવી. એ આશામાં કે બીજા દિવસે અમારી ભવ્ય મહેમાનગીરીની છાપ મનમાં લઈ તું ટ્રેનનાં ડબ્બામાં બેસી જશે. પરંતુ, આજે ચોથો દિવસ છે અને તું હજુ અહીં જ છે. ગઈ કાલે રાત્રે અમે ખીચડી બનાવી, તો પણ તું અહીં છે. આજે અમે ઉપવાસ કરીશું અને તો પણ તું હજી અહીં જ છે. તારી હાજરી આમ રબરની જેમ ખેંચાશે, અમે ક્યારેય વિચાર્યું ન હતું.
સવારે તે આવીને કહ્યું, “ધોબીને કપડા આપવાના છે! એટલે? એનો અર્થ એવો કે જ્યાં સુધી કપડાં ધોવાઈને નહીં આવે, ત્યાં સુધી તું નહીં જાય? આ આઘાત દિલને હલાવી જાય એવો હતો અને ખૂબ અણધાર્યો હતો. મને પહેલી વખત ખબર પડી કે ‘અતિથી દેવો ભવ:’વાળા ‘અતિથિ’ માત્ર દેવતા જ નથી હોતા, પણ મનુષ્ય પણ હોય શકે છે અને ઘણી વખત રાક્ષસ પણ હોય શકે છે. આ બધું જોઈને મારી પત્નીની આંખો પહોળી થઈ ગઈ છે. તું કદાચ નથી જાણતો કે જ્યારે પત્નીની આંખો મોટી-મોટી થાય છે ત્યારે મારું દિલ નાનું ને નાનું થવા લાગે છે.
હવે તો કપડાં પણ ધોવાઈને આવી ગયા, પલંગ પરની ચાદર બે વખત બદલાઈ ગઈ છે અને તો પણ તું તો અહીંયા જ છે. હવે આ રૂમના આકાશમાં હાસ્યના રંગબેરંગી ફુગ્ગાઓ નથી ઉડતા. શબ્દોની આપ-લે પૂરી થઈ ગઈ. હવે ચર્ચા કરવા માટે કોઈ વિષય બાકી રહ્યો નથી. પરિવાર, છોકરાઓ, નોકરી, રાજકારણ, સગાંસંબંધી, જૂના મિત્રો, ફિલ્મ, સાહિત્ય બધા પર તો ચર્ચા કરી લીધી. ત્યાં સુધીની વાતો કરી કે, આંખો મારી મારીને આપણે જૂની પ્રેમીકાઓનો પણ ઉલ્લેખ સુધ્ધાં કરી લીધો. ચર્ચા માટેના બધા વિષયો પણ પૂરા થઈ ગયા. હવે તારા પ્રત્યેનો મારો પ્રેમભાવ , ગંદી ગાળોમાં બદલાઈ રહ્યો છે. હું સમજી નથી શકતો કે તું કયું ફેવિકોલ લગાવીને મારા ઘરે આવ્યો છે?
મારી પત્ની મને પૂછે છે, “ક્યાં સુધી રહેશે આ મહેમાન? જવાબમાં હું ખાલી ખભા ઊંચા કરી દઉં છું. જ્યારે મારી પત્ની પ્રશ્ર્ન પૂછે છે, હું જવાબ આપી શકતો નથી. અને જ્યારે હું પ્રશ્ર્ન પૂછું છું, તો પત્ની ચૂપ રહે છે. ઓ અતિથિ, તારી પથારી ક્યારે પાછી ગોળ વળાઇને લપેટાઇને બંધ થાશે?
હું જાણું છું કે તને મારા ઘરમાં સારૂં લાગી રહ્યું છે. બધાંને બીજા ઘરમાં સારૂં જ લાગે છે. જો લોકોનું ચાલે તો તેઓ કોઈ બીજાના ઘરે જ રહે. કોઈ બીજાની પત્ની સાથે લગ્ન પણ કરી લે. પરંતુ ઘરને ‘સુંદર’ અને ‘હોમ’ને ‘સ્વીટ હોમ’ એટલા માટે કહેવામાં આવે છે કે, મહેમાન પોતાના ઘરે પાછા જતા રહે.
મારી રાતોને તારા નસકોરાથી ગજાવ્યા પછી હવે તો જા મારા દોસ્ત! જો, સભ્યતાની પણ એક મર્યાદા હોય છે અને ‘ગેટ આઉટ’ પણ એક વાક્ય છે, જે બોલી શકાય છે.
આવતીકાલનો સૂરજ તારા આગમનનો ચોથો સૂરજ હશે અને એ મારી સહનશક્તિની છેલ્લી સવાર હશે! એ પછી હું ડગમગી જઈશ. એ વાત સાચી છે કે અતિથિ હોવાના કારણે તું ભગવાન છે, પરંતુ હું પણ આખરે માણસ છું. એક મનુષ્ય ઘણા દિવસો ભગવાનની સાથે નહીં રહી શકે. ભગવાનનું કામ છે કે એ દર્શન આપે ને પાછા તરત જતા રહે.
ઓ મહેમાન, તું પણ પાછો જા. એના પહેલાં કે હું મારી જાત પર ઊતરી આવું, તું પ્લીઝ પાછો જા!
ઉફફ…! ઓ અતિથિ, તું ક્યારે પાછો જશે?

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.