અજ્ઞાનની વાડ નીકળે તો જ જ્ઞાનનો પ્રકાશ થાય

ધર્મતેજ

ગીતા-મહિમા – સારંગપ્રીત

ગત અંકમાં અખંડ ભક્તિનું માહાત્મ્ય જણાવીને હવે ભગવાન કૃષ્ણ જ્ઞાનયજ્ઞને સમજાવી રહ્યા છે.
શ્રીકૃષ્ણ ભગવાન કહે છે- કેટલાક લોકો જ્ઞાનયજ્ઞથી ભગવાનની ઉપાસના કરે છે. આ શ્ર્લોકમાં ‘જ્ઞાન’ શબ્દ મહત્ત્વનો છે. આ જ્ઞાનમીમાંસાને હવે વિસ્તારથી સમજીએ.
મૉસ્કોના પ્રાણીઘરમાં આફ્રિકાથી નવા પકડી લાવવામાં આવેલા બે હરણોને એક મોટા વાડામાં પુરવામાં આવ્યા. એ વાડની આસપાસ ચારે તરફ લોખંડના સળિયાની વાડ હતી. પ્રયોગો કરનારા પ્રાણી શાસ્ત્રીઓએ વાડની અંદરના ભાગમાં વાડની અધ વચ્ચે એક છેડાથી બીજા છેડા સુધી બીજી એવી જ વાડ બનાવી દીધી. આમ વાડના બે ભાગ કરી નાખ્યા. આમાંના એક ભાગમાં હરણોને રાખવામાં આવ્યા અને વાડનો બીજો ભાગ ખાલી છોડી દેવામાં આવ્યો. હરણાઓએ બીજી તરફના ખાલી ભાગમાં જવાની ઘણી કોશિશ કરી પરંતુ ધીમે ધીમે તેને લાગ્યું કે વચ્ચેની વાડથી આગળ જવાનું શક્ય નથી. એ વાત એમના મગજમાં બરાબર ઠસી ગઈ. પછી એ વચ્ચેની વાડ એક દિવસ દૂર કરી દેવામાં આવી. કર્મચારીઓને લાગ્યું કે વચ્ચેની વાડ નીકળી જતા હવે કદાચ હરણો આખી વાડમાં ફરશે કારણ કે એમ કરવા માટે તેઓ મુક્ત હતા. પરંતુ એવું કશું તેમણે કર્યું નહીં. વચ્ચેની વાડની એક કલ્પિત હદને પાર કરવાનો કોઈ હરણએ પ્રયત્ન કર્યો નહીં. તેઓ કુદતા દોડતા પણ જ્યાં અગાઉ પેલી વાડ હતી ત્યાં પહોંચીને અટકી જતા. લોખંડના સળિયાની વાડ કરતાં પણ તેમના ભેજામાં ઠસી ગયેલી અજ્ઞાનની વાડ વધુ મજબૂત હતી.
સુરતમાં એકવાર ધ ગ્રેટ યુનિવર્સ સર્કસ આવ્યું હતું. મૅનેજરને મળવા ગયા ત્યાં બે હાથી જોયા. એક જબરજસ્ત ઊંચો ૧૦ ફૂટ મોટો હાથી. બીજું નાનકડું મદનીયું! પેલા હાથીને પાતળી સાંકળે બાંધેલો અને મદનીયાને બાંધેલું મજબૂત સાંકળે! હાથી શાંતિથી ઉભેલો, જ્યારે મદનીયું છટકવા મથામણ કરતું હતું. મૅનેજરને પૂછ્યું, આટલો મોટો હાથી પાતળી સાંકળે બાંધ્યો છે અને આ નાના બચ્ચાને જાડી સાંકળથી કેમ બાંધ્યું? જો આ મોટો હાથી સાંકળ તોડીને છટકી જશે તો દસ-બારને મારી નાખશે.
મૅનેજર કહે, આ મોટો હાથી જ્યારે નાનો હતો ત્યારે અમે એને પણ જાડી સાંકળથી બાંધતા. એ છૂટવા ખૂબ કોશિશ કરતો. પણ કાંઈ વળતું નહીં. એક મહિનો બે મહિના, છ મહિના બાદ એને સમજાયું કે સાંકળ તોડવી અશક્ય છે. એના મગજમાં આવી માન્યતા થઈ જાય પછી અમે સાંકળ પાતળી કરી નાખીએ. આ નાના મદનીયાને એકવાર મનમાં ગ્રંથી બંધાઈ ગયા પછી એ પાતળી સાંકળ પણ તોડી શકશે નહીં.
હા, આ અજ્ઞાનની વાડ નીકળે તો જ જ્ઞાનનો પ્રકાશ થાય છે. પૂર્વે આરબ દેશના લોકો રેતીમાં ઊંટ લઈને ફર્યા કરતા, પરંતુ તેમને ખબર નહોતી કે આની નીચે અખૂટ તેલનો ભંડાર છે. યુરોપિયનોએ એને ખોલી બતાવ્યો. તો આજે ત્યાં સમૃદ્ધિની રેલમછેલ થઈ ગઈ. ઊંટ જતા રહ્યા અને ગાડીઓ ફરતી થઈ ગઈ.
પરંતુ કદાચ કોઈને આ લૌકિક અજ્ઞાનની વાડ નીકળી જાય તો પણ એને પૂર્ણ જ્ઞાન છે એ કહેવું જરા ઉતાવળ કરી કહેવાશે.
પ્રમુખસ્વામી મહારાજ એક દૃષ્ટાંત કહેતા. એક ગામમાં કોઈ બાવાજી હાથી લઈને આવ્યા. ચાર આંધળા હાથી જોવા આવ્યા હતા. જેના હાથમાં હાથીનું જે અંગ આવ્યું તે પ્રમાણે હાથીની કલ્પના કરી પહેલો કહે, હાથી સાંબેલા જેવો છે બીજો કહે, હાથી દોરડા જેવો છે ત્રીજો કહે, હાથી સુપડા જેવો છે ચોથો કહે, હાથી થાંભલા જેવો છે આવું વ્યક્તિગત અનુમાન કર્યું, પણ કોઈને સમ્યગ દર્શન ના થયું. માનવી સમગ્ર જીવન પોતાના માનેલા માળખાને પૂર્ણ જ્ઞાન કહી રાચે છે, પરંતુ આ તો પેલા કૂવાના દેડકા જેવું છે, જેને પોતાનું અજ્ઞાન સર્વોપરી જ્ઞાન જેવું લાગતું.
સ્વામીશ્રી સમજાવતા કે એક કૂવામાં એક ઘમંડી દેડકો રહેતો. એક નદી તે કૂવા પાસેથી સમુદ્રમાં જતી. એકવાર વરસાદમાં પૂરના લીધે એક દરિયાનો દેડકો કૂવામાં આવી પહોંચ્યો. તે કૂવાના દેડકાને કહે, ક્યાં અમારો દરિયો અને ક્યાં તમારો કૂવો. ત્યારે કૂવાનો દેડકો થાળી જેવડું કુંડાળું કરીને કહે, તારો દરિયો આટલો મોટો છે? ત્યારે દરિયાનો દેડકો કહે, એ તો બહું જ મોટો છે. પછી કૂવાનો દેડકો કૂવાની ધારે ધારે ફર્યો ને કહે, તારો દરિયો આ કૂવાથી તો મોટો નહીં જ હોય. જુઓ કેવું અજ્ઞાન!
આમ સત્પુરુષના સંગ વિના કેવળ આપણા ઈન્દ્રિયો અંત:કરણના જ્ઞાને કરીને સમ્યગ આત્મદર્શન થતું નથી. (ક્રમશ:) ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.