અજબ ગજબની દુનિયા

ઇન્ટરવલ

હેન્રી શાી

બોલાવવાના હતા ગોર, બોલાવવી પડી સુયાણી
૨૪ કલાક પછી જે કાનમાં લગ્નની ઘંટડી (વેડિંગ બેલ્સ)નો રણકાર સંભળાવાનો હતો એ કાનમાં હોસ્પિટલની એમ્બ્યુલન્સની સાઇરનનો અવાજ સંભળાય તો કેવું લાગે એની કલ્પના પણ કરવી ી પસંદ ન કરે. ‘સજના હૈ મુજે સજના કે લિયે’ એ પ્રત્યેક કોડભરી ક્ધયાનું ફેવરિટ ગીત હોવાનું. જોકે બ્રિટનની રેબેકા મેકમિલન નામની એક મહિલાએ લગ્નસ્થળે જવાને બદલે જાતે કાર ચલાવી હોસ્પિટલ પહોંચવું પડ્યું હતું. અલબત્ત, કારણ માંદગીનું નહીં, પણ ‘ગુડ ન્યુઝ’નું હતું. સિઝેરિયન પછી રેબેકાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે. પ્રિ-વેડિંગ ડિનર પછી બીજા દિવસે સવારે જાગી ત્યારે રેબેકાને વેણ ઊપડ્યું અને ઘરના સભ્યો આગલી રાત્રે ડ્રિંક્સ લઈને સૂતા હોવાથી મિડવાઈફને ફોન પર હકીકત જણાવી એ એકલી જ હોસ્પિટલ જવા નીકળી ગઈ. વરરાજા નિકને સવારે જાણ થતાં એ દિવસનો લગ્ન સમારંભ રદ કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા. લગ્નની ઉજવણીનો બધો સામાન પણ પેટીપેક કરી દીધો. ચાર વર્ષથી ડેટિંગ કરી રહેલાં નિક-રેબેકાએ લગ્નની તારીખ નક્કી કર્યા પછી રેબેકા પ્રેગ્નન્ટ હોવાની જાણ થઈ, પણ નિર્ધારિત દિવસે જ લગ્ન કરવાની ઈચ્છા તેમની હતી. જોકે ડ્યુ ડેટ કરતાં ચાર અઠવાડિયાં પહેલાં પ્રસવ પીડા ઊપડતાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. અલબત્ત, યુગલે હોસ્પિટલમાં મિત્રો અને પરિવારના સભ્યો સાથે કેક કટિંગ કરી નાનકડી ઉજવણી કરી સંતોષ માની લીધો હતો.

ગધાવૈતરુંની ગરજ
ગધેડો અત્યંત મહેનતુ પ્રાણી છે, પણ સખત કામ કરનારા માટે કે પછી થોડો લાભ મળવાનો હોય કે લાભ વગરની નકામી મહેનત માટે ગધામજૂરી કે ગધાવૈતરું જેવા શબ્દપ્રયોગ વપરાય છે. જોકે અનેક પ્રકારે પારાવાર સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં તો ગધાવૈતરું એક ગરજ, એક જરૂરિયાત બનીને સામે આવ્યું છે. થોડી વિચિત્ર લાગે એવી આ વાત હકીકત છે. પેટ્રોલિયમ પેદાશના ભાવ સાતમા આસમાને પહોંચી જતાં વાહન ચલાવવા જરૂરી પેટ્રોલ-ડીઝલ ખૂબ મોંઘાં થયાં છે. આ પરિસ્થિતિમાં ઈસ્લામાબાદ એરપોર્ટના એક કર્મચારીએ ગધેડાગાડીમાં ઓફિસ આવવાની પરવાનગી માગી છે. પત્ર લખી કર્મચારીએ જણાવ્યું છે કે પેટ્રોલિયમ પેદાશના ભાવ ખૂબ વધી ગયા હોવાથી પોતાના વાહનમાં ઓફિસે આવવું નથી પોસાતું. ઓફિસ તરફથી મળતું ઈંધણ ભથ્થું અટકાવી દેવાયું છે અને કર્મચારીને લાવવા-મૂકવાની સેવા પણ અટકાવી દેવાઈ છે. આ પરિસ્થિતિમાં ગધેડાગાડી સિવાય કોઈ વિકલ્પ નથી. અલબત્ત, એરપોર્ટ ઓથોરિટીએ આ આખી બાબતને મીડિયા સ્ટંટ તરીકે લેખાવી છે. મોંઘવારી માણસને કેવા વિચારે ચઢાવી દે છે એ બાબત હાસ્યાસ્પદ કરતાં કરુણાજનક વધુ છે.

શૂટિંગ સ્ટાર બન્યો શૂટિંગ સ્ટાર
અંજળપાણી એ આનું નામ એમ તમે આ વાંચી ચોક્કસ કહેવાના. આજથી ૪૭ વર્ષ પહેલાં (૧૯૭૫માં) જોનાથન સર્લ નામના બાળકલાકારે સ્ટીવન સ્પીલબર્ગની અવિસ્મરણીય ફિલ્મ ‘જોઝ’માં જે ટાપુ પર નાનકડો રોલ કર્યો હતો એ જ ટાપુ પર ૨૦૨૨માં એ પોલીસ ચીફ બની ફરજ બજાવવા આવી પહોંચ્યો છે. કેમેરા સામે શૂટિંગ કરનાર જોનાથન હવે જરૂર પડશે તો કાયદા રક્ષક તરીકે બંદૂક દ્વારા શૂટિંગ કરશે, મતલબ કે ગોળીબાર કરશે. યુએસના ન્યુ યોર્ક નજીક આવેલા એમિટી આઈલેન્ડ પર કરવામાં આવેલા શૂટિંગમાં જોનાથને એક એવા બાળકની ભૂમિકા કરી હતી જે નકલી શાર્ક પાણીમાં મૂકી અન્ય બાળકોને ડરાવવાની કોશિશ કરે છે. ‘જોઝ’ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ઓક્સ બ્લફ નામના શહેરમાં થયું હતું. જોગાનુજોગ જોનાથનનું પોસ્ટિંગ આ જ શહેરમાં થયું છે. મજેદાર વાત તો એ છે કે શાર્ક વિશે ખોટો ભય ફેલાવવાનાં જે કરતૂત જોનાથને ફિલ્મમાં અભિનયથી કર્યાં હતાં એવાં કરતૂત કરનાર એક વ્યક્તિને કેટલાંક વર્ષ પહેલાં પોતે બે શાર્ક જોઈ હોવાની અફવા ફેલાવવા બદલ સજા કરી હતી. રીલ લાઇફનો મેળ અનાયાસે રિયલ લાઈફ સાથે બેસી જતો હોય છે. કિશોરાવસ્થામાં અભિનયને રામ રામ કર્યા પછી જોનાથન પોલીસ ફોર્સમાં જોડાઈ ગયો હતો અને હવે પોલીસ ચીફ બનવાનું તેનું સપનું સાકાર થયું છે.

ક્યા યહી પ્યાર હૈ!
લગભગ દરેક ી-પુરુષના જીવનમાં ‘હમ તુમ્હેં ચાહતે હૈં ઐસે, મરનેવાલા કોઈ ઝિંદગી ચાહતા હો જૈસે’ કહેવાની રોમેન્ટિક ક્ષણ ક્યારેક તો આવતી જ હોય છે. જોકે એક બ્રિટિશ અખબારમાં પ્રગટ થયેલા અહેવાલ અનુસાર નેથેનિયલ નામના એક શખસને પોતાની કાર સાથે રોમેન્સ થઈ ગયો છે. ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’ – પહેલી નજરના આ અનોખા પ્રેમ પ્રકરણે સોશિયલ મીડિયાના વપરાશકારોમાં અનોખું કુતૂહલ જગાવ્યું છે. ડીલરના શોરૂમમાં જોતાંવેંત શખસને કાર સાથે અફેર થઈ ગયું એ તો જાણે સમજ્યા, પણ વાત આગળ વધી. પુરુષ-ી વચ્ચે શારીરિક આકર્ષણ થાય એમ ભાઈસાહેબને કારનો સ્પર્શ પણ મોહ પમાડવા લાગ્યો. કારને પ્રેમ કરવામાં તેને પારાવાર આનંદ થવા લાગ્યો. આ બંનેના અનોખા રોમેન્સની એક ડોક્યુમેન્ટરી પણ તૈયાર કરવામાં આવી છે. એમાં કારને પંપાળતો નેથેનિયલ બમ્પરને કિસ કરી બોલે છે, ‘આઈ લવ યુ બેબી.’ આ ડોક્યુમેન્ટરીમાં એક રસપ્રદ વાત એ છે કે કિશોરાવસ્થામાં જ તેને કાર માટે કૂણી લાગણી થવા લાગી હતી. યુવાની ફૂટી એમ ગર્લફ્રેન્ડના સહવાસમાં રહેવા લાગ્યો. જોકે ચેઝ (કારનું નામ)ને મળ્યો ત્યાં સુધી તેને સાચા પ્રેમની ઝાંખી ક્યારેય નહોતી થઈ. ચેઝ સાથે લવ એટ ફર્સ્ટ સાઈટ થયા પછી હવે એનાથી દૂર રહેવું નથી ગમતું. જો કારને સહેજ પણ ઘસરકો પડે કે બીજું કોઈ નુકસાન થાય તો નેથેનિયલને પીડા થાય છે. તાસકમાં કોઈ આખી દુનિયા ધરી દે તો પણ ચેઝને પોતે સોંપશે નહીં એવી સ્પષ્ટતા તેણે કરી દીધી છે. ‘ક્યા યહી પ્યાર હૈ? હાં યહી પ્યાર હૈ.’

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.