ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી
ડૂબતા જતા સૂર્યની લાલીમા આકાશમાં પથરાયેલ હતી. સંધ્યા ખીલેલું આકાશ મીતવાને બહુ ગમતું ગમે ત્યાં હોય એ આવા સમયે ગમે તેવું , ગમે તેટલું અગત્યનું કામ પણ પડતું મૂકી હંમેશાં કુદરતની આ બેનમૂન કલાકૃતિ જોવા ઊભી રહી જતી. માં ની બૂમો કે સહેલીઓની લાલચ પણ એને ડગાવી શકતી નહિ. પોતાના સપનાઓને સાકાર કરવાની કલ્પનાઓમાં રાચતા એના મનને જો ફરજિયાત ત્યાંથી જવું જ પડે તો તેવી પરિસ્થિતિમાં ગુસ્સો પણ કરી લેતી એ.! પણ આજે ? આજે તો કોઈ એને બોલાવતું નથી, ઘરમાં નીરવ શાંતિ છે. કશેજ જવાની ઉતાવળ નથી, કાલે સવારે કોઈ પરીક્ષા નથી કે નથી કોઈ ખાસ કામકાજ?!! પરંતુ આ સાંજ એને આકર્ષતી નથી હવે! રૂમની ખુલ્લી બારીમાંથી સમીસાંજે બહાર નજર પડતાજ એના મનમાં આ પ્રશ્ર્ન ઉઠ્યો. કારણ? કદાચ એ ખુલ્લા ખીલેલા આકાશમાં એણે વર્ષોથી જોયેલા શમણાઓ આજે કરમાયેલા છે. કલ્પનાઓના રંગો ત્યાં હકીકતોનાં અડાબીડ જંગલોમાં ઢંકાય ચુક્યા છે. દૂર દૂર સુધી અફાટ અકળામણના અવકાશમાં હવે એને બેચેની લાગવા લાગે છે. એણે એક ઝટકામાં નજર બારી પાસેથી હટાવી લીધી. મનને બીજી તરફ વાળવાનો પ્રયાસ કર્યો ને વિચાર્યું હમણાં ધીમે ધીમે બધા ઘરે આવશે. ઘર આખું કલબલાટ ને શોરબકોરથી ભરાય જશે અને પોતે પણ ખુશ! સાચે ખુશ? કે માત્ર ખુશ હોવાનો ડોળ? ફરીથી બીજો સણસણતો સવાલ એના મનને વિચલિત કરી ગયો. ઝડપથી એ વિચારને પણ ખંખેરવા માંગતી પોતે રૂમમાંથી બહાર નીકળી ડાઇનિંગ ટેબલ પર બેસી ગઈ. ફરી એક નવો વિચાર એના મગજ પર સવાર થયો અહીં જમવા કે સામે ટીવી જોવા ભેગા થયેલ એના પોતાના ઘરની વ્યક્તિઓ જયારે આજકાલ બહુચર્ચિત મુદ્દાઓની વાતો પર આવશે ત્યારે પોતાના અભિપ્રાય કે વાતને અચૂક વચ્ચેથી કાપી, તને ના ખબર પડે એમ કહીને ઉતારી પાડશે, ત્યારે બે ચોટલા વાળેલી, સ્કૂલ યુનિફોર્મમાં શાળાના અનેક કાર્યક્રમો તેમજ સ્પર્ધામાં ચપળતાથી ભાગ લેતી અને જુસ્સાથી જીતતી એક નાનકડી છોકરી એની સામે એકીટશે જોયે રાખશે. કોલેજકાળમાં અનેક વ્યવસાયિક પ્રોજેક્ટ્સમાં પ્રશંસનીય કામ કરનાર તેમજ સખત આત્મવિશ્ર્વાસ સાથે સ્ટેજ પર ડીબેટ કરતી કે અન્ય કાર્યક્રમોનું સફળ સંચાલન કરતી યુવતીની ઠપકાભરી ધારદાર નજર પોતે સાંખી શકશે નહિ. મન તો થશે કે કહી દે કે પોતાને માત્ર કોઈ નોકરી કે વ્યવસાય શરૂ કરવાની જ વાર છે માત્ર એકવાર પોતે શરૂ કરશે પછી પોતાની આસપાસના બીજા બધા કરતા કદાચ વધુ સફળતા પ્રાપ્ત કરી શકે, પરંતુ એ કરવું કેમ? કેટલીય મહેનત લાગે બધુ સરખું ગોઠવતા એની શરૂઆત ક્યાંથી અને કઈ રીતે કરવી એ વિચારે એના હોઠ ભીડાય જશે અને પોતે મનમાં ઊઠેલી એ ટીસને દબાવી દર વખતની જેમ પોતાના કામે વળગી જશે. શું સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ પોતાના માટે ના હોય શકે ? આજની યુવતીઓ પણ અનુભવી, ઠરેલ અને નિષ્ણાત વ્યક્તિ કરતાં વધુ જોશથી જિંદગીના શરૂઆતી તબક્કામાં શું એક નવી શરૂઆત ના કરી શકે ?
સ્ટાર્ટ અપ – કઈક નવું શરૂ કરવાની વાત આવે એટલે આપણે એવુંજ માની લઈએ કે જ્યાં છીએ ત્યાં સારા છીએ, હજુ તો વીસ જ થયાં આગળ ઘણાં વર્ષો પડ્યાં છે સેટ થવા માટેના કે અત્યારે તો મજા કરી લઈએ એવું વિચારનારી યુવતીઓ વધુ મળે. સામાન્ય રીતે નોકરી પર રાખવા માટે નવી વ્યક્તિઓની જરૂર હોય કે નવો બિઝનેસ આપણે હંમેશાં વીસ કે તેથી વધુની વયની વ્યક્તિઓને લેવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ. આ માનસિકતા શા માટે ? એનું કારણ છે કે એ ઉંમરે પહોંચ્યા પછીજ પરિપક્વતા આવતી હોય છે એવું માની લેવામાં આવે છે. યુવતીઓને પંદર વર્ષે પરણાવી દેતા ના અચકાતો માણસ, વીસ વર્ષે તેણી એકલા વ્યવસાય શરૂ કરી શકે એના માટેની તૈયારી દાખવતો હોતો નથી. એક સામાન્ય યુવતી માટે આવનારી જિંદગી મસ્ત જ હશે એ વિચારી સમય પસાર કરી નાખવાનો બસ ! પોતાની રીતે એમાં બહુ ઝાઝો ફર્ક કરવાનો નહિ એવા એક સામાન્ય વિચારમાં આપણે ચાલતા જઈએ છીએ, પરંતુ આપણે એ જાણતા નથી કે હાલમાં દુનિયામાં ટોચના સફળ સ્ટાર્ટઅપ બિઝનેસમાં આવનારા ઘણા લોકો વીસ-પચ્ચીસ વર્ષની આસપાસના છે જેમાં ઘણીખરી મહિલાઓનો પણ સમાવેશ થાય છે કે જેમણે નાની
વયે ખૂબ નાના પાયે કોઈ વ્યવસાયની શરૂઆત કરી હોય અને ધીમે ધીમે એક સફળ બિઝનેસવુમન બની અન્યો માટે પ્રેરણારૂપ બની ગયેલ હોય.
આજથી એક સૈકા પહેલા સુધીના સમયમાં એવું બનતું કે બહુ ઓછા લોકો લાંબું જીવી શકતા. નાની વયે મૃત્યુ પામવાનો દર ઘણો વધુ રહેતો, પરંતુ આજના જમાનામાં યુવાની બાદ ઘણાં વર્ષો બાકી બચેલા હોય છે ત્યારે પોતાના સુખ અને સંતોષ માત્રજ નહીં, પરંતુ પોતાના આત્મસમ્માન, આત્મવિશ્ર્વાસ અને નિજાનંદ માટે પણ યુવતીઓ જો કોઈ વ્યવસાય શરૂ કરવાનું વિચારે તો એમાં કઈ ખોટું નથી. યાદ રાખવું કે વ્યવસાય નાનો હોય કે મોટો એ અગત્યનું નથી. નોકરી શરૂ કરવી એમાં આવક કેટલી એ પણ બહુ મહત્ત્વ ધરાવતું નથી, પરંતુ એક વખત બહારની દુનિયામાં ડગલું ભરવું એ વાત અગત્યની છે. હિંમત કરીને એક કદમ જો કોઈ એક અજાણી દિશામાં આગળ વધારીએ તો આપોઆપ રસ્તાઓ જાણીતા બનતા જતા હોય છે. સ્ટાર્ટ અપ કર્યા પછી ગાડી સડસડાટ દોડવા લાગે કે ચાલવા લાગે પણ જરૂર હોય છે ચાલવાની શરૂઆત કરવાની. યુવાનીમાં પ્રવેશ બાદ આ રીતે પગભર થવાની ખેવના રાખનાર યુવતીઓ પોતે જિંદગીના એક નવા જ અધ્યાયની શરૂઆત કરતી હોય તેવું લાગે છે.
સ્ટાર્ટ અપ એટલે શું, કયા ક્યા વ્યવસાયો યુવતીઓ પોતાની વીસીમાં પ્રવેશ્યા શરૂ કરી શકે અને તેના માટેના કયા તબક્કા હોય એ દરેક બાબત વિષે આપણે જાણતા રહીશું. યુવાવસ્થાએ મુગ્ધાવસ્થા બાદ મજાની જિંદગીની શરૂઆત કરવા માટેના રસ્તાઓ મેળવવા સ્ટાર્ટ અપ અનિવાર્ય છે.