અક્કલદાસની સાધનાધારા

ધર્મતેજ

ભજનનો પ્રસાદ – બળવંત જાની

ઈ.સ.૧૭૮૦ની આસપાસના સમયગાળામાં દાસી જીવણના સમકાલીન અક્કલદાસ ભીમસાહેબના શિષ્ય તરીકે જાણીતા છે, પણ બહુ પ્રકાશમાં નથી. એમણે સિદ્ધિ પછી પણ સાધનાને છોડી નહીં. મોટા સિદ્ધ સાધક તરીકે જ યોગસાધનામાં ક્રિયારત રહેતા. એમણે રચેલી વાણીમાંથી એનો પરિચય મળી રહે છે. સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ-પંચાળનું પ્રખ્યાત પરગણું. ગેડિયા-ગરોળા હરિજન ગુરુ બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ-ઉછેર. ભીમસાહેબનો પ્રસંગોપાત્ત સત્સંગ અને એ કારણે કીર્તન – ભજનગાનમાં મગ્ન રહેતા. સમય જતા ભજનના ભાવને સાધનામાં ઢાળીને પ્રત્યક્ષ્ા યોગ-સાધના પરત્વે રુચિ જન્મી, જે એમણે આજીવન જાળવી રાખી. ભીમસાહેબના નથુરામ અને લક્ષ્મીસાહેબ જેવા ગુરુબંધુ-શિષ્યો જેવો અક્કલદાસનો પણ પ્રભાવ પથરાયો. પછીથી ગુરુ ભાણ‘દાસ’ની દાસ સંજ્ઞા એમણે આજીવન જાળવી રાખી-અક્કલસાહેબ નહીં પણ અક્કલદાસ તરીકે જ ઓળખ સ્થાપિત કરી.
એમણે ગુરુ આજ્ઞાથી પોતાના થાનગઢ વતનમાં જ ગુરુ આજ્ઞાની અન્નક્ષ્ોત્ર, ગોસેવા અને સાધનાક્રિયા માટે આશ્રમ સ્થાપ્યો. એ આશ્રમ આજે પણ ચેતનવંતો છે. ખુદ અક્કલસાહેબે એમની એક રચનામાં આત્મવૃત્તાંત રૂપની વિગતો બે કડીઓ પ્રયોજેલી તે અવલોક્વા
મળે છે.
‘ગુરુના વચને મને પ્રેમ વ્યાપ્યો, તેજ ધુણીનો તારો સેવક તાપ્યો,
અમર બોલ મારા ગુરુજીએ આપ્યો, થાનમાં દુવારો થાપ્યો.
રામનામની થઈ છે આનંદલીલા, મળ્યા સંત માટે નિત્યના મેળા,
સિદ્ધ અક્કલદાસ થયા ચેલા, સત્ગુરુ ભીમ વચને રેજો ભેળા.
સંતોનું આત્મવૃત્તાંત એમની વાણીમાંથી પામી શકાય. આ કેવી મોટી પરંપરા આપણે ત્યાં હતી. પોતાને સિદ્ધ સંજ્ઞા આપવી એમાં ગર્વ નથી, પરંતુ આત્મગૌરવ નિહિત છે. પ્રાસ પૂર્વાધ-ઉતરાર્ધમાં મેળવવા. વર્ણસગાઈ વર્ણાનુપ્રાસને સહજ રીતે મેળવવા, એ પણ અર્થપૂર્ણ રીતે, સમુચિત રીતે આવી શબ્દસાધના અને શબદસિદ્ધિનો પરિચય કરાવતી અક્કલદાસની એક રચનાને આસ્વાદીએ-
‘અમને ગુરુજી વ્હાલા અંતરમાં, જોગણ થઈ લડાવું મારા જંતરમાં, જોગણ થઈ…વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં… ….ટેક…૧
જળના સૌ જીવ, કોઈનું બીજ નથી ઝૂઝવું વ્હાલા
હે..એનું તાલકું વધી જાય, ગુરુના તંતરમાં…
જોગણ થઈ…વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં… …ર
અહીંની કમાણી, સૌને અહીં આડી આવશે વ્હાલા!
હે… સત્ય વ્હોરી લેજો, ગુરુજીના છત્તરમાં…
જોગણ થઈ…વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં… …૩
નારી એથી નર મોટા, અમુલખ હીરા નીપજે વ્હાલા!
ઈ પરભોમે પૂજાય, ગુરુના પત્તરમાં…..
જોગણ થઈ…વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં… …૪
સિધ્યા રે અક્કલદાસ ગુરુ, ભીમ કેરે શરણે વ્હાલા!
હે..મારું મનડું મોયેલ નૈં, માયાના મંતરમાં…
જોગણ થઈ…વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં… …પ
જંતર-જેવા-દેશી વાદ્યને ભજન રચનામાં પ્રયોજીને જેમ પ્રેમસાહેબે દેહ-કાયા માટે તંબુરો પ્રયોજેલ છે, એમ અહીં અક્કલદાસજી દેહમાં મુકાબલો દેહ સાથે માંડે છે. આ જ મહત્ત્વની બાબત છે. મનને મારવું કઠણ છે – મનને મારીને મેંદા જેવું બનાવવા – કૂણું માખણ – કહ્યાગરુ બનાવવા માટેની સાધનાનો અહીં નિર્દેશ છે. વૈરાગ્ય ધારણ કરવાથી આ સાધના શક્ય બને છે ખરી, પણ એ ઉપરાંત મનને મનાવવું જોઈએ કે-
આ જીવાત્મા જળચર સૃષ્ટિનો ભાગ છે. કોઈ બીજુ બીજ નથી, આવું એકત્વ – એકાત્મભાવ પ્રગટે એટલે એનું તાલકું અર્થાત્ મગજ ગુરુના તંત્રમાં જ લીન થઈને એકાકાર – એકાત્મભાવ અનુભવે.
અહીં આ જે કંઈ કરશો એનું ફળ અહીં જ મળશે. ગુરુની છત્રછાંયામાં એ સત્યને સમજી લેશો. એવું આત્મજ્ઞાન પ્રસ્તુત
કર્યું છે.
નારી શક્તિ-માતૃ શક્તિને કારણે જ નરનું પુરુષ્ા શક્તિનું મહત્ત્વ છે. અમૂલખ હીરા સમાન મનુષ્ય દેહનું અવતરણ શક્ય બને છે અને એ અહીં જ નહીં પરભોમમાં ગુરુની પાત્રતાને કારણે પૂજાતા રહે છે.
ગુરુ ભીમસાહેબના શરણમાં રહીને – એના આશ્રિત તરીકે રહીને અક્કલદાસ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી શક્યા અને અક્કલદાસનું મનડું માયા-મોહના મંત્રમાં મોહિત થયું નહીં.આ માટે ખરેખર ગુરુકૃપા અને વૈરાગ્યભાવ કેન્દ્રી યોગસાધના જ મહત્ત્વની છે.
વૈરાગ્ય અવસ્થા-જોગી અવસ્થા ધારણ કરીને દેહ સાથે મુકાબલો માંડયો અને એમાં સફળ થયા અને સાધનાક્રિયાથી જે કંઈ પ્રાપ્ત થયું એનો એકરાર કરતી વાણી ગુજરાતનું તળપદું તત્ત્વદર્શન છે. એનો તાર વેદ-ઉપનિષ્ાદ વાણી સાથે મળે છે. આવા દર્શનની-તત્ત્વની ગહન ગંભીર સિદ્ધાંત ધારાને રચનામાં વણી લીધી છે.
રવિ-ભાણ પરંપરાની સંતવાણીની પ્રેમભક્તિ પરંપરાને આપણે ખૂબ તપાસી- મૂલવી, પરંતુ એમાં નિહિત તત્ત્વદર્શનનું તત્ત્વ પણ બળકટ, અનુભવપૂત અને તત્ત્વાર્થબોધને પ્રગટાવતું હોઈને આ નીજના અનુભવનું ૠષ્ાિવાણીનું – સૂત્રો કે સુક્તો જેટલું જ મહત્ત્વ છે. એ કારિકા છે – માત્ર લયાન્વિત, પ્રાસાન્વિત વાણી નથી. વાણ્મય રૂપ છે. એના આસન આ કારણે અમર રહેવાના. મારી દૃષ્ટિએ લોક્સંતો દ્વારા તળપદી વાણીના જે તાંદુલ આપણી ભાષ્ાામાં પીરસાયા છે એ આપણી બહુમૂલ્ય જણસ છે. એની મૂલ્યવત્તા પીછાણળ આવશ્યક જ નહીં બલકે અનિવાર્ય છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.