મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) જૂથના સાંસદ સંજય રાઉતે પુણેમાં એક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ મૂક્યા હતા અને એની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટીકા કરી છે. તમે મિસ્ટર કૂલ છો તો હું મિસ્ટર હોટ, એમ કહીને સંજય રાઉતે સરકારને વખોડી હતી.
ભ્રષ્ટ લોકોને સમર્થન આપવાનું કામ ચાલી રહ્યું છે, એમ રાઉતે જણાવ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસ રાજ્યને મુશ્કેલીમાં મુકવા જઈ રહ્યા છે. મોદી-શાહ પણ મારો અવાજ બંધ કરી શક્યા નથી. સાંસદ સંજય રાઉતે પુણેની મુલાકાતે હતા ત્યારે ભાજપ પર આ આરોપો લગાવ્યા હતા. વિધાનસભ્ય રાહુલ કુલે ભીમા પાટસ સુગર ફેક્ટરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યા બાદ રાઉતે બેઠક યોજી હતી. સભાને સંબોધતા રાઉતે કહ્યું કે કસ્બા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિવાય તમામ લોકો પ્રચાર કરવા પહોંચ્યા હતા. પીએમ મોદી માત્ર ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપે છે, જ્યાં સુધી તમે ભ્રષ્ટ બનશો નહીં ત્યાં સુધી તમને ભાજપમાં પ્રવેશ નહીં મળે. ગૃહ પ્રધાન અમિત શાહને લઈ રાઉતે કહ્યું હતું કે મારો કોઈની પાસે ઝઘડો નથી. હું છેલ્લા બે મહિનાથી ગૃહ પ્રધાનને મળવાનો સમય માગી રહ્યો છું. જોકે, ભીમા ફેકટરીને બરબાદ થતી રોકવા માટે હું સમય માગી રહ્યો છું.. પણ તેઓ મારાથી દૂર ભાગી રહ્યા છે. છેલ્લે હું સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી છે અને હવે જોવાનું છે કે સીબીઆઈ શું કરે છે. નહીં તો હું ઈડીમાં ફરિયાદ કરીશ અથવા કોર્ટમાં જઈશ. અમારી સરકાર 2024માં કેન્દ્ર અને રાજ્યમાં આવશે, એવો રાઉતે દાવો કર્યો હતો.
40 વિધાનસભ્ય શિવસેના છોડી ચૂક્યા છે, જેમાંથી 12 ભ્રષ્ટાચારમાં રચ્યાપચ્યા છે, જેમાંથી દરેકના પર ઈડી, સીબીઆઈ, આઈટી દ્વારા આરોપ મૂકવામાં આવ્યા છે. જો તમે મિસ્ટર કૂલ છો તો હું મિસ્ટર હોટ છું. જો તમે ડ્રાઈવ કરી શકતા નથી તો હટી જાઓ. ભ્રષ્ટાચારની સામે લોકોને ટેકો આપવાનું કામ ચાલી રહ્યું છે અને આજની સરકાર એ ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે, એમ સંજય રાઉતે જણાવ્યું હતું.