શિવ રહસ્ય -ભરત પટેલ
ગત સપ્તાહ સુધીનો સારાંશ: છુપાતા છુપાતા કુમાર કાર્તિકેય કૈલાસ પહોંચતાં જુએ છે કે શ્રીગણેશ ભગવાન શિવની ચારે તરફ પ્રદક્ષિણા કરતા કરતા જટા, ચંદ્રમા અને સર્પને સ્પર્શ કરીને કહે છે: ‘હું ક્યારનો વિચારું છું કે, મારી માતા કેટલી સુંદર છે અને તેઓ શૃંગાર પણ કરે છે અને તમે… જટાધારી અને ભસ્મ ચોપડેલ અઘોરી… તમને માતાએ પસંદ કઈ રીતે કર્યા.’ તેના જવાબમાં ભગવાન શિવ કહે છે, ‘મેં તમારી માતા માટે રૂપ બદલ્યું હતું, પણ હું તમારી માતાને આ રૂપમાં જ પ્રિય છું તો હું શું કરું?’ ભગવાન ગણેશ દ્વારા ડમરું, ત્રિશુલ, સર્પ અને ભસ્મમાં મનમોહક શું છે એવું પુછાતાં ભગવાન શિવ કહે છે, ‘આ સંસારમાં, આ પ્રકૃતિમાં ત્રણ ગુણોનો સમાવેશ છે, રજસ, તમસ અને સત્ત્વ. સંસારને સમતોલ ચલાવવા માટે આ ત્રણેય ગુણની જરૂરિયાત છે.
આ મારું ત્રિશુલ ત્રણેય ગુણોનું પ્રતીક છે. પ્રકાશ, ઊર્જા, ક્રોધ, આવેશ, ગતિ, પરિવર્તન, આકાંક્ષા આ બધા રજસ ગુણોના ઉદાહરણ છે, જન્મ અને મૃત્યુ પણ રજસ ગુણ છે તેજ પ્રકારે અહંકાર, અજ્ઞાનતા, આલોચના, ઈર્ષા, દ્વેષ મૃત્યુ તમસ ગુણના ઉદાહરણ છે. આ બંને ગુણોનું સંતુલન સંસાર માટે અનિવાર્ય છે, પરંતુ બંને ગુણના સંતુલન માટે જરૂરિયાત છે ત્રીજા સત્ત્વ ગુણની.
સત્ત્વ ગુણ એટલે સાત્ત્વિક ગુણ. શુદ્ધતા, પવિત્રતા, સમર્પણ, પ્રયાસ, નિરંતરતા, સત્યતા, આદ્યાત્મિક ધ્યાનમાં રૂચિ આ બધું સાત્ત્વિક ગુણના લક્ષણો છે, મૃત્યુ બાદ દેહને સળગાવતાં બધું જ નષ્ટ થતું નથી, ભસ્મ રહી જાય છે અને આ ભસ્મ જ આપણા આત્માનું પ્રતીક છે, દેહ નશ્ર્વર છે.’ બીજી તરફ શ્રાપિત ગંધર્વ રાજ ક્રોંચ મુષક બન્યા બાદ સ્વર્ગલોક ખાતે આતંક મચાવે છે.
આ આતંક જોઈ દેવરાજ ઈન્દ્ર તેનો વધ કરવા જાય છે. ક્રોધિત દેવરાજને જોઈ દેવગુરુ બૃહસ્પતિ તેમને અટકાવે છે અને ગંધર્વ રાજ ક્રોંચને આદેશ આપે છે કે તમે અહીંથી વિદાય લો અને કૈલાસ ખાતે જાઓ ત્યાં જ તમારો ઉદ્ધાર છે. કૈલાસ ખાતે માતા પાર્વતી રસોઈ ઘરમાં મોદક બનાવતા હોય છે. મોદક તૈયાર થતાં જ માતા પાર્વતી થોડા મોદક લઈ ભગવાન ગણેશ પાસે પહોંચે છે.
મોદક જોઈ ભગવાન ગણેશ માતા પાર્વતીને પૂછે છે, ‘માતા આ સફેદ સફેદ શું છે?’ માતા પાર્વતી કહે છે કે આ મોદક છે. મોદક બાબતે ભગવાન શિવ વધુ સમજાવતા કહે છે કે, ‘મોદક, પોતાના સાદા આવરણમાં મિષ્ઠાન છુપાવતો હોય છે. આ તથ્ય દર્શાવે છે કે મનુષ્યએ બહારથી આડંબરહીન અને અંદરથી સદૈવ જ્ઞાની હોવું જોઈએ.’ ભગવાન શિવની સમજાવટથી ભગવાન ગણેશ મોદક આરોગે છે, માતાના હાથે બનાવેલા મોદક જોઈ કુમાર કાર્તિકેય પોતાની જાતને વધુ છુપાવી શકતા નથી અને તેઓ સામે પ્રગટ થાય છે, કુમાર કાર્તિકેયને સામે પ્રગટ થયેલા જોઈ માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન થાય છે. કુમાર કાર્તિકેય માતા પાર્વતીને ભેટી પડે છે.
ૄૄૄ
કુમાર ગણેશ અને કુમાર કાર્તિકેયનું મિલન થતાં કૈલાસ ખાતે દરેક જણ અશોકસુંદરીના આગમનની રાહ જોતા હોય છે.
ભગવાન શિવ નંદીને આદેશ આપે છે તમે અશોકસુંદરી પાસે જઈ તેમને જણાવો કે બંને કુમાર કૈલાસ પર છે તમારી હાજરી અનિવાર્ય છે. નંદી દ્વારા ભગવાન ગણેશ વિશેની માહિતી મળતાં અશોકસુંદરી તુરંત કૈલાસ પધારે છે. કૈલાસ પર શિવ પરિવાર એકત્ર થતાં ઉત્સવ ઉજવવામાં આવે છે. ઉત્સવમાં દરેક કૈલાસવાસીઓને નવાં નવાં વસ્ત્રો પહેરેલા જોઈ કુમાર ગણેશ કહે છે:
ભગવાન ગણેશ: ‘માતા પિતાજી સાંસારિક વસ્ત્રો કેમ ધારણ કરતા નથી.’
માતા પાર્વતી: ‘તેઓ આ રૂપમાં જ મને પ્રિય છે.’
ભગવાન ગણેશ: ‘નહીં માતા, પિતાજીએ સાંસારિક વસ્ત્રો ધારણ કરવાં જોઈએ. નંદી જાઓ પિતાજી માટે સુંદર વસ્ત્રોનું આયોજન કરો.’
આદેશ મળતાં જ નંદી ભગવાન શિવનાં સુંદર વસ્ત્રો તૈયાર કરી ભગવાન ગણેશને આપે છે.
ભગવાન ગણેશ: ‘પિતાજી, આ સાંસારિક વસ્ત્રો ખૂબ જ સુંદર છે, તમે એને ધારણ કરો.’
ભગવાન શિવ પુત્ર પ્રેમને આધીન સાંસારિક વસ્ત્રો ધારણ કરે છે, ભગવાન શિવ ખૂબ જ સુંદર દેખાતા હોવાથી દેવગણો તેમના પર પુષ્પ વર્ષા કરે છે. કોઈ પુત્ર પોતાની માતાથી વધુ સુંદર કોઈ વસ્તુની ઈર્ષ્યા કરતા હોય છે, ભગવાન ગણેશ પણ તેનાથી અપવાદ ન હોવાથી તેઓ ભગવાન શિવની ઇર્ષ્યા થવા માંડે છે. તેઓ અશોકસુંદરી પાસે જઈ કહે છે કે, પિતાજી તો માતા કરતાં પણ વધુ સુંદર દેખાય છે, એ કેમ ચાલે.’
ભગવાન ગણેશ વિચારતા હોય છે કે પિતાજીને પરત જટાધારી વેશમાં કઈ રીતે લાવવા. ભગવાન ગણેશની મથામણ ભગવાન શિવ સમજતાં તેઓ પૂછે છે:
ભગવાન શિવ: ‘પુત્ર આટલા અસમંજસમાં કેમ છો?’
ભગવાન ગણેશ: ‘પિતાજી તમે ફરી તમારા જટાધારી વેશમાં આવી જાઓ.’
ભગવાન શિવ: ‘પુત્ર શું તમને મારા સાંસારિક રૂપ અને જટાધારી રૂપ વચ્ચેનો અંતર ખબર પડી ગઈ.’
ભગવાન ગણેશ: ‘દેહને ઢાંકવા જે વસ્ત્ર મળી જાય એ જ સ્વરૂપવાન છે, પરંતુ મેં તમને જટાધારી રૂપમાં આવવા એટલા માટે કહ્યું છે કે આ સાસાંરિક રૂપમાં તમે માતા કરતાં પણ વધુ રૂપવાન દેખાઓ છો અને
હું નથી ઇચ્છતો કે કોઈપણ મારી માતાથી સુંદર
દેખાય, એટલે તમે તમારા વાસ્તવિક જટાધારી રૂપમાં જ પાછા ફરો.’
ભગવાન શિવ: ‘જેવી તમારી ઇચ્છા.’ કહી ભગવાન શિવ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ધારણ કરે છે.
ભગવાન ગણેશ: ‘આ જ સુંદર છે.’
એટલું કહી ભગવાન ગણેશ તેમના બાંધવો સાથે રમવા જાય છે.
માતા પાર્વતી: ‘સ્વામી હું ભયભીત હતી કે તમે ગણેશના તર્કથી ક્રોધિત થશો.’
ભગવાન શિવ: ‘નહીં પાર્વતી, સંતાનની જિજ્ઞાસાને ધૈર્ય અને સાચા તર્ક સાથે સંબોધવું અતિ આવશ્યક છે, જો માતા પિતા જ યોગ્ય ઉત્તર ન આપે અને ક્રોધિત થાય તો બાળકોની જિજ્ઞાસાને સમાધાનકારક ઉત્તર નહીં મળે અને તેઓની જિજ્ઞાસા તેમને ખોટા માર્ગે લઈ જઈ શકે છે જે ઉચિત નથી. ફક્ત જન્મ આપવો જ માતા પિતાનું કર્તવ્ય નથી હોતું, તેમણે પોતાનાં બાળકોના વ્યક્તિત્વનો સુધાર લાવવો પણ અનિવાર્ય હોય છે.
ૄૄૄ
અશોકસુંદરી સાથે રમવા ગયેલા ભગવાન ગણેશને કૈલાસ પર કોલાહલ સંભળાય છે.
અશોકસુંદરી: ‘ગણેશ આ શેનો કોલાહલ છે?’
ભગવાન ગણેશ: ‘ચાલો અશોકસુંદરી ત્યાં જવું જરૂરી છે.’
ત્યાં પહોંચી જોતાં તેમને સમજાય છે કે કૈલાસનિવાસીઓના ઘરમાં એક મોટા મૂષકે કાળો કેર વર્તાવ્યો છે અને કૈલાસનું બધું અનાજ તે ખાઈ ગયો છે.’
અશોકસુંદરી: ‘આ મૂષકને વશ કરવો જરૂરી છે.’
ભગવાન ગણેશ એ મૂષકને પડકારે છે અને તેને બંદી બનાવી તેના પર આરુઢ થાય છે. બંદી મૂષકને ભગવાન ગણેશ ભગવાન શિવ અને માતા પાર્વતી સમક્ષ ઊભો કરે છે.
ભગવાન શિવ: (મૂષકને સંબોધતાં) ‘ગંધર્વ રાજ ક્રોંચ ઊભા થાઓ.’
ભગવાન શિવના આશીર્વાદ મળતાં જ ગંધર્વ રાજ ક્રોંચ પોતાનું અસલ રૂપ મેળવે છે. તેઓ શિવ પરિવારના આશીર્વાદ લઈ ત્યાંથી વિદાય લે છે.
ૄૄૄ
ઘણાં સમયથી કુમાર કાર્તિકેય દક્ષિણ ક્ષેત્રમાં ન હોઈ કૈલાસ ગયા હોવાની જાણ થતાં જ અસુરો મહારાજ નંબી પર આક્રમણ કરવાની તૈયારી કરે છે. ગુપ્તચરો દ્વારા માહિતી મળતાં મહારાજા નંબી કુમારને પરત ફરવા પત્ર મોકલે છે. પત્ર મળતાં જ કુમાર કાર્તિકેય ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ લઈ દક્ષિણ ક્ષેત્ર પરત ફરે છે, ત્યાં કૈલાસ ખાતે અશોકસુંદરી પણ
પોતાનું તપ અધૂરું છોડીને આવ્યાં હોવાથી તેઓ પણ ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ લઈ વિદાય લે છે. (ક્રમશ:)