‘અગ્નિપથ’ યોજનાના અમલ માટે સંરક્ષણ મંત્રાલય મક્કમ

દેશ વિદેશ

અગ્નિપથ: નવી દિલ્હીમાં સાઉથ બ્લોક ખાતેના સંરક્ષણ મંત્રાલયમાં કેન્દ્ર સરકારની ‘અગ્નિપથ યોજના’ના અમલનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરી અને અન્ય લશ્કરી અધિકારીઓ. (પીટીઆઇ)

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રાલયે લશ્કરના ત્રણ દળમાં ભરતી માટેની ‘અગ્નિપથ’ યોજનાના અમલ માટેનો મક્ક્મ નિર્ધાર રવિવારે વ્યક્ત કર્યો હતો. હવાઈદળ ૨૪ જૂનથી રજિસ્ટ્રેશન શરૂ કરશે, નૌકાદળ પણ ચાલુ મહિને જ ભરતીની યોજના જાહેર કરશે, જ્યારે ભૂમિદળ સોમવારે ડ્રાફ્ટ નૉટિફિકેશન જાહેર કરશે.
‘અગ્નિપથ’ની ઑનલાઈન પરીક્ષા માટેની પ્રક્રિયા ૨૪ જુલાઈથી શરૂ થશે.
અગ્નિવીરનો પ્રથમ બૅચ ૨૧ નવેમ્બરથી ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટમાં તાલીમ માટે આવશે એમ જણાવતાં નૌકાદળના અધિકારીએ કહ્યું હતું કે અગ્નિપથ યોજના હેઠળ પુરુષ અને મહિલા બંનેની ભરતી કરવામાં આવશે.
અગ્નિવીરો માટે નોકરીની શરતો નિયમિત સૈનિકો માટે હોય તેવી જ હશે, એમ સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું.
અગ્નિપથ યોજના હેઠળ દેશભરમાં ઑગસ્ટ, સપ્ટેમ્બર, ઑક્ટોબરમાં ભરતી કરવામાં આવશે, એમ લશ્કરના અધિકારીએ કહ્યું હતું.
પસીસ હજાર અગ્નિવીરોનો પ્રથમ બૅચ ડિસેમ્બર, બીજો બૅચ આવતા વર્ષના ફેબ્રુઆરીમાં સેનામાં જોડાશે, એમ તેમણે કહ્યું હતું. અગ્નિપથ યોજના હેઠળ ૮૩ ભરતી શિબિર મારફતે અંદાજે ૪૦,૦૦૦ જેટલા અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે.
લશ્કરી દળમાં વધુને વધુ યુવાનોની ભરતી થઈ શકે તે માટે અમે આ યોજના અમલમાં મૂકી છે, એમ સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું. માત્ર અગ્નિપથ યોજના હેઠળ જ વહેલી નિવૃત્તિ થશે એવું નથી. દર વરસે અંદાજે ૧૭,૬૦૦ અધિકારીઓ વહેલી નિવૃત્તિ લઈ લે છે એમ જણાવતાં સરકારી અધિકારીએ કહ્યું હતું કે લશ્કરી દળમાં વધતી ઉંમર ચિંતાજનક પરિબળ છે.
ભારતીય સેનાએ કહ્યું હતું કે ભવિષ્યમાં અગ્નિવીરમાં ભરતીની સંખ્યા વધારીને ૧.૨૫ લાખ કરવામાં આવશે.
દેશ માટે શહીદ થનારા અગ્નિવીરના પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવશે, એમ ભારતીય સેનાએ કહ્યું હતું.
દરમિયાન, કેન્દ્ર સરકારની નવી અગ્નિપથ યોજના માટેની અગ્નિવીરોની પાત્રતા, ઉંમર, તાલિમ, શૈક્ષણિક લાયકાત, નોકરીનો સમયગાળો, કારકિર્દીના વિકલ્પ સહિતની વિગતો ભારતીય હવાઈદળે રવિવારે જાહેર કરી હતી.
૧૮ વર્ષથી ઓછી વયના અગ્નિવીરોનું નામ નોંધણીનું ફોર્મ માતાપિતા કે ગાર્ડિયનેે સહી કરેલું હોય તે જરૂરી છે.
૧૭.૫થી ૨૧ વર્ષની વયજૂથના લોકોને આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે.
આ યોજના અંતર્ગત નામ નોંધાવનાર પાત્ર ઉમેદવારને રૂ. ૩૦,૦૦૦ પ્રતિમાસનો પગાર અને દર વરસે મુકરર કરેલું ઈન્ક્રીમેન્ટ આપવામાં આવશે. પ્રત્યેક અગ્નિવીરે તેની કુલ માસિક આવકના ૩૦ ટકા ‘અગ્નિવીર કોર્પસ ફંડ’માં જમા કરાવવાના રહેશે. ફંડમાં જમા થયેલી રકમ પર સરકાર તેમને પીપીએફની રકમ પર આપવામાં આવતા વ્યાજ જેટલું વ્યાજ આપશે.
અગ્નિવીરનું મૃત્યુ થાય તેવા સંજોગામાં વીમા અને વળતરની રકમ તેના વારસદારને આપવામાં આવશે.
ચાર વર્ષ બાદ નિવૃત્ત થાય તે સમયે અગ્નિવીરે ભંડોળમાં જમા કરાવેલી રકમ જેટલી જ રકમ સરકાર જમા કરાવશે અને જમા થયેલી કુલ રકમ વ્યાજ સહિત તેને પાછી આપવામાં આવશે.
આ રકમને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવશે. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.