સ્ટ્રેસ… આજકાલ આપણને દિવસમાં મળનારી દર બીજી વ્યક્તિ સ્ટ્રેસમાં જીવી રહી છે અને આ સ્ટ્રેસ કોઈ પણ વસ્તુ કે બાબતનો હોઈ શકે છે. આપણા વર્તન અને કામ કરવાની રીત પર અનેક પ્રકારની અસર કરે છે. કેટલાક અનુભવી નિષ્ણાતો માત્ર જોઈને જ અંદાજો લગાવી શકે છે કે વ્યક્તિ કેટલા તણાવમાં છે. આ ઉપરાંત હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર જેવા પરિબળોની મદદથી પણ તણાવનું સ્તર જાણી શકાય છે. જોકે, સ્વિસ વૈજ્ઞાનિકો દ્વારા તેમના નવા અભ્યાસના આધારે એવો દાવો કરવામાં આવ્યો છે કે તમે રોજ જે કોમ્પ્યુટર, માઉસ અને કીબોર્ડ પર કામ કરો છો એના આધારે પણ જે-તે વ્યક્તિના સ્ટ્રેસનો અંદાજો લગાવી શકાય એમ છે.
સંશોધકો દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે કોમ્પ્યુટર માઉસ માણસના ધબકારા કરતાં વધુ સારી તાણ સૂચક સાબિત થઈ શકે છે. ઝુરિચમાં સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (ETHZ)ના સંશોધકો કહે છે કે તેઓએ નવા ડેટા અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને એક નવું મોડલ વિકસાવ્યું છે.
90 લોકો પર સંશોધકો દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં સામેલ કરવામાં આવેલા આ સહભાગીઓને ઓફિસમાં અમુક કામ સોંપવામાં આવ્યા હતા જેમ કે લેબમાં પ્લાનિંગ, એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવું, ડેટા રેકોર્ડિંગ અથવા એનાલિસિસ વગેરે વગેરે…
અભ્યાસમાં, કેટલાક સહભાગીઓને કામ કરવા માટે એકલા છોડી દેવામાં આવ્યા હતા અને અન્ય લોકોને વારંવાર ચેટ અથવા સંદેશાઓથી પરેશાન કરવામાં આવ્યા હતા કે તેઓ નોકરીના ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માંગે છે કે કેમ? આ જ આધારે સંશોધકોએ એવું પણ શોધી કાઢ્યું હતું કે તણાવગ્રસ્ત લોકો કોણ છે અને આ લોકો બિન-તણાવગ્રસ્ત લોકોની સરખામણીમાં તેમના માઉસ અને કી-બોર્ડનો ઉપયોગ કેવી રીતે કરે છે.
અભ્યાસમાં એવું તારણ સામે આવ્યું હતું કે તણાવ હેઠળના લોકો તેમના માઉસ પોઇન્ટરને વધુ વખત અને ઓછી ચોકસાઈ સાથે ખસેડે છે. આ સાથે તેઓ લાંબા અંતરને પણ સ્ક્રીનમાં કવર કર્યું હતું. આ લોકો ટાઈપ કરતી વખતે ભૂલો કરતા હતા અને ટાઈપ કરતી વખતે ઘણી વખત રોકાઈ જતા હતા.
જ્યારે તણાવગ્રસ્ત લોકોની સરખામણીએ તાણમુક્ત લોકો પણ ટાઇપ કરતી વખતે વધુ સમય સુધી રોકાયા હતા, પરંતુ ઘણી ઓછી વાર અને લાંબા સમય સુધી. સંશોધકોએ કહ્યું કે તણાવ અને કી-બોર્ડ અને માઉસના વર્તન વચ્ચેના સંબંધને ન્યુરોમોટર નોઈઝ થિયરી દ્વારા સમજાવી શકાય છે.
રિપોર્ટ અનુસાર સ્વિત્ઝર્લેન્ડમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ પોતાના કામના સ્થળે તણાવનો સામનો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે કાર્યસ્થળ પર તણાવની સમસ્યા માત્ર સ્વિટ્ઝર્લેન્ડ માટે જ નહીં, પરંતુ ભારત સહિત સમગ્ર વિશ્વ માટે એક પડકાર છે. તે સારી વાત છે કે હવે કંપનીઓએ પણ તેને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દીધું છે…