Homeઉત્સવગરથનો ઘરડો, તેને ઘડી ઘડી અરઘો, વગર ગરથનો ઘરડો, તેનો ખાટલો મૂકો...

ગરથનો ઘરડો, તેને ઘડી ઘડી અરઘો, વગર ગરથનો ઘરડો, તેનો ખાટલો મૂકો અંઘો

ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી

ગરથ એટલે નાણું, પૂંજી, માયા, પૈસો, સંપત્તિ, ધન, વિત્ત. ગ્રંથ એટલે ગાંઠ વાળવી એમ ભગવદ્ગોમંડલમાં નોંધ છે. ધન હંમેશાં ગાંઠ વાળીને સાચવી શકાય છે. કપડાના છેડા વગેરેની ગાંઠ વાળીને ધનને ગુપ્ત રાખવાની પદ્ધતિ સર્વ પ્રસિદ્ધ છે. તો એ ભાવને લક્ષમાં લઈએ તો ગરથ શબ્દ ગ્રંથ પરથી આવી શકે અને તેનો અર્થ ધન પણ થઈ શકે. આ ગરથ શબ્દ પૈસાના જોરે નહીં પણ લાલિત્યના જોરે ભાષામાં વણાઈ ગયો છે. ગરથ વિનાનો ગાંગલો, ગરથે ગાંગજી ભાઈ અથવા ગરથ વિનાનો ગાંગલો, ગરથે ગાંગા શાહ કહેવત માર્મિક ઈશારો કરે છે. એનો ભાવાર્થ એમ છે કે પૈસાવાળાનો છોકરો – શ્રીમંતનું સંતાન મૂર્ખ કે અક્કલનું બારદાન હોય તો પણ ખૂબ હોશિયાર ગણવામાં આવે છે. આને સમાંતર બીજી કહેવત છે કે ગરથ વિનાનું ઘેલું, ને છૈયાં વિનાનું નાનું. મતલબ કે પૈસા વિનાનો માણસ મૂર્ખ મનાય છે અને છૈયાં એટલે સંતાન વિનાનો માણસ નાનું બાળક મનાય છે. હવે એક બહુ જૂની કહેવત જોઈએ જે આજના સમયમાં પણ અક્ષરશ: સાચી ઠરે છે. ગરથ બિન ગુણ નહીં, ગુણ બિન જ્ઞાન નહીં, જ્ઞાન બિન પુણ્ય નહીં, પુણ્ય બિન માન નહીં. પૈસો માણસને ગુણી ગણાવે છે એ આજના જમાનાનું સત્ય છે. ગરથ – ગુણ – જ્ઞાન – માન એકબીજા પર કેવા નિર્ભર છે અને નાણાં હોય તો માનપાન મળે એ વાત આ કહેવત સમજાવે છે. માનવ જીવન પર કટાક્ષ કરતી કહેવત છે કે ગરથનો ઘરડો, તેને ઘડી ઘડી અરઘો, વગર ગરથનો ઘરડો, તેનો ખાટલો મૂકો અંઘો. અરઘો શબ્દ અર્ઘ પરથી આવ્યો છે જેનો અર્થ પૂજા એવો થાય છે. અંઘો એટલે આઘો. આટલા અર્થ સમજી લીધા પછી કહેવત સમજવી આસાન બને છે. ગરથનો ઘરડો, તેને ઘડી ઘડી અરઘો એટલે વૃદ્ધ – ઘરડા માણસ પાસે સંપત્તિ હોય તો લોકો એને થાબડભાણા કરે, એની આરતી ઉતારે. હવે બીજો હિસ્સો જોઈએ વગર ગરથનો ઘરડો, તેનો ખાટલો મૂકો અંઘો એટલે જે ઘરડા માણસ પાસે ધન – સંપત્તિ નથી તેને ખાટલા પર બેસાડી ખાટલો આઘો હડસેલી દેવામાં આવે છે. મતલબ કે એનો કોઈ ભાવ નથી પૂછતું. શ્રીમંત સર્વત્ર પૂજ્યતે. આવો જ ભાવાર્થ ધરાવતી સમાંતર કહેવત પણ જાણવા જેવી છે કે ગરથવાળી કરે ધુંધાં ને નગરથીને આવે ઊંઘાં. ધૂંધાં એટલે ધામધૂમ – શોરશરાબા અને નગરથી એટલે જેની પાસે ગરથ (ધન) નથી એટલે કે રંક વ્યક્તિ અને ઊંઘાં એટલે ઊંઘનાં બગાસાં આવવા. આટલા અર્થ જાણ્યા પછી કહેવત સમજવી સહેલી પડશે. ગરથવાળી કરે ધૂંધાં એટલે જેને ત્યાં લક્ષ્મીની રેલમછેલ હોય એને ત્યાં કાયમ ધૂમધામ હોય અને નગરથીને આવે ઊંઘાં એટલે જેની પાસે સંપત્તિ નથી એ બગાસા ખાતો બેસી રહે. ટૂંકમાં કહીએ તો ‘સબસે બડા રૂપૈયા.’
—-
ABUSE: One Word Many Meanings
Word Abuse has different meanings according to its use. Abuse શબ્દ એના વપરાશના આધારે અલગ અલગ અર્થ ધારણ કરે છે. એટલે અર્થ સમજતી વખતે એના વપરાશને સમજવો જરૂરી છે. આ શબ્દનો સૌથી પ્રચલિત અર્થ છે, ગાળ. ગામડામાં ભૂંડા બોલી કહે જ્યારે શિષ્ટતાના અતિ આગ્રહી અપશબ્દ એમ કહે. નામરૂપ જૂજવા અંતે તો કાનમાં કીડા પડ્યા હોવાની લાગણી થાય એવા શબ્દો. As The employee failed to complete the project in time, the boss abused him. કર્મચારી સમયસર પ્રોજેક્ટ ન પૂરો કરી શક્યો એટલે બોસે એને ગાળો ભાંડી. જોકે આ શબ્દ પાવરની આગળ લાગતા એક નવો જ અર્થ ધારણ કરે છે. Abuse of Power એટલે સત્તા / અધિકારનો દુરુપયોગ. અહીં અપશબ્દ નહીં પણ અપકામ (ખોટું કે ખરાબ કામ) એવો અર્થ છે એવી દલીલ કરી શકાય. The President was charged with Abuse of Power after he ordered soldiers to shoot at protestors. વિરોધ પ્રદર્શન કરનારા પર ગોળીબાર કરવાનો આદેશ સૈનિકોને આપવા બદલ પ્રમુખ પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બીજો અર્થ ફેર જોઈએ. Abuse of Trust એટલે વિશ્ર્વાસ સંબંધી ગાળાગાળ એવું માની લેવાની ઉતાવળ નહીં કરતા. Abuse of Trust એટલે વિશ્ર્વાસઘાત. બોલચાલની ભાષામાં વિશ્વાસની તો વાટ લગાડી દીધી એમ તમે કહી શકો. Starting a new company without informing the partner is Abuse of Trust. ભાગીદારને અંધારામાં રાખી નવી કંપની શરૂ કરી એ નર્યો વિશ્ર્વાસઘાત છે. Abusive Language એટલે ગાળાગાળી, અશ્ર્લીલ કે ગલીચ ભાષા. In Web Series use of Abusive Language is common nowadays. આજકાલ વેબ સિરીઝમાં અશ્ર્લીલ ભાષાની કોઈ નવાઈ નથી. Child Abuse એટલે માત્ર બાળકની મારપીટ એટલો મર્યાદિત અર્થ નથી.એના પ્રત્યે બેદરકારી કે કોઈ પણ પ્રકારે ગેરવ્યવહાર માટે અંગ્રેજીમાં Child Abuse પ્રયોગ વાપરવામાં આવે છે. Child Abuse erodes the fundamental values of civilization. બાળકો સાથે ગેરવ્યવહારથી સામાજિક મૂલ્યોને ઘસારો પહોંચે છે.
—-
गटारी नव्हे, गताहारी
બુધવારે, બાવીસ તારીખથી ચૈત્ર મહિનાનો પ્રારંભ થાય છે. ચૈત્ર સુદ એકમનું મરાઠીભાષી લોકોમાં વિશેષ મહત્ત્વ છે. गुढी पाडवा તરીકે જાણીતા તહેવારનો દિવસ. સમગ્ર પ્રજા ઉત્સાહથી ઉજવણી કરે અને તહેવાર નિમિત્તે શુભેચ્છા આપે. આપણે ઉત્સવ પ્રેમી પ્રજા. તહેવાર રંગેચંગે ઉજવીએ અને અનેક વાર પ્રાંત – જાતિના ભેદ ભૂલી આનંદ કરીએ. જોકે ક્યારેક અધૂરી કે ખોટી માહિતીને કારણે તહેવારની બદનામી આપણે જ કરતા હોઈએ છીએ. આજે એવા એક ખોટી રીતે બદનામ તહેવારની સચ્ચાઈ જાણીએ અને ગેરસમજ દૂર કરીએ. અષાઢી અમાસ ગટારી અમાસ તરીકે ખોટી રીતે બદનામ છે. બીજા દિવસથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતી હોવાથી અમાસને દિવસે ભરપેટ માંસાહારી ભોજન અને ખૂબ દારૂ ઢીંચવો એવો શિરસ્તો બની ગયો છે. રસ્તે ચાલતી વખતે દારૂ પીને સંતુલન ન રહેતા ગટરમાં પડી જવાની સંભાવનાને કારણે ગટારી અમાસ કહેવાતી હોવાની ગેરસમજ છે. હકીકત એ છે કે आपल्याकडे आषाढी अमावस्या नंतर आहारत बदल केला जातो. या दिवसाला गताहारी (जो आहार गेला आहे ती) अमावस्या असे म्हणतात. અષાઢી અમાસ પછી શ્રાવણમાં પાચનશક્તિ મંદ થવાથી અને ઉપવાસ તેમજ પાણીજન્ય રોગના ફેલાવાની સંભાવના જેવા કારણોસર આહારમાં બદલાવ કરવામાં આવે છે. એટલે એ દિવસ ગટારી નહીં, પણ ગતાહારી (જે આહાર ગયો એ, ગત + આહારી) અમાસ એ સાચો પરિચય છે. गत म्हणजे गेलेला आहार म्हणजे जेवण. तर असा हा गताहार प्रारंभ आषाढी अमावस्येपासून होतो. म्हणून गताहारी अमावस्या. आपल्या प्रत्येक सणांचे नावे संस्कृतवर आधारित आहेत. આમ અષાઢી અમાસને અંગ્રેજી શબ્દ ગટર સાથે કોઈ નિસ્બત નથી.

कहावतों का भावानुवाद
અનુવાદ એક અઘરી કળા છે. કોઈ એક ભાષાની વાત બીજી ભાષામાં કહેતી વખતે જો અર્થના રૂપાંતરમાં ગરબડ થાય તો કહેવું કંઈ હોય ને કહેવાઈ જાય કંઈક બીજું જ. એને કારણે કાં તો હાસ્યની છોળો ઊડે અથવા મુશ્કેલીઓને નોતરું મળે. શબ્દાનુવાદ કર્યા પછી એનો ભાવ જાળવી રાખવો અગત્યનું છે. એટલે જ ભાવાનુવાદ મુશ્કેલ વ્યાયામ માનવામાં આવે છે. આજે આપણે કેટલીક ગુજરાતી કહેવતો હિન્દીમાં અલગ શબ્દ દેહ ધારણ કર્યા પછી પણ મૂળ ભાવ કેવો અકબંધ જાળવી રાખે છે એ જાણી એનો આનંદ લઈએ. કરડે માંકડ ને માર ખાય ખાટલો કહેવતમાં કરતૂત કોઈના ને સજા બીજું કોઈ ભોગવે એ અર્થ છે. આ કહેવતનો ભાવાનુવાદ હિન્દીમાં થાય છે ત્યારે કીડી ને ખાટલો ગાયબ થઈ જાય છે અને ગધેડા – વણકર સાથે चरे गधा और मार खाय जुलाहा જેવી નવી નક્કોર કહેવત જન્મ લે છે, પણ ભાવ અકબંધ જળવાય છે એનો ખ્યાલ તમને આવી ગયો હશે. બીજું મજેદાર ઉદાહરણ જોઈએ. ખાળે દાટા, દરવાજા ઉઘાડા અથવા ખાળે ડૂચા, દરવાજા મોકળા કહેવતમાં નાની અમથી વાતે ખૂબ તકેદારી રાખવી પણ મોટી વાતમાં બેદરકારી એ ભાવ વ્યક્ત થાય છે. હિન્દીમાં આ કહેવત अशरफियां लुटे, कोयलों पर मुहर જેવું સ્વરૂપ ધારણ કરી લે છે. અશરફી એટલે સોનાનો સિક્કો અને કોયલ એટલે કોલસો. એક બાજુ સોનાના સિક્કા લૂંટાઈ જાય છે, પણ બીજી તરફ અશરફીની સરખામણીમાં સાવ મામૂલી મૂલ્ય ધરાવતા કોલસાની બાબતે અત્યંત સાવચેતી રાખવામાં આવે એ કેવું કહેવાય, પણ થાય એવું. ગધેડા ઉપર અંબાડી પ્રયોગમાં ન શોભે એવી મામૂલી વસ્તુ પર બેફામ ખર્ચ કરવો, મતલબ કે બુદ્ધિનું દેવાળું ફૂંકવાની વાત. આ કહેવત હિન્દીમાં જેવું સાવ જુદું જ સ્વરૂપ ધારણ કરે છે. અલબત્ત ભાવ જાળવીને: छछूंदर के सर मे चमेली का तेल છછુન્દર ઉંદરની એક જાત છે જેના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય છે. હવે આવા જીવને મૂલ્ય ધરાવતું સુગંધી તેલ લગાડવું એટલે ગધેડા ઉપર અંબાડી બેસાડવા જેવો જ ઘાટ થાય ને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -