અંગ્રેજો વિરુદ્ધ પ્રચાર-પ્રસાર કરનારી રાણી અવંતીબાઈ

લાડકી

ભારતની વીરાંગનાઓ-ટીના દોશી

‘જો તમારામાં રાષ્ટ્રપ્રેમની સહેજ પણ ભાવના હોય, થોડી ઘણી પણ દેશદાઝ બાકી બચી હોય અને દેશ માટે વફાદારીની લાગણી હોય તો અંગ્રેજો વિરુદ્ધ હથિયાર ઉઠાવો અને લડાઈ કરો… અન્યથા આ બંગડીઓ પહેરો અને ઘરમાં બેસો…!’
બ્રિટિશરોને દેશમાંથી હાંકી કાઢવા અને દેશવાસીઓને પાનો ચડાવવા આ પ્રકારનો પ્રચાર કોણે કરેલો એ જાણો છો?
જવાબ છે: અવંતીબાઈ લોધી. મધ્ય પ્રદેશના રામગઢની રાણી. રેવાંચલમાં આઝાદીના આંદોલનની સૂત્રધાર. ભારતની વીરાંગના. રાષ્ટ્રની આન, બાન અને શાનનું પ્રતીક. અવંતીબાઈએ ૧૮૫૭ની ક્રાંતિમાં અંગ્રેજો વિરુદ્ધ પ્રચાર-પ્રસાર કર્યો, એટલું જ નહીં, નિર્ણાયક યુદ્ધ પણ કર્યું. લડતાં લડતાં શહીદીને વરી. ભારતની આઝાદીની લડતમાં આ યુદ્ધ ઐતિહાસિક મહત્ત્વનું બની રહ્યું. રામગઢની રાણીનું નામ ‘અમર શહીદ વીરાંગના અવંતીબાઈ’ તરીકે ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં કોતરાઈ ગયું.
ભારતના પ્રથમ સ્વાધીનતા સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અવંતીબાઈનો જન્મ ૧૬ ઓગસ્ટ, ૧૮૩૧નો. જન્મસ્થળ: ગામ મનકેડી, જિલ્લો: સિવની, મધ્ય પ્રદેશ. પિતા: જમીનદાર રાવ જુઝાર સિંહ. એમણે અવંતીને બાળપણમાં જ રામગઢના રાજા વિક્રમાદિત્ય લક્ષ્મણસિંહ લોધી સાથે પરણાવી દીધી. વિક્રમાદિત્ય વિરક્ત અને નિસ્પૃહી પ્રકૃતિના, એથી રાજકાજનો સઘળો ભાર અવંતીબાઈએ ઉપાડી લીધો. બે પુત્રની માતા બની. અમાનસિંહ અને શેરસિંહ.
અવંતીબાઈની જીવનસફર અહીં સુધી તો ખળ ખળ વહેતી નદીના શાંત પાણી જેવી રહી. સીધા સડસડાટ ચાલ્યા જતા રસ્તા જેવી પણ કહી શકાય, પણ કાલ કોણે દીઠી છે… કહે છેને કે સીધા દીસે રસ્તા ત્યાં નાજુક વળાંક હોય છે… અવંતીબાઈના જીવનમાં પણ નાજુક વળાંક આવ્યો. શાંત પાણીમાં પથરા પડ્યા અને જીવનરૂપી જળમાં વમળ ઉદ્ભવ્યાં. બન્યું એવું કે એ અરસામાં અંગ્રેજો ભારતના અનેક વિસ્તારોમાં પગપેસારો કરી ચૂકેલા અને પગદંડો પણ જમાવી દીધેલો. ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના એ એમનું મુખ્ય ધ્યેય હતું. પોતાની મેલી મુરાદ પાર પાડવા અંગ્રેજો વિવિધ પ્રકારના ષડ્યંત્ર રચીને ભારતીય રાજવીઓની સત્તા પચાવી પાડતા.
દરમિયાન ૧૮૫૫માં વિક્રમાદિત્યસિંહ ગંભીર બીમારીમાં પટકાયા. શાસન ચલાવવાનું સામર્થ્ય ન રહ્યું. સગીર પુત્રો વતી અવંતીબાઈએ સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં. આ અરસામાં મધપૂડો જોઈને લલચાતા રીંછની જેમ રામગઢને જોઈ અંગ્રેજોની દાઢ સળકી. રામગઢ રાજ્ય પડાવી લેવા કાવતરું કર્યું.
રામગઢ જાણે રણીધણી વગરનું ખેતર હોય એમ અંગ્રેજોએ રાજ્યનો વહીવટ કરવા માટે શેખ મોહમ્મદ તથા મોહમ્મદ અબદુલ્લાની વહીવટદાર તરીકે રામગઢમાં નિયુક્તિ કરી. અવંતીબાઈ ગુસ્સાથી લાલચોળ. જોકે એણે શોરબકોર ન કર્યો. ઉતાવળા સો બહાવરા ધીરા સો ગંભીર… રાણી ધીરગંભીર હતી. કોઈ ઉતાવળિયું પગલું ભરવાને બદલે ઠંડે કલેજે અંગ્રેજોનો મુકાબલો કરવાનો નિર્ણય કર્યો.
અવંતીબાઈ અંગ્રેજોના સંકટનો સામનો કરવાના વ્યૂહ ઘડી રહી હતી, ત્યાં તો બીજી આફત આવી પડી. ૧૮૫૭માં વિક્રમાદિત્યસિંહનું નિધન થયું. અવંતીબાઈને માથે દુ:ખના ડુંગરા ખડકાણા, પણ રાણીએ ધૈર્ય ન ગુમાવ્યું. લાંબો સમય શોક પાળવો પોસાય એમ નહોતું. અંગ્રેજો મગરમચ્છની જેમ મોઢું ફાડીને ગળી જવા તૈયાર જ બેઠેલા. રાણીએ અત્યંત ઝડપથી સ્વસ્થતા ધારણ કરી લીધી. નાનપણમાં શીખેલા બોધપાઠનું એને સ્મરણ થયું:
વિપત પડે ન વલખિયે, વલખે વિપત ન જાય
વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય
અવંતીબાઈએ રામગઢને અજગર જેવા અંગ્રેજોના ભરડામાંથી બચાવવાનો ઉદ્યમ શરૂ કરી દીધો. ઉત્તમ વ્યૂહરચના ઘડી. પહેલો સગો પાડોશી. અવંતીબાઈએ અડોશપડોશનાં રજવાડાંને અંગ્રેજો વિરુદ્ધ એક થઈને સંયુક્ત મોરચો રચવાનું આમંત્રણ આપ્યું. બંગડીઓ સાથે સંદેશો પાઠવ્યો: અંગ્રેજો સાથે લડવા તૈયાર થઈ જાઓ અથવા આ ચૂડીઓ પહેરીને ઘરમાં પુરાયેલા રહો…’ રાણીનો વ્યૂહ સફળ થયો. આસપાસનાં રાજ્યના રાજાઓ અંગ્રેજો વિરુદ્ધ લડવા એક થયા.
પાડોશી રાજાઓના સાથસહકારથી અવંતીબાઈની શક્તિ વધી ગઈ. ટાંચાં સંસાધનો હોવા છતાં અવંતીબાઈ ચાર હજાર સૈનિકોનું સંખ્યાબળ ધરાવતી સેના ઊભી કરી શકી. એ જમીનદારની દીકરી હતી. તલવારબાજી, તીરંદાજી અને ઘોડેસવારીમાં પારંગત હતી. લશ્કરી દાવપેચમાં નિપુણ. રણભૂમિમાં કેવા ચક્રવ્યૂહ રચવા તેનું અચરજ પમાડે તેવું જ્ઞાન હતું એને.
ખરે ટાણે આ જ્ઞાન કામ લાગ્યું અવંતીબાઈને. રાણીએ પોતે સેનાપતિ બનીને સૈન્યનું નેતૃત્વ કર્યું. ધરમ ધરાને કાજ ધીંગાણે શૂરા ચડે… પોતાની ભૂમિને બચાવવા રાણીએ સમરાંગણમાં ઝુકાવ્યું. અંગ્રેજો સાથે પહેલી લડાઈ મંડળ નજીક ખૈરી ગામે થઈ. બ્રિટિશરો ઘમંડમાં રાચતા હતા કે એક સ્ત્રી શું યુદ્ધ કરવાની? એમને તો રાણી પાસેથી રાજ્ય જીતી લેવાનું બાળકના હાથમાંથી રમકડું છીનવી લેવા જેવું સહેલું જણાયું. રામગઢ હાથમાં આવ્યું જ સમજો એમ માનીને સસલાનો શિકાર કરવા નીકળેલા જરખની જેમ આગળ વધ્યા, પણ એમને અંદાજ સુધ્ધાં નહોતો કે એક નારી સો પર ભારી!
અવંતીબાઈના રણવ્યૂહ સામે અંગ્રેજ સૈન્ય ઊંધેકાંધ પછડાયું. રાણીના સૈનિકોએ અંગ્રેજોને ધૂળ ચાટતા કરી દીધા. વાર્યા ન વળે એ હાર્યા વળે… અંગ્રેજોનો પરાજય થયો. એમને પ્રથમ ગ્રાસે મક્ષિકાનો અનુભવ થયો અને રણમેદાન છોડીને ભાગવું પડ્યું. વિજેતા રાણી અવંતીબાઈ રામગઢ પાછી ફરી ત્યારે પ્રજાએ એનો જયઘોષ કર્યો.
કાંઈ કર્યા વિના જયજયકાર ના થાય
કોશિશ કરનારાની હાર ના થાય
પણ જયનાદના પડઘા શમે ત્યાં તો દેશના દુશ્મન સમા દુષ્ટ અંગ્રેજો ફરી ત્રાટક્યા. હાર્યો જુગારી બમણું રમે એમ હારેલા અંગ્રેજોએ પરાજયનો બદલો લેવા બમણા ઝનૂનથી આક્રમણ કર્યું. અપમાનના અગ્નિમાં બળતા અંગ્રેજોએ પોતાની દાઝ ઉતારવા રામગઢને આગ ચાંપી. રામગઢ ભડકે બળવા માંડ્યું. અવંતીબાઈએ રાજ્ય છોડીને દેવડીગઢના જંગલમાં આશ્ર ય લેવો પડ્યો, પણ અંગ્રેજોએ એનો પીછો પકડ્યો. અંગ્રેજોની મહાકાય સેનાની તુલનામાં રાણી પાસે તો મુઠ્ઠીભર કહેવાય એટલા જ સૈનિકો હતા. રાણીએ અંગ્રેજ અફસર જનરલ વેલિંગ્ટનની ફોજનો મુકાબલો ગેરીલા પદ્ધતિથી કરવાની યોજના ઘડી. દેવડીગઢમાં નિર્ણાયક જંગ ખેલાયો. કેટલોક સમય તો રાણી અને તેની સેનાએ અંગ્રેજ સૈન્યને હંફાવ્યું, પણ જોતજોતામાં અંગ્રેજી ફોજે રાણી અને તેની સેનાને ચારેબાજુથી ઘેરી લીધી. પારધીની જાળમાં સપડાયેલા પંખી જેવી સ્થિતિ થઈ. બચવાનો કોઈ ઉપાય ન રહ્યો. ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગ્યો દવ…!
અવંતીબાઈને ખ્યાલ આવી ગયો કે પોતે કોઈ પણ ક્ષણે પકડાઈ શકે છે, પણ તેણે પોતાના સાથીઓને એમ કહ્યું હોવાનું મનાય છે કે: ‘રાણી દુર્ગાવતીએ જીવતેજીવ શત્રુઓ પોતાને સ્પર્શ નહીં કરી શકે તેવું પણ લીધેલું. હું એ દુર્ગાવતીની વંશજ છું. મારા જીવતાં દુશ્મનો મને હાથ સુધ્ધાં અડાડી નહીં શકે.’
એમ જ થયું. રાણીએ અંગ્રેજોની શરણાગતિ ન સ્વીકારી. અંગ્રેજો રાણીને જીવતી પકડવા ઘણું મથ્યા, પણ રણના મૃગજળની જેમ એ શત્રુને હાથ ન આવી. અંતિમ શ્ર્વાસ સુધી એ લડતી રહી. લડતાં લડતાં વીરગતિને પ્રાપ્ત થઈ. એ દિવસ હતો ૨૦ માર્ચ, ૧૮૫૮.
અવંતીબાઈ મૃત્યુ પામી, પણ લોકહૃદયમાં અમર થઈ ગઈ. આ શહીદ વીરાંગનાનું પરાક્રમ વર્ણવતાં ગીતો અને લોકગીતો પણ રચાયાં છે. ભારત સરકારે આઝાદીના સંગ્રામમાં રાણીના પ્રદાનની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડી. રાણીની પ્રતિમાઓ મુકાઈ અને સ્મારકો પણ રચાયાં.
રાણી અવંતીબાઈ જેવી વીરાંગનાઓના શૌર્ય અને પરાક્રમને ધ્યાનમાં રાખીને જ પેલો દુહો રચાયો હશે કે –
નારી નમણી નેહમાં રણમાં શક્તિરૂપ
એ શક્તિના તેજને નમતા મોટા ભૂપ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.