અંગ્રેજોને ધૂળ ચાટતા કરનારી બેગમ હઝરત મહલ

લાડકી

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

ઉમરાવ ઉર્ફે મહેક પરી ઉર્ફે ઇફ્તખાર-ઉલ-નિસા… ભારતના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામમાં જુસ્સાભેર ભાગ લેનારી આ સ્ત્રીને તમે ઓળખો છો?
આ સવાલ સાંભળીને કોઈ પણ નકારમાં જ જવાબ આપશે, પણ જો એવું પૂછવામાં આવે કે બેગમ હઝરત મહલનું નામ તમે સાંભળ્યું છે, તો કોઈ પણ હા જ કહેશે. પેલાં ત્રણેય નામ ભારતની આ મહાન સ્વાતંત્ર્યસેનાની હઝરત મહલનાં જ છે. પોતાની કુશળ રણનીતિ અને વ્યૂહરચનાથી અંગ્રેજોને લખનઉમાં ધૂળ ચાટતા કરનારી વીરાંગના બેગમ હઝરત મહલ!
નેપાળની શાહી સેનાના પૂર્વ સૈનિક મેહરુદ્દીન અને નેપાળી મેહર અફજાને ઘેર ફૈઝાબાદમાં પારણું બંધાયું. ૧૮૨૮ની આસપાસ ઉમરાવનો જન્મ થયો. ઉમરાવ ૧૩-૧૪ વર્ષની થઇ ત્યારે માતા-પિતા મહામારીમાં સપડાઈને મૃત્યુ પામ્યાં. સંબંધી સ્ત્રીઓએ ઉમરાવને અવધના નવાબ વાજિદઅલી શાહના પરીખાનામાં પહોંચાડી. વાજિદઅલીએ ઉમરાવ સાથે વિવાહ કર્યા. એ મહેકપરી નામે ઓળખાવા લાગી.
વાજિદઅલીએ મહેકપરી નામના પથ્થરનું હીરામાં રૂપાંતર કર્યું. મહેકપરી ઝડપથી દરેક કળા અને દરેક વિદ્યામાં પારંગત થઈ ગઈ. રાજનીતિના પાઠ ભણી. દરમિયાન લગ્નના એક વર્ષ પછી ગર્ભવતી થતાં મહેકપરીથી ‘ઇફ્તખાર-ઉલ-નિસા બેગમ’ બની ગઈ. ૧૮૪૬ના રમઝાન મહિનામાં પુત્ર બિરજિસ કદ્રને જન્મ આપ્યો.
હઝરત અંગ્રેજોને અવધના દુશ્મન માનતી. આ અંગ્રેજોએ ૧૪ ફેબ્રુઆરી, ૧૮૫૬ના રોજ અવધ પર પોતાનો અધિકાર જમાવી દીધો. વાજિદઅલી શાહે ઈંગ્લેન્ડ જઈને રાણી વિક્ટોરિયા સમક્ષ અન્યાયની વિરુદ્ધ ફરિયાદ કરવાનું નક્કી કર્યું. વાજિદઅલી ૧૩ માર્ચ, ૧૮૫૬ના રોજ પોતાની માતા, વડી બેગમ ખાસ મહલ, પોતાના ભાઈ અને બે પુત્ર સાથે કોલકાતા જવા નીકળી ગયા.
સર હેન્રી લોરેન્સના નેતૃત્વમાં અંગ્રેજોએ લખનઉ તો લઈ લીધું, પણ આ ગાળામાં, જૂન મહિનાના પહેલા સપ્તાહ સુધીમાં અવધ અંગ્રેજોના અધિકારમાંથી મુક્ત થઈ ગયું. અંગ્રેજો લખનઉ રેસિડેન્સીમાં મોં છુપાવીને બેઠા હતા. કાનપુર, અલાહાબાદ, બનારસ અને દૂર દૂર સુધી ‘મારો ફિરંગીને’ એવા નારા ગુંજતા હતા. અવધની પ્રજા પર કોઈ જોર ન ચાલ્યું તો અંગ્રેજોએ બાદશાહને પકડ્યો. વાજિદઅલી કોલકાતામાં હતો. અચાનક અંગ્રેજો ત્રાટક્યા. ૧૫ જૂન, ૧૮૫૬ના રોજ એક અંગ્રેજ દળે ઊંઘતા બાદશાહને જગાડ્યો. અંગ્રેજો વિરુદ્ધ ષડ્યંત્ર રચવાના આરોપ હેઠળ બાદશાહને જેલમાં નાખી દીધો. અવધમાં તેની ગિરફ્તારીના સમાચાર પહોંચ્યા. આ સમાચારે વિદ્રોહની આગમાં ઘી હોમવાનું કામ કર્યું. અવધના મહેલોમાં સન્નાટો છવાયો. હઝરતનો નૂરાની ચહેરો ગુસ્સાથી તમતમી ઊઠ્યો.
મહેલોથી દૂર ખળાંઓ, ખેતરો અને સૈનિક છાવણીઓમાં પણ લોકોની હાલત હઝરત જેવી જ હતી. સૈનિકો અને કિસાનો-શ્રમિકો એકમેક સાથે મળી ગયા. જૂનના અંતિમ દિવસો હતા. લોકો લખનઉથી થોડે દૂર ચિનહટ પાસે એકઠા થવા લાગ્યા. હેન્રી લોરેન્સ ગતિવિધિ પર નજર રાખી રહ્યો હતો. તેના જાસૂસોએ હેન્રીને સઘળી માહિતી આપી, પણ એક ભૂલ કરી. તેમણે હેન્રીને માત્ર સૈનિકોની સંખ્યા જ કહી, કારણ તેમને ખબર નહોતી કે અવધની દરેક વ્યક્તિ સૈનિક બની ગઈ હતી.
હેન્રી લોરેન્સે ૩૦ જૂન, ૧૮૫૬ના રોજ પરોઢિયે ચાર વાગ્યે ૧,૫૦૦ સૈનિકો સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું. ચિનહટ ફૈઝાબાદને રસ્તે લખનઉથી આઠ માઈલના અંતરે હતું. અંગ્રેજ સેનાએ જોયું કે શત્રુઓએ ચિનહટ પાસે ઈસ્માઈલ ગંજ ગામ પાસે ડેરો જમાવ્યો હતો, એથી અંગ્રેજોએ ગામની એક બાજુ, રસ્તાને કિનારે મજબૂત મોરચાબંધી કરીને તોપોમાંથી અગ્નિ વરસાવવાનું શરૂ કરી દીધું. અવધના સૈનિકોએ જોરદાર ટક્કર આપી. પરિણામે અજેય કહેવાતું અંગ્રેજ ફોજીદળ સૌપ્રથમ રણછોડરાય થયું. પછી તોપચી અને પછી સૈનિકો. વારાફરતી બધા જ નાસી છૂટ્યા. અંગ્રેજોનો ઘોર પરાજય થયો. એ વખતે બ્રિટિશ કમાન્ડરોને ખ્યાલ આવ્યો કે પોતાનો પનારો કોની સાથે પડ્યો છે!
લગભગ બધા તત્કાલીન ઈતિહાસકારો એમ કહે છે કે પ્રત્યેક મહત્ત્વપૂર્ણ સૈનિક અભિયાન પહેલાંની રાત્રે બેગમ બિલકુલ ઊંઘતી નહોતી. તે અફસરો સાથે ચર્ચાવિચારણા કરતી અને સિપાહીઓનો જુસ્સો વધારતી. જમીનદારો અને તાલુકાદારોને વિશેષ માર્મિક અરજ કરતી: ‘ખુદાએ આપણું પૂર્વજોનું રાજ્ય આપણને ફરી સોંપી દીધું છે. આવો, આપણે મળીને કાફિર અંગ્રેજોનો મુકાબલો કરીએ. આવો, વીરત્વ દાખવો. ખુદાની ઈચ્છા હશે તો અને તમને સફળતા મળશે તો પહેલાંથી પણ વધુ ઊંચો મોભો અને ઈનામ પામશો. જે અંગ્રેજોનો સફાયો કરશે તેનો કરવેરો અડધો કરી નાખવામાં આવશે.’ આ વાતોનો પ્રભાવ પડ્યો. ઘણા તાલુકાદારો અને જમીનદારો અંગ્રેજો સાથે સંપૂર્ણપણે છેડો ફાડીને બેગમને પડખે ઊભા રહ્યા.
અંગ્રેજો રેસિડેન્સીમાં બૂરી રીતે ઘેરાઈ ગયા. તેમણે અન્નપુરવઠો અને દારૂગોળો એકત્ર કરી લીધેલો. મૃત્યુથી બચવા માટે તેમની પાસે લડવાનો જ વિકલ્પ હતો. ચારેબાજુથી ઘેરાયેલી બિલાડીની જેમ લડવાનું એમણે નક્કી કરી લીધું. હઝરતે પણ લડતની તૈયારીમાં કોઈ કચાશ ન રાખી. તેના એક પોકારે હજારો લોકો શહીદ થવા દોડી નીકળ્યા. સ્ત્રીઓ સૈનિકોના વેશમાં નીકળી પડી. આ સેનાએ અંગ્રેજ સૈન્યનો જબરદસ્ત મુકાબલો કર્યો. અવધના લોકો પાસે આધુનિક હથિયાર નહોતાં, પણ ઉમદા રણનીતિથી તેમણે એ ખોટ ખાસ્સી હદે પૂરી કરી દીધી. જનરલ હેવલોકે પોતાના સૈનિક જીવનમાં બળિયા સૈનિકો સાથે બાથ ભીડેલી, પણ ગામડાના ખેડૂતો સામે ન તે સૈનિક રહ્યો, ન જનરલ. હઝરતે સ્વયં યુદ્ધનું સંચાલન કર્યું. હાથમાં વાજિદઅલીની તલવાર સાથે સૈનિકોનો જોમજુસ્સો વધાર્યા. લગભગ દોઢ લાખ સૈનિકો, બિનસૈનિકો અને માથે કફન બાંધીને નીકળેલાં આત્મઘાતી દળોના રણબંકાઓ અંગ્રેજો સામે ચટ્ટાનની જેમ
ઊભા રહ્યા.
આ તબક્કે જનરલ કેમ્પબેલ અને જનરલ આઉટ્રમ જંગમાં જોડાયા. આલમબાગમાં ધામા નાખ્યા. હઝરતે પોતાની પ્રજાને અવધની ‘અંતિમ લડાઈ’ લડવાનું આહ્વાન કર્યું. તેણે ઝટકો મારીને પોતાના સુંદર મુખડા પરથી પરદાને હટાવી દીધો અને કહ્યું કે ‘તમે સહુ તમારા દેશની સ્ત્રીઓનાં કષ્ટો પ્રત્યે હૃદયહીન છો. ન ખુદ કાંઇ કરો છો, ન અમને કાંઇ કરવા દો છો!’
બેગમના આ ટોણાનો જાદુઇ પ્રભાવ પડ્યો. સહુએ બેગમને વિશ્ર્વાસ અપાવ્યો કે તેઓ પોતાનું સર્વસ્વ દેશ માટે ન્યોછાવર કરી દેશે. બીજા જ દિવસથી સંગ્રામ શરૂ થયો. બેગમ પણ રણમેદાનમાં ઊતરી. એક મુકામથી હટીને બીજા મુકામ પર મોરચાબંધી કરતી રહી. તેની કોઠી ચોલાખી પર જોરદાર લડાઈ થઈ, પણ તે કોઠી છોડવા તૈયાર નહોતી. ખાસ્સી સમજાવટને અંતે હઝરત બિરજિસ અને અન્ય લોકો સાથે બહાર નીકળી ગઈ. અંગ્રેજો બેગમની પાછળ પડ્યા, પણ હઝરતે પોતાની સેના વિખેરીને ઠેકઠેકાણે શત્રુ પર છાપામાર નીતિથી આક્રમણ કરવાની યોજના ઘડી. અન્ય સરદારો સાથે તે પોતે પણ રણમેદાનમાં ઊતરી. આ યુદ્ધમાં બેગમે વફાદાર સાથીઓ અને રણબંકાઓ ગુમાવ્યા.
નવાબ જંગબહાદુરે બેગમ હઝરત મહલ, બિરજિસ કદ્ર અને તેમના સાથીઓને નેપાળમાં રહેવાની મંજૂરી આપી દીધેલી. ફેબ્રુઆરી, ૧૮૫૯માં અવધ અને પોતાના દેશને આખરી સલામ કહીને બેગમ અને તેના સાથીઓએ નેપાળમાં શરણ લીધું. ૧ એપ્રિલ, ૧૮૭૯ની સવારે હઝરત મહલને તાવ આવ્યો. જેમ જેમ દવા કરી એમ એમ રોગ વકરતો ગયો. સાતમે દિવસે તબિયત એ હદે લથડી કે બોલી પણ શકતી નહોતી. સ્વતંત્રતા અને સ્વાભિમાનની આ મશાલ ૭ એપ્રિલ, ૧૮૭૯ના અચાનક બુઝાઈ ગઈ. હિન્દની આઝાદીનું સ્વપ્ન સેવનાર એક વીર નારી ઇતિહાસમાં સોનેરી પૃષ્ઠ બનીને સમાઈ ગઈ! ઉ-

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.