અંધેરીમાં નવો સ્કાયવોક ચાલુ, પ્રવાસીઓને રાહત: આ વર્ષે આઠ એફઓબીનું નિર્માણ

અવર્ગીકૃત આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રેલવે સ્ટેશનની હદમાંથી વધતા ટ્રેક ક્રોસિંગને રોકવા માટે નવા એફઓબી અને સબવે સહિત વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી પાર પાડવાના ભાગરૂપે અંધેરીમાં નવો સ્કાયવોક ચાલુ કરવામાં આવ્યો છે, જેથી સ્ટેશનના પરિસરમાં અવરજવર કરવામાં પ્રવાસીઓને રાહત થશે, એમ પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
લૉકડાઉનના તબક્કા દરમિયાન પશ્ર્ચિમ રેલવેમાં વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિવિધ બ્રિજ બનાવવાનું કામકાજ પાર પાડવામાં આવ્યું હતું, જે અંતર્ગત આ વર્ષે આઠ એફઓબી બનાવ્યા છે. અંધેરી રેલવે સ્ટેશન ખાતે છ મીટર પહોળો અને ૯૮ મીટર લાંબા નવા સ્કાયવોકને સોમવારે પ્રવાસીઓની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ નવો સ્કાયવોક દક્ષિણ દિશાના ફૂટઓવર બ્રિજને જૂના દક્ષિણ દિશાના એફઓબીને જોડશે. આ સ્કાયવોક જૂના દક્ષિણ દિશાના એફઓબીને પશ્ર્ચિમથી લઈને પૂર્વને જોડવાનું કામકાજ કરશે. આ નવા સ્કાયવોક પાછળ ૪.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. સ્ટેશનના પરિસરમાંથી અવરજવર કરનારા પ્રવાસીઓની સુવિધા માટે રેગ્યુલર નવા બ્રિજ બનાવવાનું કામકાજ ચાલુ છે, જે અંતર્ગત આ વર્ષે આઠ બ્રિજ બનાવવામાં આવ્યા છે. પશ્ર્ચિમ રેલવેની હદમાં નવા આઠ બ્રિજ બનાવતા કુલ બ્રિજની સંખ્યા ૧૪૧ છે. એના સિવાય પશ્ર્ચિમ રેલવેમાં દાદર, ખાર, નાયગાંવ, વસઈ રોડ અને નાલાસોપારા સ્ટેશનમાં પાંચ નવા એફઓબીનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, એમ પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.