મુંબઈ: મુંબઈના ઝવેરી બજારમાં બોલિવૂડની ફિલ્મ સ્પેશિયલ 26 સ્ટાઈલમાં એક ઝવેરીની દુકાનમાં લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. સીસીટીવી ફૂટેજની મદદથી મુંબઈ પોલીસે ટોળકી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ઘટના સોમવારની છે જેમાં અક્ષય કુમારની ફિલ્મ સ્પેશિયલ 26ની સ્ટાઈલમાં ટોળકીએ બનાવટ કરીને વેપારીને પોતે ઈડી અધિકારી હોવાનું જણાવ્યું હતું. ગુનેગારોએ વેપારી પાસેથી રૂપિયા 25 લાખ રોકડા અને 3 કિલો સોનુ જપ્ત કર્યું હતું. આ સોનાની બજારમાં કિંમત આશરે 1 કરોડ 70 લાખ રૂપિયા છે. રસપ્રદ વાત તો એ છે કે આ લૂંટ ધોળા દિવસે ચલાવવામાં આવી હોવા છતાં કોઈને તેની ગંધ સુદ્ધાં નહોતી આવી. મુંબઈ પોલીસે ઘટનાની જાણ થતાં લૂંટમાં સામેલ ચાર અજ્ઞાત વ્યક્તિ સામે આઈપીસીની કલમ 304, 506(2) અને 120(b) હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટજની મદદથી પોલીસ અધિકારીઓ અલગ અલગ જગ્યાએ આરોપીઓની શોધખોળ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ આખા રાજ્યમાં ધ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) દ્વારા જવેલર્સની દુકાનો પર દરોડા પાડ્યા હતા અને ઝવેરી બજારમાં પણ આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા સોનાના દાગીના પર હોલમાર્કની તપાસ માટે પાડવામાં આવ્યા હતા. એકલા ઝવેરી બજારમાંથી 2.75 કિલો સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું અને બજારમાં તેની કિંમત દોઢ કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.