અજબ ગજબની દુનિયા

ઇન્ટરવલ

હેન્રી શાસ્ત્રી

ક્ધયાને કમાલનો ‘કરિયાવર’

દીકરીનાં લગ્ન થાય ત્યારે માતા-પિતા પહેરામણી-કરિયાવર કરતાં હોય છે. દહેજ કે દાયજોનાં આ રૂપાળાં નામ છે એવી પણ દલીલ કરવામાં આવે છે. આપણે અહીં એ યોગ્ય છે કે અયોગ્ય એની ચર્ચામાં નથી ઝંપલાવવું, પણ ‘કરિયાવર’ના એક અદ્ભુત કિસ્સાથી વાચકોને વાકેફ કરવા છે. લવ કે લિયે કુછ ભી કરેગાના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. આપણી સમાજ રચના એવી છે કે ક્યારેક પ્રેમલગ્ન કરનાર માથે જોખમનાં વાદળો સતત ઘેરાતાં રહે છે. જોકે મધ્ય પ્રદેશના એક નાનકડા ગામની મહિલાને તો પ્રેમલગ્ન લોટરી લાગી જેવાં પુરવાર થયાં છે. ૨૧ વર્ષની જાનકી નામની યુવતીએ ચાર વર્ષ પહેલાં લવ મેરેજ કર્યાં. ત્યારે પહેરામણી નહોતી થઈ શકી, પણ હવે એને ગામના સરપંચની ખુરશીના સ્વરૂપે અદ્ભુત ‘કરિયાવર’ મળી ગયો છે. થયું છે એવું કે જાનકી જે ગામમાં રહે છે ત્યાંની ગ્રામ પંચાયત અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત હતી. સરપંચના ઉમેદવારની શોધ શરૂ થતાં ધ્યાનમાં આવ્યું કે વ્યાખ્યામાં બંધબેસતી એકમાત્ર મહિલા જાનકી જ છે. ગામવાસીઓ અને પરિવારના સભ્યોના પ્રોત્સાહનને પગલે જાનકીને જિલ્લાના સૌથી તરુણ સરપંચ બનવાનો મોકો મળ્યો છે. આ જાનકી ધરતી મારગ આપે તો ગામની કાયાપલટ કરવા થનગની રહી છે.
———
દોઢ ફૂટ લાંબા કાનવાળી બકરી

માનવશરીર પરના દરેક અંગની લંબાઈનું એક નિશ્ર્ચિત માપ હોય છે. અલબત્ત, ક્યારેક કોઈની આંખો મોટી હોય તો કોડા જેવી છે એમ કહેવાય છે. નાક અલગ આકારનું હોય તો પોપટ સાથે સરખાવાય છે અને કાન લાંબા-પહોળા હોય તો સૂપડા જેવા છે એવું બોલાય છે. પાકિસ્તાનમાં તાજેતરમાં ૧૯ ઈંચ (આશરે દોઢ ફૂટ) લાંબા કાન સાથે જન્મેલી બકરી કુતૂહલ અને ચર્ચાનો વિષય બની છે. બકરીબહેન ચાલે છે ત્યારે કાનની બૂટ જમીન સાથે ઘસડાય એટલા લાંબા આ કાન છે. બકરીના માલિકે જણાવ્યા અનુસાર એ ઓલાદની બકરી લાંબા કાન માટે પ્રખ્યાત છે. જોકે આ બકરીના કાન વધુ પડતા લાંબા છે. એ પૂર્ણ કદની થશે ત્યારે લાંબા કાનવાળી બકરીના ગિનેસ વર્લ્ડ રેકોર્ડની દાવેદાર બનવાની સંભાવના છે. આજની તારીખમાં લાંબા કાનનો વિશ્ર્વ વિક્રમ ધરાવતી કોઈ બકરી નથી. રાહત આપનારી વાત એ છે કે વિચિત્ર શરીર રચના હોવા છતાં એનું સ્વાસ્થ્ય એકદમ સારું છે. અન્ય બકરીઓની સરખામણીમાં આ બકરી વધુ સાંભળી શકે છે કે કેમ એ સંશોધનનો વિષય છે.
———
પઢેલા પોપટનો પ્રોબ્લેમ

નાનપણમાં ‘વાઘ આવ્યો રે વાઘ’ વાર્તા તમે સાંભળી હશે. એક ભરવાડનો છોકરો વાઘ આવ્યો છે એવી ખોટી ખોટી કાગારોળ મચાવી અન્ય ભરવાડોને પરેશાન કરે છે અંતે પોતાને જ ભોગવવાનું આવે છે એ એનો સાર છે. યુકેની વેસ્ટ મિડલેન્ડ્સ કાઉન્ટીનો આ કિસ્સો વાંચી તમને ‘ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર’ કહેવત યાદ આવી જશે. વાત એમ બની કે એક આધેડ વર્ષની મહિલા તકલીફમાં છે એવી માહિતી મળતાં પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કળ વાપરી દરવાજો ખોલ્યો તો ઘર ખાલીખમ હતું. માત્ર પાંજરામાં પૂરેલો એક પોપટ હતો. તપાસ ચાલી રહી હતી ત્યાં એક યુવાન આવ્યો અને પોલીસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે મદદ માટે તેની માતાએ નહીં, પણ પોપટે બૂમ પાડી હતી. આ પ્રસંગ પોલીસે જ ટ્વિટર પર રજૂ કરતાં તીવ્ર પ્રત્યાઘાત જોવા મળ્યા. ‘પોલીસનો કીમતી સમય બગાડવા બદલ એ પરિવારને દંડ કરો’ એવી પ્રતિક્રિયા આપી તો કોઈએ પોલીસની સતર્કતાની પ્રશંસા પણ કરી. એક જણે તો પોપટની ધરપકડ કરવી જોઈએ એવું પણ જણાવ્યું. પઢેલો પોપટ પ્રોબ્લેમ બની ગયો.
———–
વાંદા વસાવો, રોકડા મેળવો

‘મારે પણ એક ઘર હોય’ એ સપનું સાકાર થયા પછી એ ઘરને શણગારવાની અને પછી એની જાળવણી અગ્રક્રમે હોય છે. એમાંય ભેજ-ગંદકીને કારણે મચ્છર-વાંદા વગેરેનો ત્રાસ પીડાદાયક હોય છે. હવે તો જોકે એક ફોન કરી પેસ્ટ કંટ્રોલવાળાને બોલાવી એની ફી ચૂકવી જીવજંતુઓથી છુટકારો મેળવી શકાય છે. જોકે એક અમેરિકન કંપની ઊલટી ગંગા વહાવી રહી છે. ઘરમાં વાંદા વસાવવા તૈયાર હોય એવા લોકોને બે હજાર ડોલર રોકડા આપવા તૈયાર છે. આ કોઈ મસ્તી-મજાકનો ખેલ નથી, પણ વાંદાનો કાયમ માટે ખાત્મો બોલાવી દેવાના આશય સાથે કમર કસનાર આ કંપની પોતાના પ્રયોગનું પરીક્ષણ કરવા ધારે છે. ગયા અઠવાડિયે કંપનીએ પોતાની વેબસાઈટ પર એક જાહેરખબર આપી હતી, જેમાં સાત ઘરમાલિકને ૧૦૦ અમેરિકન વાંદા વસાવવાનું ઈજન આપવામાં આવ્યું છે. આવા પ્રયોગ માટે બહુ લોકો તૈયાર નહીં થાય એ હેતુથી કંપનીએ રજૂઆત માટે ૩૧ જુલાઈની ડેડલાઈન રાખી હતી, પણ એક જ અઠવાડિયામાં ૨,૫૦૦ અરજી આવી ગઈ. પૈસો પૈસાને ખેંચે એ સાંભળ્યું હશે, પણ વાંદો પૈસા ખેંચે એ આજે જ જાણ્યું.
———
ભંવરે કી ગુંજન હૈ મેરા દિલ

ગીતા દત્તે ગાયું છે કે ‘ભંવરા બડા નાદાન હૈ’, પણ ભમરો માનવજાતિ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે એ વૈજ્ઞાનિક સંશોધનોમાં પુરવાર થયું છે. અમેરિકન રાજ્ય નેબ્રાસ્કાના ઓમાહા શહેરમાં ‘ભંવરે કી ગુંજન હૈ મેરા દિલ’નો પડઘો પાડતી ઘટના બની છે. વાત એમ છે કે સો વર્ષ જૂના પારિવારિક ઘરમાં રહેતા એક યુગલે તેમના બેકયાર્ડમાં ભમરાને મંડરાવું ગમે એવા ફૂલના રોપા લગાડ્યા હતા. અલબત્ત, ‘ગુનગુના રહે હૈ ભંવર’ ગાવાનો વારો આવશે એની તેમને ખાતરી નહોતી. જોકે ભમરા પારખી ગયા અને દીવાલમાં રહેલું કાણું ગોતી એમાંથી અંદર પેસી ગયા. ધીરે ધીરે લોગ આતે ગયે ઔર કારવાં બનતા ગયા એ ન્યાયે ગણગણાટ વધવા લાગ્યો અને એક દિવસ તો બેડરૂમમાં જ ભમરાનું ટોળું જોઈ યુગલ હેબતાઈ ગયું. પહેલાં તો જંતુનો સફાયો કરનાર ટીમને બોલાવવાનો વિચાર આવ્યો, પણ અચાનક પતિને ભમરાની ઉપયોગિતા અને મહત્ત્વ વિશે જોયેલા શોનું સ્મરણ થયું અને ભમરાની સાચવણી-જાળવણી કરતી સંસ્થાનો સંપર્ક કરી ગાંઠના ૬૦૦ ડોલર ખર્ચી બધા ભમરાનું સ્થળાંતર કરાવ્યું. પર્યાવરણ પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.