અજબ ગજબની દુનિયા

ઇન્ટરવલ

હેન્રી શાસ્ત્રી

કંસારો અને વાંદો: એક નામ, બે ઓળખ
વિલિયમ શેક્સપિયર ભલે કહી ગયા હોય કે નામમાં શું બળ્યું છે? પણ નામનો મહિમા અપરંપાર છે. નામનું સૌથી મહત્ત્વનું કામ છે ઓળખ આપવાનું. હાથી નામ પડતા વિરાટ કદનું પ્રાણી નજર સામે તરવરે તો કીડી બોલતા નાનકડા જીવનો ખ્યાલ આવે.
અલબત્ત ઘણી વાર એક જ નામ એકથી વધુ ઓળખ પણ ધરાવતા હોય છે. કંસારો નામ પડતા કલાઈનું – કાંસાનું કામ કરનાર માણસનું જ સ્મરણ થાય.
જોકે, જાણવા જેવી અને જાણીને સ્મરણમાં રાખવા જેવી વાત એ
છે કે કંસારો એક નાના કદનું પક્ષી પણ છે. ટુકટુક તરીકે પણ
ઓળખાય છે.
માથા પર શોભતા ચળકતા રંગોને કારણે સુંદર દેખાય છે. તેના ગળામાંથી નીકળતો ટુકટુક અવાજ તાંબા – પિત્તળના વાસણ બનાવતા કારીગર (કંસારા) દ્વારા સતત હથોડી ટીપવાથી થતા અવાજ જેવો હોવાથી તેને આ નામ મળ્યું છે. વાંદો સાંભળતા જ રાતી
પાંખવાળો જીવડો નજર સામે આવે. જોકે, ગુજરાતમાં વાંદો એક પ્રકારની પરોપજીવી વનસ્પતિનું પણ નામ છે. કંસારો આ વનસ્પતિનાં ફળ ખાસ આરોગે છે. વાંદાનો ઉપદ્રવ હોય તો ત્યાં આ પક્ષીની હાજરી જરૂર હોય છે.
———-
પેટ છે કે પરચૂરણ પેટી!
કોઈ પણ હોસ્પિટલના સર્જનો માટે ઓપરેશન કોઈ નવાઈની વાત નથી હોતી. અલબત્ત ગયા અઠવાડિયે ટર્કીની હોસ્પિટલમાં એક દરદીનું ઓપેરેશન કર્યા પછી સર્જન અચંબામાં પડી ગયા હતા. નાના ભાઈને પેટમાં દુખાવો ઉપડતા મોટો ભાઈ તેને હોસ્પિટલ લઈ આવ્યો. રૂટિન ચેકઅપના ભાગરૂપે ડોક્ટરોએ તેની એન્ડોસ્કોપી કરી અને પરિણામ જોઈ તેમની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે ભાઈસાહેબના પેટમાં ૨૩૩ ચલણી સિક્કા, કેટલીક બેટરી અને મેગ્નેટ, ખીલા, કાચના ટુકડા, કાંકરા, સ્ક્રૂ અને બીજી કેટલીક વસ્તુ દેખાઈ. વાઢકાપ કરી આ બધી ચીજવસ્તુઓ બહાર કાઢવામાં આવી અને હોજરીની પૂર્ણપણે સફાઈ પણ કરી લેવામાં આવી. સદ્ભાગ્યે દરદી સલામત છે, પણ ડોક્ટરોને એ સમજાતું નથી કે મોટાભાગે બાળકોના પેટમાં જોવા મળતી આ પ્રકારની વસ્તુ ૩૫ વર્ષના પુરૂષના પેટમાં પહોંચી કઈ રીતે? અજબ દુનિયાની ગજબ વાત, બીજું શું? અલબત્ત માનસિક રીતે અસ્થિર હોય કે જેલનો કેદી કે પછી સતામણીનો ભોગ બનેલી વયસ્ક વ્યક્તિના કેસમાં આવું બનવું શક્ય છે. હોસ્પિટલ વિગતે તપાસ કરી રહી છે.
——–
એકવીસમી સદીની અંધશ્રદ્ધા
એકવીસમી સદીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીએ જબરજસ્ત પ્રગતિ કરતા માનવજીવન અને વિચારધારામાં ક્રાંતિ આવી ગઈ છે. અલબત્ત રવિવારે
સ્પેનના ગામમાં બનેલી ઘટના હજુ પણ માનસિક રીતે કેટલા પછાત છીએ એનું પ્રતિબિંબ છે.
ગામમાં ‘બેબી જમ્પિંગ ફેસ્ટિવલ’ તરીકે ઓળખાતો એક વિધિ દર વર્ષે જૂન મહિનામાં છેલ્લા ૫૦૦ વર્ષથી પાર પાડવામાં આવે છે.
આ વિચિત્ર વિધિ દરમિયાન ગામવાસીઓ અને ટુરિસ્ટો પોતાના એક વર્ષથી નાની ઉંમરના બાળકોને ગામની સડક પર પાથરેલી એક ચટાઈ પર સૂવડાવે છે. થોડી વાર પછી ડ્રમ વગાડતા ‘પવિત્ર પુરૂષો’નું આગમન થાય છે અને તેઓ બાળકો પરથી કૂદાકૂદ કરતા આગળ વધે છે. ત્યારબાદ બાળકો પર ગુલાબની પાંદડીઓનો છંટકાવ કરી બાળકને શાંત પાડવા નજીક હાજર રહેલા માતાપિતાને સોંપી દેવાય છે.
આ વિધિને કારણે બાળકોને પૂર્વ જન્મના પાપમાંથી મુક્તિ મળે છે અને હવે પછીના જીવનમાં રોગ અને કમનસીબી સામે રક્ષણ મળે છે એવી વિચિત્ર માન્યતા છે. આ પ્રથામાં સહભાગી થવા માગતા ટુરિસ્ટોનું પ્રમાણ વધી રહ્યું હોવાથી ગામવાસીઓ એની ઉજવણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.