અગ્નિપથને કોમવાદી એંગલ, વિકૃતિની ચરમસીમા

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ભારતીય લશ્કરમાં ભરતી માટેની અગ્નિપથ યોજનાના ઉગ્ર વિરોધને શાંત પાડવા મથી રહી છે. મોદી સરકારે ‘અગ્નિવીર’ યુવાનો માટે સેન્ટ્રલ આર્મ્ડ પેરામિલિટરી ફોર્સિસ (સીએપીએફ), આસામ રાયફલ્સ તથા અન્ય ઘણી સરકારી નોકરીઓમાં ૧૦ ટકા બેઠકો અનામત રાખવાની જાહેરાત કરીને યુવાનોને શાંત પાડવા પ્રયત્ન કર્યો છે. દેખાવકારો સાથે વાતચીત કરવાની તૈયારી પણ બતાવી છે. આ હિંસક આંદોલન વધારે ભડકે નહીં એ માટે મોદી સરકાર હકારાત્મક પગલાં ઊઠાવી રહી છે તેમાં શંકા નથી પણ વધુ એક હકારાત્મક પગલું સોશિયલ મીડિયાના શૂરવીરોને કાબૂમાં લેવાનો છે કેમ કે તેમના બકવાસના કારણે સમાજમાં વિભાજન થઈ રહ્યું છે.
આપણે ત્યાં એક વર્ગ એવો છે કે જે મોદી સરકારના કોઈ પણ નિર્ણયનો બચાવ કરવા માટે દુનિયામાં બીજે શું છે તેની પારાયણ માંડીને બેસી જાય છે કે પછી કૉંગ્રેસના રાજમાં શું હતું તેની વાત માંડી દે છે. ભારતમાં મોંઘવારી વધે કે લીંબુ-બટાટા- ટામેટા-ડુંગળી જેવી જીવન જરૂરિયાતની ચીજોના ભાવ વધે એટલે તરત તેમને પાકિસ્તાનમાં શું સ્થિતિ છે એ યાદ આવી જાય છે. પાકિસ્તાનમાં તો આટલા ભાવ છે ને પેલા દેશમાં આટલા ભાવ છે ત્યારે હજુ તો આપણે ત્યાં લીંબુ ૪૦૦ રૂપિયે જ કિલો થયાં છે એવી વાહિયાત દલીલો શરૂ થઈ જાય છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધે એટલે અમેરિકામાં ભાવ આટલા થઈ ગયા ને બ્રાઝિલમાં આટલા થઈ ગયા તેની કથા શરૂ થઈ જાય છે.
અગ્નિપથ યોજનાના મુદ્દે પણ એ જ થઈ રહ્યું છે. મોદી અત્યારે જે યોજના લાવ્યા છે એ તો દુનિયામાં ૪૦થી વધુ દેશોમાં પહેલેથી છે એવી વાતોના મારો શરૂ થઈ ગયો છે. કેટલા દેશ એવા છે, જ્યાં પુરુષ અને મહિલાઓ બંને માટે લશ્કરમાં સેવા ફરજિયાત આપવી પડે છે તેની યાદીઓ પણ ફરતી થઈ ગઈ છે. ચીન, ઇઝરાઇલ, સ્વિડન, યૂક્રેન, નોર્વે, ઉત્તર કોરિયા, મોરક્કો વગેરે દેશોમાં પુરુષ અને મહિલાઓ બંને માટે લશ્કરમાં સેવા ફરજિયાત છે તેની વાતો વહેતી કરી દેવાઈ છે.
ઇઝરાયલમાં પુરુષોએ લશ્કરમાં ૩ વર્ષ અને મહિલાએ ૨ વર્ષ સુધી ફરજિયાત સેવા આપવી પડે છે ને વિદેશમાં રહેતા તમામ ઇઝરાયલી નાગરિકો માટે પણ લશ્કરી સેવા ફરજિયાત છે એવા ગપ્પાં વહેતાં થયાં છે. ભારતના પડોશી દેશ ચીનમાં પણ લશ્કરમાં બે વર્ષ માટે સેવા આપવી ફરજિયાત છે એવી વાતો થઈ રહી છે. બીજા પણ દેશોનાં ઉદાહરણ અપાઈ રહ્યાં છે.
આપણે ત્યાં એક વર્ગ પાછો એવો છે કે જે કોઈ પણ વાતને હિંદુ વર્સિસ મુસ્લિમનો એંગલ આપી દે છે. અગ્નિપથની ભરતી દ્વારા મુસ્લિમો સામે લડવા માટે હિંદુઓને તૈયાર કરવાનું પુણ્યકાર્ય મોદીજી કરી રહ્યા છે એવી વાતો આ વર્ગની મહેરબાનીથી સોશિયલ મીડિયા પર ફરતી થઈ ગઈ છે. મુસ્લિમો ગઝવા એ હિંદ કરે ત્યારે તેની સામે લડવા હિંદુઓ તૈયાર હોય એ માટે મોદી સાહેબ આ બધું કરી રહ્યા છે એવી બકવાસ વાતોનો મારો ચાલી રહ્યો છે. ગઝવા એ હિંદની વાતો કરનારા લલવાઓને ગઝવા એ હિંદ શું તેની ખબર પણ નહીં હોય પણ આ બહાને ઉન્માદ ઊભો કરાઈ રહ્યો છે.
આ બંને પ્રકારની વાતો એ વાતનો પુરાવો છે કે, આપણે ત્યાં મંદબુદ્ધિ ધરાવતાં અને ઘેટાંનાં ટોળાંની જેમ વર્તતા લોકોની સંખ્યા વધતી જ જાય છે. એ લોકોમાં એક વાત સમજવાની તાકાત જ નથી કે, લશ્કરમાં ફરજિયાત સેવા આપવી અને લશ્કરમાં સૈનિકોની ભરતી કરવી તેમાં આસમાન-જમીનનો ફરક છે. ઈઝરાયલ હોય કે ચીન હોય, ફરજિયાત લશ્કરી તાલીમ આપનારો કોઈ પણ દેશ તાલીમ લઈ રહેલા યુવાનોને દેશની સરહદ પર તૈનાત કરતો નથી કે દુશ્મન સામે લડવા મોકલતો નથી.
આ યુવાન-યુવતીઓ માત્ર તાલીમ લે છે, દેશના લશ્કર માટે સેવા આપતા નથી કે પોતાનો જીવ જોખમમાં મૂકતા નથી. જે દેશોની વસતી ઓછી છે એ દેશો યુદ્ધની સ્થિતિનું નિર્માણ થાય ત્યારે ફ્રન્ટ પર લડતા સૈનિકોને શસ્ત્રો, પુરવઠો વગેરે મળી શકે એ માટે તેમને તાલીમ અપાય છે, સૈનિકો ઘટે ત્યારે શસ્ત્રો પણ ઉઠાવી શકાય તેની તેમને તાલીમ અપાય છે. માનો કે આ તાલીમ દરમિયાન કાયમી પંગુતા આવે તો સરકાર તેમનો આજીવન નિર્વાહ કરવાની જવાબદારી ઉઠાવે છે.
અગ્નિપથ યોજના હેઠળ તાલીમ નથી અપાવાની પણ એવા સૈનિકોની ભરતી કરવાની છે કે જે સરહદ પર જઈને લડશે, દુશ્મનોનો મુકાબલો કરશે. યુવાનોનો વિરોધ એ વાતનો જ છે કે, જે લોકો દેશ માટે પોતાના જીવ જોખમમાં મૂકે તેમને ચાર વર્ષ પછી કાઢી મૂકવામાં આવશે. તેમને પંગુતા આવે તો તેની જવાબદારી તેમની પોતાની હશે ને શહીદ થઈ જાય તો તેના માટે જવાબદાર પોતે હશે. સરકાર તેમને ચાર વર્ષ સુધી મહત્તમ ૨૮ હજાર પગાર આપશે ને છેલ્લે તેમના પગારમાંથી કાપેલા ૧૧ લાખ રૂપિયા આપશે, બીજી કોઈ જવાબદારી એ પછી ઉઠાવવાની નથી.
જે લોકો અગ્નિપથ યોજનાને હિંદુઓને લશ્કરી તાલીમ આપવા સાથે જોડી રહ્યા છે એ નમૂના લશ્કરનું અપમાન કરી રહ્યા છે, દેશનું અપમાન કરી રહ્યા છે. આ વિકૃતિની ચરમસીમા છે. આ દેશના લશ્કરમાં ધર્મ, જ્ઞાતિ કે બીજા કોઈ પણ આધારે ભેદભાવ નથી. આ હલકા એ ભેદભાવ ઊભો કરી રહ્યા છે. અગ્નિપથ એક ધર્મનાં યુવાનો માટેની યોજના નથી પણ ભારતીયો માટેની યોજના છે. પોતાની સંકુચિત ને વિકૃત માનસિકતાનું પ્રદર્શન કરીને અગ્નિપથ યોજનાને કોમવાદનો રંગ આપનારાં સામે કેસ ઠોકીને અંદર કરવાની જરૂર છે.
ને છેલ્લે એક સૂચન છે.
મોદી સરકારે આ દેશમાં લશ્કરી તાલીમ ફરજિયાત કરી દેવી જોઈએ. અત્યારે જે લોકો બીજાં દેશોમાં ફરજિયાત લશ્કરી તાલીમની વાતો કરે છે, તેનાં ગુણગાન ગાય છે એ લોકોને સૌથી પહેલાં તાલીમ લેવા મોકલવા જોઈએ કે જેથી ખબર પડે કે, વોટ્સએપ પર મેસેજ ફોરવર્ડ કરવામાં ને લશ્કરી તાલીમ ફરજિયાત કરાય તેમાં શો ફરક છે.

2 thoughts on “અગ્નિપથને કોમવાદી એંગલ, વિકૃતિની ચરમસીમા

  1. PM Narendra Modi is continuously raising the bar for top Congress leaders who find it harder and harder to reach let alone surpass. So they keep on insulting him by calling him Maut-ke-Saudager, Chor, Neech, and now wishing him Hitler’s death. They even grab a police person by his shirt caller for discharging his duties!
    All these show that they are desperate having realized that they being driven to oblivion. I wish PM Modi a long and continuing inning in his office, and a longer life than his mother! Amin!

Niraj N Bhatt ને પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.