અગ્નિવીર યોજના સામે ઉત્તર ભારતમાં ભડકો કેમ?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના લશ્કરની ત્રણેય પાંખમાં ભરતી કરવા માટે જાહેર કરેલી ‘અગ્નિપથ’ યોજના સામે ઉત્તર ભારતનાં રાજ્યોમાં ભડકો થઈ ગયો છે. મોદી સરકારે ચાર દિવસ પહેલાં આ યોજનાની જાહેરાત કરી ત્યારે જ બિહારમાં ભડકો થઈ ગયેલો. ધીરે ધીરે બીજાં રાજ્યોમાં પણ હિંસાની ઝાળ લાગી અને અત્યારે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડ એ સાત રાજ્યોમાં હિંસા થઈ રહી છે. સૌથી વધારે હિંસા ઉત્તર પ્રદેશ અને બિહારમાં થઈ રહી છે પણ ઉત્તરનાં બીજાં રાજ્યો પણ અલિપ્ત નથી.
બિહારમાં મોટભાગના જિલ્લા હિંસાની લપેટમાં આવી ગયા છે. ભડકેલા યુવાનો રસ્તા પર આવીને ટ્રાફિકજામ કરી નાંખ્યો હોય એવું તો કેટલાય ઠેકાણે બની રહ્યું છે પણ સમસ્તીપુર અને લખીસરાઈમાં તો યુવાનોએ પેસેન્જર ટ્રેનને આગ ચાંપી દીધી. બક્સર અને નાલંદામાં રેલવે ટ્રેક સળગાવી દીધો જ્યારે વૈશાલીના હાજીપુર રેલવે સ્ટેશન પર તોડફોડ કરીને તહસનહસ કરી નાખ્યું. તોફાનોના કારણે રેલવેએ ઘણી બધી ટ્રેનો રોકી દેવી પડી છે, ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં ઓછી હિંસા છે પણ યુવાનો રસ્તા પર તો આવી જ ગયા છે. બીજાં રાજ્યોમાં બિહાર જેટલી હિંસા નથી પણ વત્તાઓછા અંશે હિંસા તો થઈ જ છે. યુવાનો જે રીતે ભડકેલા છે એ જોતાં જલદી બધું શાંત પડે એવી આશા નથી. બલકે બીજાં રાજ્યોમાં પણ હિંસા વધારે ભડકે એવું બની શકે.
ગુજરાતી યુવાનો લશ્કરમાં બહુ જતા નથી તેથી ગુજરાતીઓને બિહાર સહિતનાં ઉત્તર ભારતનાં રાજ્યોમાં યુવાનો હિંસા પર ઊતર્યા છે તેનું આશ્ર્ચર્ય થઈ રહ્યું છે. ભાજપ આ યોજનાના બચાવમાં મેદાનમાં ઊતર્યો છે ને સોશિયલ મીડિયા પર ઝુંબેશ શરૂ કરી છે. વોટ્સએપ પર યોજનાના બચાવના મેસેજીસનો મારો ચાલી રહ્યો છે તેથી મોટા ભાગનાં લોકોને આ વિરોધ નકામો પણ લાગી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એ પ્રકારના અભિપ્રાય પણ વ્યક્ત થઈ રહ્યા છે. આ અભિપ્રાય સાચો છે કે નહીં એ સમજવા પહેલાં તો અગ્નિપથ યોજના શું છે એ સમજવું જરૂરી છે.
અગ્નિપથ યોજના દેશના લશ્કરની ત્રણેય પાંખમાં ટૂંકા ગાળા માટે યુવાનોની ભરતી કરવાની યોજના છે. આ યોજના હેઠળ ભરતી કરાયેલા યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે. સરકારે કરેલી જાહેરાત પ્રમાણે, આ અગ્નિવીરોને રણ, પર્વત, જમીન, સમુદ્ર સહિત વિવિધ સ્થળોએ તહેનાત કરવામાં આવશે. જો કે સૌથી મોટી વાત એ છે કે, આ યોજના અંતર્ગત યુવકોને માત્ર ચાર વર્ષ માટે નોકરી પર રખાશે ને તેમણે ચાર વર્ષ માટે ડિફેન્સ ફોર્સમાં સેવા આપવાની રહેશે.
આ નવી યોજના હેઠળ અધિકારીના રેન્કથી નીચેના સૈનિકોની ભરતી કરવામાં આવશે. આ સૈનિકોનો પર્સનલ બિલો ઑફિસર રેન્ક હશે. તેમનો રેન્ક ત્રણેય પાંખમાં કમિશન્ડ ઑફિસર અને નોન-કમિશન્ડ ઑફિસરની કક્ષાનો કદી નહીં થાય. આ સૈનિકોને ૨૮ હજારથી શરૂ કરીને ૪૦ હજાર સુધીનો પગાર મળશે. ચાર વર્ષ પછી લગભગ ૨૫ ટકા સૈનિકોને સારી કામગીરીના આધારે લશ્કરમાં ચાલુ રખાશે પણ જેમને છૂટા કરાશે તેમને કોઈ પેન્શન નહીં અપાય, બીજા લાભો નહીં અપાય.
અગ્નિવીર બનવા માટેની ઉંમર ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષ રખાયેલી પણ વિરોધ વધતાં આ વર્ષ માટે જ બે વર્ષનું એક્સટેન્શન આપીને હવે ૨૩ વર્ષ સુધીના યુવાનો અરજી કરી શકે એવી જોગવાઈ કરાઈ છે. સંરક્ષણ મંત્રાલયે કરેલી જાહેરાત પ્રમાણે, છેલ્લાં બે વર્ષમાં કોઈ ભરતી ન થઈ હોવાના કારણે વયમર્યાદામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગ્નિવીર બનવા માટે ઓછામાં ઓછું ધોરણ ૧૦ પાસ
હોવું જરૂરી છે. અલબત્ત તેના માટેની મહત્તમ વયમર્યાદા ૨૧ વર્ષ છે તેથી ગ્રેજ્યુએશન કરતાં ઓછું ભણેલા જ અરજી કરી શકશે.
હવે આ જાહેરાત સામે ઉત્તર ભારતના યુવાનો કેમ ભડક્યા છે તેની વાત કરી લઈએ. ઉત્તર ભારતમાંથી મોટા પ્રમાણમાં લશ્કરમાં યુવાનો જાય છે તેથી તેમના માટે લશ્કરમાં ભરતી એ રોજગારીનો મુદ્દો છે. તેમાં બાંધછોડ કરાઈ તેથી યુવાનો બગડ્યા છે. વિરોધ કરનારા યુવાનોનું કહેવું છે કે, લશ્કરમાં માત્ર ૪ વર્ષ માટે ભરતી કરવી એ રોજગારના અધિકારનું ઉલ્લંઘન છે અને સરકારે આ યોજના લાવીને ગરીબ યુવાનોનું અપમાન કરી રહી છે કેમ કે લશ્કરમાં ગરીબ પરિવારનો દીકરો જ જાય છે, કોઈ ધારાસભ્ય, સાંસદ, મંત્રી કે મુખ્યમંત્રીનો પુત્ર લશ્કરમાં ભરતી થયો હોય એવું સાંભળ્યું નથી. મોદી સરકાર યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહી હોવાનો આક્રોશ પણ યુવાનો ઠાલવી રહ્યા છે. થોડા સમય માટે ભરતી કરીને પછી છૂટા કરાયેલા યુવાનોનું કોઈ ભાવિ જ નહીં રહે એવો પણ તેમનો દાવો છે.
આ દલીલ ખોટી નથી કેમ કે સરકાર દસ અને બાર ધોરણ પાસ યુવાનોની ભરતી કરવાની છે. ચાર વર્ષ નોકરી કર્યા પછી તેમની લાયકાતમાં એવો વધારો થવાનો નથી કે જેના કારણે તરત નોકરી મળી જાય. આ સંજોગોમાં અગ્નિવીર તરીકે કામ કર્યા પછી તેમનું શું થશે એ સવાલ મહત્ત્વનો છે. અગ્નિવીર તરીકે સરકાર તેમને ચાલીસ હજાર સુધી પગાર આપવાની છે. નિવૃત્તિ સમયે તેમને ૧૧ લાખ રૂપિયા મળવાના છે પણ અત્યારની મોંઘવારી જોતાં આ રકમ બહુ મોટી નથી એ જોતાં તેમનું ભાવિ શું હશે એ સવાલ છે જ.
લશ્કરમાં આ રીતે ટૂંકા ગાળા માટે ભરતી કરાય તેના કારણે જવાનોમાં દેશપ્રેમની ભાવના નહીં આવે એવી દલીલો પણ થઈ રહી છે. યુવાનોમાં આક્રોશનું એક કારણ એ પણ છે કે, છેલ્લાં બે વર્ષથી લશ્કરમાં ભરતી થઈ નથી. હવે ભરતીની જાહેરાત કરાઈ ત્યારે એ પણ કોન્ટ્રાક્ટ આધારિત ભરતી જેવી છે. યુવાનોનું એવું પણ કહેવું છે કે, સરકાર જવાનોની સિનિયોરિટી વધે ત્યારે આપવા પડતા ઊંચા પગાર અને પેન્શન બચાવવા દેશની સુરક્ષા સાથે રમત કરી રહી છે.
મોદી સરકારે આ સવાલોના સંતોષકારક જવાબો આપીને યુવાનોને શાંત પાડવા જરૂરી છે. બાકી આ વિરોધ બીજું ખેડૂત આંદોલન બની જશે.

3 thoughts on “અગ્નિવીર યોજના સામે ઉત્તર ભારતમાં ભડકો કેમ?

  1. અગ્નીવિર યોજના ના વિરોધ નુ કોઈ નક્કર કારણ નથી જણાતું. સરકારે જે લાભ જાહેર કર્યા છે તે પણ યુવાઓ ને પગભર થવા ઉપયોગી બની શકે તેમ છે.

  2. અગ્નીવિર યોજના ના વિરોધ નુ કોઈ નક્કર કારણ નથી જણાતું. સરકારે જે લાભ જાહેર કર્યા છે તે પણ યુવાઓ ને પગભર થવા ઉપયોગી બની શકે તેમ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.