‘અક્કલ વગરની થામા… દિયરવટુ વર ગુજરી જાય એવા સંજોગોમાં થાય. પતિ ગુમ થઇ જાય અને પાછો આવી જાય એવા સંજોગોમાં નહીં’

ઉત્સવ

ત્રિકાળ-૪૧

અનિલ રાવલ

વરસોથી ગૂંચળું વળીને બેઠેલાં હર્ષાના શબ્દો વીજળીની તીવ્રતાથી ત્રાટક્યા. બહાર વરસાદ થોભવાનું નામ નથી લેતો. આકાશે ઝબકેલી વીજળીનો એક તેજ લસરકો ઘરમાં ક્ષણિક ઝબૂકીને ગાયબ થઇ ગયો. એને પગલે ગગડતી આવેલી મેઘગર્જના આખાય ઘરની સ્તબ્ધતાને ચીરતી નીકળી ગઇ. હર્ષાના નિર્ણયથી સર્જાનારી પરિસ્થિતિની સૌ કલ્પના કરવા લાગ્યા. હર્ષાની વાણીની વેધકતા સાંભળીને હરિનો ચહેરો લાલઘૂમ થઇ ગયો.. અશોક અસમંજસમાં પડી ગયો. વલ્લભની વ્યાધિ વધી ગઇ. બાબા શેઠ વિમાસણમાં મુકાઇ ગયા.
મંગુબાની મુંઝવણ વધી ગઇ એના ત્રાજવામાં એક બાજુ અશોક અને બીજી બાજુ હરિ છે. ત્રાજવું કોઇપણ બાજુ નમે, એમને તો જીવનભરનું નુકસાન જ છે. હેમંત, અંજલિ અને રવિ ઘરના સભ્યો જેવાં જરૂર છે, પણ ઘરમાં સર્જાયેલી અભૂતપૂર્વ ઘટનાના સારાં-માઠાં પરિણામો એમને ભોગવવા નહીં પડે….સમસ્યા એમને સ્પર્શીને પસાર થઇ જશે, આજીવન એમને ચીટકીને રહેવાની નથી. આમ છતાં અંજલિનું હર્ષાની બાજુમાં જઇને ઊભું રહી જવું…ઘરના સભ્યથી પણ વિશેષ પગલું હતું….અને એને પગલે શકુંતલા જેવી વિચિત્ર સ્વભાવ ધરાવતી શકુંતલાએ દર્શાવેલો ટેકો એ કોઇ નાનીસૂની વાત નથી. ઘરમાં પથરાયેલી નીરવતા તોડતો અંજલિનો અવાજ સૌના કાને પડ્યો.
‘હું હર્ષાની પડખે છું. એણે વ્યક્ત કરેલી લાગણી, વેદના, વ્યથા બિલકુલ સાચી છે. આવી હાલતમાં કોઇ પણ સ્ત્રીએ આવું જ વિચારવું જોઇએ અને કઠોર લાગે તો પણ આવો જ નિર્ણય લેવો જોઇએ.’ અંજલિ હર્ષાનો હાથ પોતાના હાથમાં લઇને બોલતી રહી.
‘સાત ફેરા ફર્યા એટલે જનમોજનમનો સાથ એ વાત માની લીધી અને સ્વીકારી પણ લીધી, પણ હર્ષાએ વેઠેલા સુખ, શયન, સાથ, સધિયારા વિનાના સાત વર્ષનો કોઇ હિસાબ નહીં.? લાગણીમાં આવીને દરિયાને ભેટે એ પહેલાં નદીને પાછી વાળી જવા મજબૂર કરવાની.? પ્રેમની પાટી પર પાડેલા એ અઢી અક્ષરો ભૂંસી નાખવાના.? મને માફ કરજો, હું આ ઘરની સભ્ય નથી, પણ હું એક સ્ત્રી તરીકે જે વિચારું છું એ કહી રહી છું. આખરી નિર્ણય ઘરના વડીલોનો અને હર્ષાનો રહેશે.’ અંજલિ કોઇ મહિલાસભામાં વક્તા તરીકે બોલતી હોય એવી અદાથી બોલી ગઇ.
‘તું આ ઘરની સદસ્ય નથી, પણ હું તો ઘરનો એક હિસ્સો છું અને એટલે કહી રહી છું કે હર્ષા તને મારો ટેકો છે. તારે અશોક સાથે લગ્ન કરવા હશે તો તને કોઇ રોકી નહીં શકે. વિરોધ કરનારાનો હું વિરોધ કરીશ.’ શકુંતલાના શબ્દોથી બધા હચમચી ગયા. અત્યાર સુધી ઘરમાં આગ લગાવવાનું કામ કરનારી, કટુવાણી માટે કુખ્યાત, અવિશ્ર્વાસપાત્ર કિરદાર શકુંતલાને સાંભળીને ખુદ હર્ષાને નવાઇ લાગી.
‘અરે તું આમ જોયાજાણ્યા વિના કૂદી પડવાની આદત છોડી દે.’ વલ્લભ બરાડી ઊઠ્યો.
‘કેમ? અમારે સાચું બોલવાનું નહીં.? તમે એક પુરૂષ તરીકે નહીં, પણ સ્ત્રી તરીકે વિચારો તો સમજાય. હરિભાઇનું ગુમ થવાનું કે પાછા પ્રગટ થઇ જવાનું કારણ જે હોય તે, પણ આમ સાત સાત વરસ સુધી લટકાવી રાખે તો હર્ષાએ કોઇ નિર્ણય પર તો આવવું જ પડે કે નહીં.? દિયરવટુ થતા આપણે નથી જોયું?’ શકુંતલાની વાણી આંચકા ઉપર આંચકા આપી રહી છે.
‘અક્કલ વગરની થામા… દિયરવટુ વર ગુજરી જાય એવા સંજોગોમાં થાય. પતિ ગુમ થઇ જાય અને પાછો આવી જાય એવા સંજોગોમાં નહીં.’
એટલે પતિ કોઇપણ કારણસર ગુમ થઇ જાય અને કોઇપણ કારણે પાછો આવી જાય તો એમાં એનો વાંક નહીં,પણ પત્નીએ તો પતિવ્રતા થઇને જીવવાનું….પણ ખરેખર એ જીવે છે કે નહીં એ જોવાનું નહીં?.એની ઇચ્છા, એની લાગણીનો કોઇ વિચાર કરવાનો નહીં.?’ કદાચ શકુંતલા અત્યાર સુધીમાં સૌથી વધુ તાર્કિક દલીલ કે વાતો કરી રહી હતી.
‘બા, તમે સાચું કહેજો…તમે હર્ષાની જગ્યાએ હોવ તો તમે શું કરો.?’ શકુંતલાની વાતે મંગુબા વધુ મુંઝવણમાં મુકાઇ ગયાં.
મંગુબા શું કહે…શું જવાબ આપે….એ મૂક બનીને હરિ, હર્ષા અને અશોકના ત્રિકોણને જોઇ રહ્યાં. ત્રિભેટે ઊભેલા મુસાફર જેવી એમની હાલત છે. માર્ગ છે, પણ કોઇ રસ્તો નથી.
બીજી બાજુ કોઇ અકળ કારણસર યાદદાસ્ત ગુમાવીને, ભાન ભૂલીને, દિશા વિસરીને લાપતા થયેલો હરિ ઘરે પાછો તો ફર્યો પણ એક ગુનેગારની જેમ ઊભો છે. એની મનોદશાને અહીં કોઇ સ્થાન નથી, એનું કોઇ મહત્ત્વ નથી. એને જોઇને ખુશીની જગ્યાએ માતમનો માહોલ સર્જાયો. એક પતિ તરીકે, પિતા તરીકે, ભાઇ-બંધુ તરીકે, પુત્ર તરીકે સ્વીકારવાને બદલે તિરસ્કારની દલીલો થવા લાગી છે. હરિ મનોમન પોતાને ડામ આપવા માંડ્યો: ‘ઓહ ભગવાન, તેં મને મારી યાદદાસ્ત શા માટે પાછી આપી.? શા માટે મને મારા ઘરનો માર્ગ બતાવ્યો.? મારા પાછા ફરવાથી આવડી મોટી સમસ્યા સર્જાશે એવી ખબર હોત તો દરદર ભટકતો રહેત. મારા કારણે ઘરમાં બધાં દુ:ખી થઇ ગયા. મારા પાછા ફરવાથી કે મારી યાદદાસ્ત પાછી ફરવાથી ઘણી સમસ્યા સર્જાઇ છે. હું જતો રહીશ. તમે લોકો માનજો કે હું હરિ નથી, કોઇ આગંતુક હતો. બોલીને હરિ ભોંય પર બેસી ગયો.’
માણસ લાંબા સમય સુધી નજર સામેથી દૂર થાય તો કદાચ સંબંધ, લાગણી, પ્રેમ પણ દૂર થઇ જતાં હોય છે. ના, આમાંનું કાંઇ દૂર જતું નથી, માત્ર જગ્યા બદલે છે.
‘હરિભાઇ, તમારે ક્યાંય જવાની જરૂર નથી. હું કૉલેજમાં એકવાર તમારી અને હર્ષાની વચ્ચેથી ખસી ગયો હતો. આજે ફરી મને એ તક મળી છે. હર્ષાએ એના વિચારો રજૂ કર્યા. હું મારી ઇચ્છા જણાવું છું. હરિભાઇ અને હર્ષા એમનું જીવન રાબેતા મુજબ ફરી શરૂ કરે એમાં જ સૌની ખુશી છે.’ અશોક પાસે કદાચ આ એક જ માર્ગ હતો.
‘હું મારી વાતને વળગી રહું છું. તારી લાગણીનો વિચાર કરવાને બદલે, તારા સાચા પ્રેમને પીછાણવાને બદલે હરિની અગ્નિપરીક્ષા લેવા એને ઘેરીને બેઠા છીએ.’ હર્ષા બેખૌફ બનીને બોલી. અશોક પાસે ઘવાયેલી લાગણી સાથે ચૂપકીદી સાધી લેવા સિવાય બીજો કોઇ માર્ગ નહતો. ઘરમાં બધા પાસે પોતપોતાની મજબૂરી છે, પણ મૌન એનો ઉપાય નથી. કોઇ નક્કર વિચાર અને એનો અમલ થઇ શકે તો જ સમસ્યા ઉકેલાય. જૂના સંબંધો વિસારીને નવા બંધાયેલા સંબંધોની આ ગૂંચ છે. જેમ ઉકેલવા જાઓ એમ ગૂંચ વધુ ગૂંચવાય છે.
ધોધમાર વરસાદ અને હરિના આગમનને કારણે અટકાયેલા સૌ માટે મામલો પેચીદો બની રહ્યો છે. આ આખાય મામલામાં જોઇ કોઇ ચૂપ હોય તો એક હેમંત છે અને બીજો રવિ છે. જોકે રવિનો ઝુકાવ એના દોસ્ત હરિ તરફ હોય એ સ્વભાવિક છે. પણ હેમંતને આ મુદ્દે સમજવો મુશ્કેલ છે. એનું એક કારણ એ વકીલ છે અને પ્રેક્ટિકલ અને કાનૂની બાબતોને ધ્યાનમાં લેવાનું એની રગમાં છે. અંજલિ એની ખામોશીને સમજી ગઇ છે. અંજલિ જ્યારે હર્ષાની તરફેણમાં બોલી રહી હતી ત્યારે એનું માર્મિક સ્મિત એણે નોંધ્યું હતું. હેમંત, તું જ્યારે ચૂપ થઇ જાય ત્યારે સૌથી વધુ બોલતો હોય છે. એવું અંજલિએ જ્યારે પણ એને કહ્યું છે ત્યારે એણે વાત હસવામાં કાઢી નાખી છે.
તું કેમ ચૂપ છો.?’ અચાનક અંજલિએ હેમંતને ઢંઢોળ્યો.
‘હું તમારા લોકોની બાલિશ દલીલો સાંભળી રહ્યો હતો.’ હેમંતે ઘરમાં બેઠેલા દરેકની સામે જોઇને કહ્યું. કાનૂની રીતે હરિ હજી હર્ષાનો પતિ છે. કારણ કે સાત વર્ષ પૂરાં થવામાં એક દિવસ બાકી છે. આપણે જાહેરખબરમાં ચોખ્ખું લખ્યું છે કે સાત વર્ષ પૂરાં થતાં પહેલાં હરિ પાછો ન ફરે તો આપોઆપ છૂટાછેડા મળ્યા ગણાશે. હરિ એક દિવસ પહેલાં જ આવી ગયો છે. હર્ષાને છૂટાછેડા મળ્યા નથી એટલે આવા સંજોગોમાં અશોક અને હર્ષાના લગ્ન ગેરકાયદે ગણાશે. હરિના એક દિવસ પહેલાંના આગમનને આપણે કમનસીબી ગણીએ કે ખુશનસીબી…એ આપણા પર છે.’
(ક્રમશ:) ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.