શિવ રહસ્ય -ભરત પટેલ
ગત સપ્તાહ સુધીનો સારાંશ: પ્રસન્ન માતા પાર્વતી કહે છે, ‘સ્વામી તમે મારા વરદાનને અભિશાપ બનતા રોકી દીધું.’ તેના જવાબમાં ભગવાન શિવ માતા પાર્વતીને સમજાવતા કહે છે, ‘નહીં પાર્વતી, જો તમે વરદાન જ ન આપ્યું હોત તો સંસારવાસીઓને પરિશ્રમ અને આધ્યાત્મિક કાર્યોનું મહત્ત્વ કેટલું એ બાબત વિવાદ ન થાત અને વિવાદ ઊભો ન થાત તો આપણા ભક્તોને પરિશ્રમ અને ભગવાનની મહત્ત્વતા નહીં સમજાત.’ એજ સમયે ભગવાન ગણેશ ત્યાં પધારે છે અને કહે છે, હું અહીં કૈલાસ પર એકલો જ છું મારા બંને ભાઇબહેન મારાથી દૂર પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યાં છે. એક ભાઈના નાતે મારું પણ કર્તવ્ય છે કે મારી બહેનના લગ્ન કરાવું. મારે પ્રથમ પૂર્વાંચલ જઈ રાજા આયુ સમક્ષ તેમના પુત્ર નહુષ સાથે અશોકસુંદરીના લગ્નનો પ્રસ્તાવ મૂકવો પડશે.’ પ્રસન્ન ભગવાન શિવ તેમને કહે છે, ‘અવશ્ય પુત્ર, પૂર્વાંચલ જઈ રાજા આયુ સમક્ષ અશોકસુંદરીના વિવાહ નહુષ સાથે કરવાનો તમારો પ્રસ્તાવ પ્રસ્તુત કરો.’ પૂર્વાંચલ પહોંચતાં જ ભગવાન ગણેશને દ્વારપાળ મહેલમાં જતાં રોકે છે. ભગવાન ગણેશ દ્વારપાળને સમજાવતા કહે છે, ‘હું અહીં મારી બહેનના લગ્ન રાજકુમાર નહુષ સાથે કરવા અહીં આવ્યો છું. તુરંત જઈ રાજા આયુને મારા પધારવાના સમાચાર આપો.’ ઘણી વિનવણી બાદ પણ દ્વારપાળો નહીં માનતા ભગવાન ગણેશ તેમને ચેતવણી આપે છે કે: ‘હવે આવનારા પરિણામ માટે તમે જવાબદાર હશો.’ એટલું કહી ભગવાન ગણેશ ક્રોધિત થઈ પોતાનો જમણો પગ જમીન પર પછાડતાં પૃથ્વીની ધરા ધ્રૂજી ઊઠે છે. ગભરાયેલો એક દ્વારપાળ મહેલ તરફ દોડે છે અને રાજસભામાં પહોંચી કહે છે, ‘મહારાજ એક બાળક નગરના દ્વાર પર આવ્યો છે અને કહે છે કે મહારાજાને મળવું છે, એ બાળક બહુ વિચિત્ર લાગે છે, ધડ માણસનું છે પણ શીર્ષ હાથીનું છે.’ રાજા આયુને ખબર હોય છે કે ‘સમગ્ર સૃષ્ટિમાં એક જ બાળક હાથીનું શીર્ષ ધરાવે છે અને એ છે આપણા આરાધ્ય માતા પાર્વતી અને ભગવાન શિવના સુપુત્ર ભગવાન ગણેશ. તેઓ મહારાણી કલાવતી સાથે નગરના દ્વાર પર જઈ ભગવાન ગણેશનું સ્વાગત કરે છે અને તેમને આતિથ્ય સ્વીકારવાનું આમંત્રણ આપે છે. તેના જવાબમાં ભગવાન ગણેશ કહે છે, ‘માફ કરો રાજન, અમે ક્ધયાપક્ષવાળા છીએ, બહેનના ઘરનું પાણી પણ સ્વીકારતા નથી તમારા દીકરા નહુષ સાથે મારી બહેન અશોકસુંદરીના લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો છું.’ રાજા આયુ અને મહારાણી કલાવતી ભગવાન ગણેશને કહે છે કે ‘જુઓ આ મારો પુત્ર નહુષ છે, હજી તેની ઉંમર લગ્ન કરવા યોગ્ય નથી, તમારી બહેને પ્રતીક્ષા કરવી પડશે.’ ભગવાન ગણેશ સંમતિ આપતાં રાજા આયુ, મહારાણી કલાવતી, નહુષ અને મંત્રીગણ ભગવાન ગણેશ સાથે અશોકસુંદરી પાસે પહોંચે છે. નહુષ અશોકસુંદરી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે જેનો અશોકસુંદરી સ્વીકાર કરે છે. એજ સમયે અશોકસુંદરી ભગવાન ગણેશને ભેટી પડે છે. હર્ષોલ્લાસ સાથે ભગવાન ગણેશ અને અશોકસુંદરી કૈલાસ પહોંચે છે. ખૂબ જ પ્રસન્ન અશોકસુંદરી કહે છે, ‘ભ્રાતા ગણેશ, તમે આટલી નાની ઉંમરે ખૂબ મહાન કાર્ય કર્યું છે, હું તમને ભેટમાં શું આપું.’ ભગવાન ગણેશ ઉત્તમ ભેટ તરીકે બહેનનો હેત માગે છે તો અશોકસુંદરી ભગવાન ગણેશને રક્ષાદોરો બાંધી રક્ષાબંધન ઉજવે છે.
—
કૈલાસ ખાતે રક્ષાબંધન ઉજવાતા શિવગણોમાં આનંદનું વાતાવરણ ફેલાય છે તેઓ ઉત્સવ મનાવે છે.
ભગવાન શિવ: ‘દેવી મારે જવું પડશે, એક ભીલ યુગલ ભક્ત ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યાં છે.’
માતા પાર્વતી: ‘સ્વામી જો તે યુગલ અસુર હોય તો વરદાન આપતાં ધ્યાન જરૂર રાખજો.’
ભગવાન શિવ: ‘દેવી આપણે વરદાન આપતી વખતે કંઈ વિચારી શકીએ નહીં, ભક્તની ઈચ્છાનું ધ્યાન રાખવું આરાધ્યની જવાબદારી હોય છે.’
આટલું કહી ભગવાન શિવ વિદાય લે છે.
—
ભગવાન શિવ ત્યાં પહોંચી જુએ છે કે એ ભીલ યુગલ એક શિવલિંગ સમક્ષ બેસી પંચાક્ષરી મંત્ર ‘ઓમ નમ: શિવાય’નો જાપ કરી રહ્યા છે.
ભગવાન શિવ: ‘ઓમ તત્ સત્.’
કોઈ સાધુદેવતાનો અવાજ સંભળાતા ભીલ યુગલ આંખ ખોલી તેમને જુએ છે.
ભીલ પુરુષ: ‘સાધુદેવતા તમારે થોડો સમય રાહ જોવી પડશે, અમારી પૂજા સમાપ્ત થયા બાદ જ અમે તમને ભિક્ષા આપી શકીશું.’
ભગવાન શિવ: ‘હું નિયતીનાથ મને ભિક્ષાની અપેક્ષા નથી. નિરંતર પદયાત્રા કરી હું થાકી ગયો છું. એક ડગલું પણ ચાલવાની મારી હિંમત નથી, મારે વિશ્રામની જરૂર છે, શું તમારી આ ઝૂંપડીમાં કોઈ જગ્યા હશે જ્યાં આજની રાત્રી હું વિશ્રામ કરી શકું.’
ભીલપુરુષ: ‘સાધુદેવતા તમે જોઈ શકો છો કો અમારી ઝૂંપડી બહુ જ નાની છે અમે બે જણ જેમ તેમ એમાં સમાઈ શકીએ છીએ, એમાં તમને જગ્યા આપવી…..’
ભીલસ્ત્રી: ‘સ્વામી, ફક્ત એક રાત્રીની જ વાત છે, સાધુદેવતા તમે અમારી આ ઝૂંપડીને પાવન કરી વિશ્રામ કરો. એ પહેલાં તમે આહુકા -રાહુકાને ચરણસ્પર્શનો મોકો આપો.’
આહુકા અને રાહુકા સાધુદેવતા (ભગવાન શિવ)ના આશીર્વાદ લે છે અને તેમને એક ઘાસની પથારી બનાવી આપે છે.
આહુકા: ‘સાધુદેવતા અમારી ઝૂંપડીમાં આપનું સ્વાગત છે તમે અહીં વિશ્રામ કરો, કોઈપણ સેવા હોય તો જરૂર બોલાવજો, સંકોચ કરશો નહીં.’
ભગવાન શિવ: ‘હું તો એક રાત્રી મારા ચક્ષુને વિશ્રામ આપવા માગું છું, એથી વધુ મને કંઈ ન ખપે. તમારી ઇચ્છા હોય તો ભોજન કરી લો.’
રાહુકા: ‘સાધુદેવતા જેમના જીવનનો ઉદ્દેશ ફક્ત મહાદેવના દર્શન હોય તેમને ભોજનની શી આવશ્યકતા. જે દિવસે મહાદેવના દર્શન થશે તે દિવસે જીવનની ક્ષુધા આપોઆપ સમાપ્ત થઇ જશે. હવે તમે વિશ્રામ કરો, જ્યાં સુધી તમારી નિદ્રા ના તૂટે ત્યાંથી સુધી અમે તેમાં કોઈ બાધા આવવા નહીં દઈએ.’
સાધુદેવતા (ભગવાન શિવ) ઘાસની પથારી પર વિશ્રામ કરે છે તો આહુકા અને રાહુકા તેમની ઝૂંપડીની બહાર વિશ્રામ કરવા ઘાસની પથારી કરે છે. મધ્યરાત્રીએ એક નાગદેવતા આહુકાના પગ પરથી પસાર થતાં આહુકા જાગ્રત થાય છે. આહુકા જુએ છે કે નાગદેવતા તેમની પત્ની નાહુકાના પગ પાસે બેસેલા છે. આહુકા અસ્વસ્થ થાય છે, વિચારે છે કે હું અવાજ કરીશ તો સાધુદેવતાની નિદ્રામાં ખલેલ પહોંચશે. તેથી આહુકા અવાજ ન કરતાં નાગદેવતાને ભગાવવાની કોશિશ કરે છે, એ કોશિશ દરમિયાન નાગદેવતા તેને ડંખ મારે છે. ડંખ લાગતા આહુકા પોતાના હાથેથી પોતાનું મોઢું દબાવી રાખે છે જેથી અવાજ ન થાય.
સવાર થતાં રાહુકા જુએ છે કે પોતાના પતિ મૃત અવસ્થામાં પડ્યા છે અને તેનું શરીર સર્પ ડંસથી ભૂરું પડી ગયું છે, સાધુદેવતાની નિદ્રામાં ખલેલ ન પડે એટલે એ પોતાના પતિ પાસે બેસીને રુદન કરે છે. ધીમા રુદનનો અવાજ ભગવાન શિવથી છુપો ન રહેતાં તેઓ બહાર આવે છે. જુએ છે કે આહુકા નિસ્તેજ જમીન પર પડેલો છે અને રાહુકા પતિ પાસે બેસીને રુદન કરી રહી છે.
ભગવાન શિવ: ‘રાહુકા શું થયું તમારા પતિને?’
રાહુકા: ‘સાધુદેવતા મધ્યરાત્રિએ કોઈ નાગદેવતા મારા પતિને ડંખી ગયા લાગે છે.’
ભગવાન શિવ: ‘મારી નિદ્રા તૂટી ન જાય એટલે તેમણે અવાજ પણ ન કર્યો મૌન રહી પીડા સહતો રહ્યો અને પોતાના પ્રાણ ત્યજી દીધાં.’
રાહુકા: ‘સાધુદેવતા જે થયું એમાં તમારો કોઈ દોષ નથી, તમે વિદાય લેતી વખતે તમે દુ:ખી ના થાઓ, મને અને મારા પતિને મહાપાપ લાગશે. તમે પ્રસન્ન થઈ વિદાય લો, તમારા ગયા બાદ હું મારા પ્રાણ ત્યજી દઈશ.’
ભગવાન શિવ: ‘પણ રાહુકા તમે તમારા પ્રાણ શું કામ ત્યજવા માગો છો. શું તમે ભગવાન શિવના દર્શન કરવા નથી માગતા.’
રાહુકા: ‘સાધુદેવતા હું એકલી મહાદેવના દર્શન કરવા નથી ઇચ્છતી મારા પતિ સ્વર્ગલોક સિધાવી ગયા છે, મારા પ્રાણ ત્યજી હું અને તેઓ આવતા જન્મમાં સાથે જ મહાદેવના દર્શન કરીશું.’
ભગવાન શિવ: ‘નહીં રાહુકા, તમારે આવતા જન્મની રાહ જોવાની જરૂર નથી, આ જન્મમાં જ તમે બંને સાથે મહાદેવના દર્શન કરશો.’
એટલું કહી ભગવાન શિવ પોતાનું વાસ્તવિકરૂપ ધારણ કરી આહુકાના માથે હાથ મૂકતાં આહુકામાં ચેતના આવે છે અને ઊભો થાય છે. આહુકા અને રાહુકા બંને ભગવાન શિવના આશીર્વાદ લે છે.
ભગવાન શિવ: ‘હું તમારી પરીક્ષા લેવા માગતો હતો કે તમે મારી ભક્તિમાં આતિથ્યસત્કાર અને શિષ્ટાચાર ભૂલી તો નથી ગયા ને? પરંતુ તમે આતિથ્યસત્કારરૂપે એવું બલિદાન પ્રસ્તુત કર્યું છે કે હું એનાથી અત્યંત પ્રસન્ન છું, તમે સિદ્ધ કર્યું છે કે અતિથિ દેવતા સમાન હોય છે. હું તમને વરદાન આપું છું કે આવતા જન્મમાં તમે રાજા નળ અને મહારાણી દમયંતીના રૂપે જન્મ લેશો. તમારા બંનેનું મિલન એક હંસના માધ્યમથી થશે. (ક્રમશ:)