અડચણો છતાં યશ ધુળેની વૈષ્ણવી જન્મથી મૂકબધિર હોવા છતાં ૮૦ ટકા સાથે ઉત્તીર્ણ

આમચી મુંબઈ

થોડા સમય પહેલાં તેણે બ્રાઝિલ ઓલિમ્પિક ગેમ્સમાં પણ પ્રવેશ મેળવ્યો હતો

મુંબઇ: ધુળેની વૈષ્ણવી મોરેએ વિશ્ર્વ સમક્ષ એક ઉદાહરણ રજૂ કર્યું છે કે અથાક પ્રયત્નોથી કંઈ પણ અશક્ય નથી. જન્મથી જ મૂકબધિર વૈષ્ણવીએ અગાઉ દિવ્યાંગત્વ (બહેરા અને મૂંગા)ની સ્પર્ધામાં તેના હરીફોને હરાવીને બ્રાઝિલ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. તેણે માત્ર રમતગમતમાં જ નહીં, પરંતુ શિક્ષણમાં પણ પોતાની આગવી છાપ છોડી છે. તેણે એસએસસીની પરીક્ષામાં ૮૦ ટકા મેળવ્યા
છે. તમામ લોકો તેના આ ગુણોની પ્રશંસા કરી રહ્યા છે.
ધુળેની વતની વૈષ્ણવીના પિતા મત્સ્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે. તે મહારાણા પ્રતાપ વિદ્યાલયમાં ભણે છે. તેની માતા ગૃહિણી છે અને તેઓ અત્યંત ગરીબ પરિસ્થિતિમાં રહે છે. જન્મથી મૂકબધિર વૈષ્ણવીએ વાકશ્રવણ વિદ્યાલયમાં પ્રોફેસર રઘુનાથ કેલેના હાથ નીચે ધોરણ ૧થી ૭ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. ત્યાર બાદ તેનું આગળનું શિક્ષણ શહેરની મહારાણા પ્રતાપ વિદ્યાલયમાં થયું. વૈષ્ણવીના પિતા બાલા મોરેને ચાર પુત્રીઓ અને એક પુત્ર છે. ધુળે શહેરના દેવપુરામાં બાપુજી ભંડારી ગલીમાં રહેતી વૈષ્ણવીએ તમામ મુશ્કેલીઓને પાર કરીને ધોરણ ૧૦ની પરીક્ષામાં ૮૦ ટકા મેળવ્યા છે. થોડા મહિના પહેલાં જ તેણે બ્રાઝિલમાં ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું હતું. દરમિયાન તેનાં માતા-પિતા અને શિક્ષકો પણ દસમા ધોરણની પરીક્ષામાં તેને મળેલી સફળતાની પ્રશંસા કરી રહ્યાં છે.
જન્મથી મૂકબધિર હોવા છતાં વૈષ્ણવી મોરેએ રમતગમત ક્ષેત્રે વિવિધ સ્પર્ધાઓમાં જીત મેળવી છે. જો કે, તેણે દસમા ધોરણનો અભ્યાસ પણ ખૂબ જ ખંતથી પૂર્ણ કરીને આ સફળતા હાંસલ કરી છે.
————–
કેન્સર સામે લડતી વિદ્યાર્થિનીએ ૮૧.૬૦ ટકા મેળવ્યા

મુંબઇ: મુંબઇ: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું હતું. પંદર વર્ષની દિવ્યા પાવલેને જ્યારે કોવિડ-૧૯ ટોચ પર હતો ત્યારે કોરોના વાઇરસ માટે પરીક્ષણ કરતા સમયે તેને કેન્સર થયું હોવાની જાણ થઇ હતી. તે મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડ દ્વારા આયોજિત ધોરણ ૧૦ની પરીક્ષામાં ૮૧.૬૦ ટકા લાવવામાં સફળ રહી હતી.
દિવ્યા પુણેના વકલવાડીમાં હતી, ત્યારે શરદી અને ઉધરસના કારણે તેણે કોવિડ-૧૯ માટે પરીક્ષણ કરાવ્યું હતું, જે નેગેટીવ આવ્યું હતુ, પરંતુ ડૉક્ટરો દ્વારા વધુ તપાસનાં પરિણામે તેને કેન્સર હોવાનું જણાયું હતું.
થાણે પરત ફર્યા બાદ કેન્સરની સારવાર માટે મધ્ય મુંબઇમાં પરેલની પ્રીમિયર ટાટા મેમોરિયલ હૉસ્પિટલમાં કીમોથેરાપી સેશન, ૧૪ વખત બ્લડ ટ્રાન્સફ્યુઝન અને પંદર વખત પ્લેટલેટ્સ માટે નવ મહિના સુધી અવર-જવર કરવી પડી હતી, એમ દિવ્યાના સંબંધીઓએ જણાવ્યું હતું.
તેનાં માતા-પિતાએ તેને આ વર્ષે એસએસસીની પરીક્ષા ન આપવા માટે કહ્યું હતું, પરંતુ થાણે શહેરની સરસ્વતી માધ્યમિક શાળાની વિદ્યાર્થિની પાવલે પરીક્ષા આપવા માટે મક્કમ હતી. તેને વિશ્ર્વાસ હતો કે તે તેની બીમારીને કારણે પડતી મુશ્કેલીમાંથી બહાર નીકળી જશે અને સારું પરિણામ મેળવશે. સંજોગોવસાત પરિણામના દિવસે પણ તેને તેની ચાલતી સારવાર માટે હૉસ્પિટલ જવું પડયું હતું, એમ સંબંધીઓએ વધુમાં જણાવ્યું હતું.
થાણે જિલ્લામાં એસએસસીમાં ઉત્તીર્ણ થનારની ટકાવારી ૯૭.૧૩ હતી, જ્યારે પાલઘરમાં ૯૭.૧૭ હતી. (પીટીઆઇ)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.